Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતીય નારીની પતિભક્તિનું પ્રતિક – વટપૂર્ણિમાં વ્રત

ભારતીય નારીની પતિભક્તિનું પ્રતિક – વટપૂર્ણિમાં વ્રત
વડ સાવિત્રીનું વ્રત સૌભાગ્ય આપનારું, પતિના દીર્ધ આયુષ્યની કામના કરનારું વ્રત છે. ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતિક બની ચૂક્યું છે. આમ, તો વ્રતની તિથિને લઈને લોકોના ભિન્ન ભિન્ન મત છે. પણ સામાન્ય રીતે આ વ્રત જયેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે.

વડ સાવિત્રી વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનું વિશેષ મહત્વ છે. પીપળાની જેમ વડના ઝાંડનું પણ વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેનો વાસ છે. એટલે આની નીચે બેસીને વ્રત પૂજન કરવાથી કે કથા સાંભળવાથી મનોકામના પૂરી થાય છે.

વડ વૃક્ષનું પૂજન અને સાવિત્રી-સત્યવાનની કથાનું સ્મરણ કરવાના વિધાનને કારણે આ વ્રત વટ-સાવિત્રીના નામથી પ્રસિધ્ધ થયું આ વ્રત ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓજ કરે છે. આ દિવસે વડનું પૂજન કરવામાં આવે છે. આ વ્રતને સ્ત્રીયો અખંડ સૌભાગ્યવતી રહેવાની મંગલકામના સાથે કરે છે.

આ વ્રતની પૂજન વિધિ આ પ્રમાણે છે.

વહેલી સવારે ઉઠી ઘરની સફાઈ કરી નિત્યકર્મથી પરવારી સ્નાન કરવું.

ઘરમાં પવિત્ર જળ કે ગૌમૂત્ર છાંટવું.

એક થાળીમાં હળદર,કંકુ,ફૂલ, કાચો દોરો(સૂત), પલાળેલા ચણા,નારીયળ, પંચામૃત ધૂપ, પાકી કેરી, વસ્ત્ર તરીકે એકાદ બ્લાઉઝપીસ કે રૂ નાં વસ્ત્ર બનાવીને પણ મૂકી શકાય છે.

સૌ પ્રથમ વડમાં પાણી સીંચો, સામે એક પાન પર સોપારી મૂકી તેની ગણપતિ તરીકે પૂજા કર
ત્યારબાદ વડની હળદર-કંકુ વગેરેથી પૂજા કરો. એક બ્લાઉઝ પીસ સાથે એક સુહાગિનના સૌંદર્યની બધી સામગ્રી જેવી કે બિંદી,કાંસકો,બંગડી,અરીસો અને મંગલસૂત્રના કાળા મોતી મૂકો

--હવે વડને ફળ-ફૂલ ચઢાવી તેની ચારે બાજુ કાચો દોરો લપેટી વડની સાત કે અગિયાર પરિક્રમા કરો

.-છેલ્લે હાથમાં ફૂલ કે ચોખા લઈને વટ-સાવિત્રીની કથા સાંભળો.

પૂજાવિધિ પત્યા પછી બ્રાહ્મણોને વસ્ત્ર તથા ફળ વગેરે વસ્તુઓનુ દાન કરો.

છેલ્લે નિમ્ન સંકલ્પ સાથે ઉપવાસ રાખો

વ્યાદિસકલદોષપરિહારાર્થ બ્રહ્મસાવિત્રીપ્રીત્યર્થ
સત્યવત્સાવિત્રીપ્રીત્યર્થ ચ વટસાવિત્રીવ્રતમહં કરિષ્યે.



વટપૂર્ણિમાં વ્રત કથ

રાજા અશ્વપતિએ પત્ની સાથે સાવિત્રી દેવીની આરાધના કરીને સર્વગુણ સંપન્નવાળી પુત્રીનું મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યુ. પછી સર્વગુણ સંપન્ન દેવી સાવિત્રીએ જ અશ્વપતિના ઘરે કન્યાના રુપમાં જન્મ લીધો.

