સૌભાગ્યવૃદ્ધિ, પતિનાં દીર્ઘાયુ માટે વિશિષ્ટ એવી વટસાવિત્રી વ્રતનો પ્રારંભ મંગળવારથી થયો છે. જયારે આ વર્ષે વ્રતની પૂનમ પણ ગુરુવારે આવી છે. પૂનમનાં દિવસે વડનો સ્પર્શ પણ દીર્ઘાયુ માટે ઉત્તમ માનવામાં આવ્યું છે.
જયોતિષાચાર્ય કંદર્પભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે સામાન્ય રીતે આ વ્રત જેઠ સુદ તેરશથી વટસાવિત્રી વ્રતનો પ્રારંભ થાય છે ત્યારે મંગળવાર સાંજથી જ તેરશનો પ્રારંભ થઇ જાય છે અને એ જ રીતે તા.૧૨મી જૂનનાં રોજ વ્રતની પૂનમ આવી છે, માટે આ જ દિવસે વટસાવિત્રી વ્રતની પૂર્ણાહુતિ થાય છે. આ દિવસે યોગ પણ સારાં છે. વડનો સ્પર્શ પણ દીર્ઘાયુ પ્રદાન કરનાર છે. જયારે પ્રજ્ઞાચક્ષુ યુવા કથાકાર કૃણાલભાઇ શાષાીજીએ જણાવ્યું કે સૌભાગ્યવતીસ્ત્રીઓ પોતાનાં પતિનાં દીર્ઘાયુ માટે આ વ્રત કરે છે. શાષાોમાં જે ઉલ્લેખ છે, તે અનુસાર વડની અંદર ભગવાન વિષ્ણુનો નિવાસ છે. આ વ્રત કરવાથીસ્ત્રીઓને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શક્ય હોય તો ત્રણ દિવસ દરમિયાન ઉપવાસ કરી શકાય છે અને જો તે ન થઇ શકે તો પૂર્ણિમાનાં દિવસે વડનું પૂજન કરવું, સાવિત્રી માતાનું પૂજન કરવું જોઇએ.
આ વ્રત અગાઉ મદ્રદેશનાં રાજા અશ્વપતિએ પણ કર્યુ હોવાનાં પૌરાણિક ઉલ્લેખો છે. તેમણે આ સાવિત્રી કે જે ગાયત્રીનું જ સ્વરૂપ ગણાય છે, તેની ઉપાસના કરી હતી. ગાયત્રી મંત્રનાં જાપ-અનુષ્ઠાન દ્વારા તેમને ત્યાં સાવિત્રી માતાનો પ્રાદુર્ભાવ થયો હતો.
આ ત્રણ દિવસ દરમિયાન ‘ઓમ્ શ્રીસાવિત્રીદેવ્યૈ નમઃ' - મંત્રનો જાપ અથવા અનુષ્ઠાન કરી શકાય છે. જેનાથી આત્મબળની વૃદ્ધિ અને પતિનાં દીર્ઘાયુની પ્રાપ્તિ તથા માતાજીની વિશિષ્ટ કૃપા પ્રાપ્ત થઇ શકે છે. પૂનમનાં દિવસે રાત્રિ જાગરણનું પણ વિધાન છે.