સર્વોત્તમ મિત્રતા એક વૃત્ત જેવી હોય છે, જેનો કોઈ પ્રારંભ કે અંત બિન્દુ નથી હોતો. મિત્ર કપડાંની જેમ રોજરોજ બદલાતો નથી. મિત્રનો મતલબ છે એક એવો વ્યક્તિ જે તમારા સુખ-દુ:ખમાં દરેક સમયે તમારી સાથે રહે. જ્યારે તમને તેની ઉણપ લાગે ત્યારે તે તમારી સામે હોય, પરંતુ નાની-મોટી ગેરસમજો અને અવિશ્વાસને કારણે મૈત્રીમાં દરાર આવી જાય છે અને ખૂબ જ વિશ્વાસથી બતાવેલા રહસ્યો ઉધાડા પડી જાય છે.
આવી સ્થિતિમાં કદી ઉભી ન થાય એ માટે કેટલીક વાતો પર ધ્યાન આપવુ જોઈએ. રહસ્યને રહસ્ય જ રહેવા દો, મિત્રો હમરાજ હોય છે. ઘણા વિશ્વાસની સાથે
એક બીજાને બેઘડક પોતાની ખાસ વાતો એક બીજાને જણાવે છે. પરંતુ ખરાબ ત્યારે થાય છે જ્યારે એક મિત્ર એ વિશ્વાસને તોડીને મિત્રના રહસ્યો બીજા સામે ખોલી નાખે છે. તેથી એક સારી મૈત્રીનો એક સિધ્ધાંત છે કે કોઈ પણ પરિસ્થિતિમાં પરસ્પર એકબીજાના રહસ્યો કોઈને બતાવવા જોઈએ નહી.
આલોચના કરો પણ સાચવીને, તમારા મિત્રમાં હંમેશા ઉણપો શોધવાનુ ટાળો. તેની સકારાત્મક વાતોની પ્રશંસા કરો. તેથી એ તમારી આલોચનાઓનો પણ સ્વીકાર કરી શકે. તેના ગુણો અને તેની ઉણપોના વિશે નિષ્પક્ષ થઈને તમારા વિચાર જણાવો. જો તમને તમારા મિત્રની કોઈ વાત કે આદત સારી નથી લાગતી, જેમ કે તેનુ વાત-વાતમાં રિસાઈ જવુ કે નાની-નાની વાતો પર રડી પડવુ કે પછી તમને તેનો કોઈ ડ્રેસ ગમતો ન હોય કે પછી એવુ લાગે કે તેનુ વજન વધી રહ્યુ છે તો તેના વિશે તેને જણાવો, પરંતુ એક ટીકાકાર રૂપે નહી, એક શુભચિંતક બનીને.
સારા મિત્રો એકબીજાની સારી વાતોના વખાણ કરે છે અને નબળાઈઓ પ્રત્યે પરિપક્વ રીતે પ્રતિક્રિયા વ્યક્ત કરે છે અને તેને દૂર કરવા એક બીજાને પ્રોત્સાહન આપે છે. એકબીજાને મદદ કરો. પોતાની દરેક સમસ્યા કે મુશ્કેલીમાં તમારા મિત્રને કારણ વગર ન જોડો. પરંતુ જાતે દરેક મુશ્કેલીનો હલ કાઢતા સીખો. પરંતુ જરૂર પડે તો તેની મદદ અવશ્ય માંગો. મદદ લેવાની સાથે સાથે મદદ આપતા કરતા પણ સીખો. દુ:ખમાં પણ મિત્રની પડખે રહો. તમે મજાક-મસ્તી, હરવા-ફરવામાં તો હંમેશા તમારી મિત્રોની સાથે રહો જ છો, પરંતુ દુ:ખ કે મુશ્કેલીના સમયે પણ તમારે તમારા મિત્રનો સાથ આપવો જોઈએ. મુસીબત સમયે આગળ વધીને મિત્રનો સાથ આપો.
તેને આ વાતનો અહેસાસ કરાવો કે તમે દરેક સમયે તેની સાથે છો, દરેક નાની-મોટી મુશ્કેલીમાં તેની પાસે ચો. જો આવા સમયે એ તમારી સાથે વાત કરવા ન માંગતો હોય તો થોડુ ધીરજથી કામ લો અને તેને થોડો સમય આપો. સાથે સાથે એ પણ બતાવો કે તમે તેની પરવાહ કરો છો.
દોસ્તીને મજાક ન બનાવો. જો બીજા લોકો તમારા મિત્ર વિશે કોઈ ઉણપ કે ખરું ખોટુ કહે તો એ સમયે તેમના ટોળામાં જોડાવવાને બદલે તમારા મિત્રનો સાથ આપો. આલોચકોની ટોળીમાં જોડાઈને આગમાં ઘી નાખવાનુ કામ ન કરો. આવા સમયે વિષય બદલવાનો પ્રયત્ન કરો કે પછી ત્યાંથી નીકળી જવુ યોગ્ય છે. તમારો મિત્ર તમારા પર વિશ્વાસ કરે છે અને તમને એક સારો મિત્ર માને છે. બીજાની સામે તમારી મિત્રતાને એક મજાક ન બનાવો. તમે તેને એની ભૂલ વિશે એકાંતમાં જણાવી શકો છો.
મૈત્રી કરી છે તો તેને નિભાવતા પણ સીખો. કપડાની જેમ મિત્રો ન બદલો. મિત્રનો મતલબ છે એક એવો માણસ જે દરેક સમયે તમારો સાથ આપે. ટૂંકમાં કહેવુ છે કે તમારી શાળાના મિત્ર હોય કે, કોલેજના મિત્ર હોય કે પછી તમારી સાથે કામ કરતા તમારા ઓફિસના મિત્રો હોય, તમારો આવો વ્યવ્હાર એ બતાવે છે કે તમારી મૈત્રી સ્થાયી નથી. તમારી મૈત્રી ઋતુની જેમ છે, જે થોડા સમય પછી બદલાઈ જાય છે. શાળા, કોલેજ કે ઓફિસ સિવાયના સમયે પણ તમારા મિત્રો સાથે સંપર્ક રાખો.