સાવિત્રીએ જ્યારે યૌવનના ઉંબરે પગ મૂક્યો, ત્યારે તેના માટે યોગ્ય વરની શોધવો ધણો મુશ્કિલ હતો આથી સાવિત્રીને યોગ્ય વરની શોધ કરવા માટે દેશભ્રમણ માટે મોકલી દેવામાં આવી, જેથી કરીને સુયોગ્ય વરની પસંદગી કરી શકે. સાવિત્રીએ પોતાની માટે સત્યવાનને પસંદ કરી લીધો, નારદજીએ સત્યવાન અને સાવિત્રીન ગ્રહોની ગણના કરીને તેના વ્યક્તિત્વના વખાણ કર્યા, પણ સાથે કહ્યું પણ કે સત્યવાનનું આયુષ્ય ખૂબ નાનું છે. આ સાંભળી રાજા અશ્વપતિને ખૂબ દુ:ખ થયું તેમણે સાવિત્રીને બીજો યોગ્ય વર શોધવાનું કહ્યું. પણ સાવિત્રી તેના નિર્ણય પર અટલ હતી. તેણે કહ્યં “પિતાજી, હું આર્ય કુમારી છું, આર્ય સ્ત્રીઓ જીવનમાં એક જ વાર પતિની પસંદગી કરે છે. મેં સત્યવાનને મનોમન વરી ચૂકી છું. હવે તે અલ્પાઆયુ હોય કે દીર્ધાયું, એ મારા નસીબની વાત છે. પણ હું કોઈ અન્યને મારા હ્રદયમાં સ્થાન નહી આપું.

સાવિત્રી અને સત્યવાન ના લગ્ન થઈ ગયા. સાવિત્રી પોતાના સાસુ-સસરા સાથે જંગલમાં રહેવા લાગી. તે સાસુ સસરાની સેવા કરતી આમ, સમય વીતતો ગયો. સત્યવાનનું આયુષ્ય પૂરુ થઈ ગયું.

એક દિવસ જ્યારે સત્યવાન લાકડીઓ કાંપવા માટે જવા લાગ્યો ત્યારે સાવિત્રી પણ સાસુ-સસરાની આજ્ઞા લઈને તેમની સાથે ચાલવા માંડી. સત્યવાને મીઠા મીઠા ફળ લાવીને સાવિત્રીને આપ્યાં અને પોતે લાકડી કાંપવા ઝાડ પર ચઢી ગયો. થોડી જ વારમાં તેનુ માથું સખત દુ:ખાવાં માંડ્યુ, અને તે નીચે ઉતરી ગયો.

સાવિત્રીએ પાસે આવેલાં એક વડના વૃક્ષ નીચે તેને સુવાડી દીધો અને તેનું માથું પોતાના ખોળામાં મૂકી દીધુ. સાવિત્રી બધું જાણતી હતી કે શું થવાનું છે.? એટલા માટે તેનું હૃદય કાંપી રહ્યુ હતું. પણ મનમાં તેણે કશું વિચારી લીધુ હતું આથી એક ગજબની પવિત્ર દૃઢતા તેના ચેહરા પર દેખાતી હતી. તેણે તો બસ એ જ ક્ષણની રાહ જોઈ રહી હતી, અને તે સમય પણ આવી ગયો. બ્રહ્માના વિધાન મુજબ યમરાજ સત્યવાનના પ્રાણ લઈને જવા માંડ્યો. સાવિત્રી પણ તેમની પાછળ જવાં માંડી. યમરાજે સાવિત્રીને પરત ફરવાં કહ્યું.

જવાબમાં તે બોલી - “ મહારાજ, પત્નીનું પત્નીત્વ ત્યારે જ સાર્થક કહેવાય જ્યારે તે પતિનું પડછાંયાની જેમ અનુસરણ કરે. અને હું પણ એ જ કરી રહી છું. આ મારી મર્યાદા છે. તમે આના વિરુધ્ધ કશું પણ બોલો એ તમને શોભા નથી આપતું.” યમરાજને લાગ્યું કે સાવિત્રીને કોઈ વરદાન આપી દઈશ તો તે મારો પીછો નહી કરે. તેમણે સાવિત્રીને પતિના પ્રાણ સિવાય કશું પણ માંગવાનું કહ્યું. સાવિત્રીએ યમરાજ પાસેથી સાસુ-સસરાના આંખોની રોશની તથા દીર્ધાયું માંગી લીધું. યમરાજ તથાસ્તુ કહીને આગળ વધી ગયા. સાવિત્રીએ ફરી યમરાજની પાછળ ચાલવાં માડી. યમરાજે જોયું તો સાવિત્રી પાછળ આવતી હતી.

તેમણે સાવિત્રીને આગળ આવતા રોકીને વિપરીત દિશામાં જવાનું કહ્યું. ત્યારે સાવિત્રી એ કહ્યું “ધર્મરાજ, પતિ વગર નારીનું જીવન અધુરું છે. અમે પતિ-પત્ની અલગ અલગ રસ્તે કેવી રીતે જઈ શકીએ છીએ. મારા પતિ જે રસ્તે જશે તે જ રસ્તે હું પણ જઈશ.” સાવિત્રીની ધર્મનિષ્ઠા જોઈને તેમણે ફરી વરદાન માંગવાનું કહ્યું. આ વખતે સાવિત્રીએ સો ભાઈઓની બહેન બનવાનું વરદાન માંગી લીધુ. યમરાજ ફરી ‘તથાસ્ત’ કહીને ચાલવાં માંડ્યાં. સાવિત્રી ફરી તેમના પાછળ ચાલવા માંડી. યમરાજે ફરી સાવિત્રીને કહ્યું “ ભદ્રે ! હજું પણ તારા મનમાં કોઈ ઈચ્છા બાકી હોય તો બતાવ, તું જે માંગીશ તે મળશે.

સાવિત્રી બોલી, “જીવનદાતા ! તમે જો મારા પર સાચે જ પ્રસન્ન હોય, અને મને તમારાં દિલથી કાંઈ આપવાં માંગતા હોય તો મને સો પુત્રોની માઁ બનવાનું વરદાન આપો.” યમરાજે ‘તથાસ્ત’ કહીને આગળ વધ્યા.

સાવિત્રીએ ફરી તેમનો પીછો કર્યો. યમરાજે કહ્યું ક” હવે આગળ ન વધીશ, મેં તને જોઈતું વરદાન આપી ચૂક્યો છું, હવે કેમ પીછો કરે છે. ?
સાવિત્રીએ કહ્યું “ તમે મને સો પુત્રોની માઁ બનવાનું વરદાન તો આપ્યુ, પણ શું પતિ વગર હું સંતાનને જન્મ આપી શકુ છું? મને મારા પતિ મળશે ત્યારે તો હું તમારું વરદાન પૂરુ કરી શકી”.

સાવિત્રીની ધર્મનિષ્ઠા, જ્ઞાન, વિવેક તથા પતિવ્રતની વાત જાણી યમરાજે સત્યવાનને પોતાના પાસેથી મુક્ત કરી દીધો. આવી રીતે પતિના પ્રાણ પરત મેળવીને તથા યમરાજનું અભિવાદન કરી સાવિત્રી તે જ વટવૃક્ષ નીચે આવી જ્યાં સત્યવાને પ્રાણ છોડ્યાં હતા.

સાવિત્રીએ વટવૃક્ષને પ્રણામ કરીને જેવી વડની પરિક્રમા પૂરી કરી, તેવો જ સત્યવાન જીવતો થઈ ગયો. સાવિત્રી ખુશ થઈને પોતાના પતિ સાથે સાસુ-સસરા પાસે ગઈ. તેમના આંખોની રોશની પાછી આવી ગઈ હતી. તેમના મંત્રી તેમને શોધતા શોધતા આવી ગયા હતાં. અને તેમણે ફરી રાજ સિંહાસન સંભાળ્યું.

મહારાજ અશ્વપતિ સો પુત્રોના પિતા થયા તથા સાવિત્રી સો ભાઈઓની બહેન બની. સાવિત્રી પણ વરદાનના પ્રભાવથી સો પુત્રોની માતા બની. આમ, ચારેબાજુ સાવિત્રીના પતિવ્રત ધર્મ પાલનની ગુંજ થવાં માંડી.

Share this Story:

Follow Webdunia gujarati