નવરાત્રિની તૈયારીઓ હવે ગલી-મહોલ્લામાં ઝલકવા માંડી છે. સ્ટેજ તૈયાર થઈ ગયા છે, મોટી મોટી પાર્ટીઓનુ બુકિંગ પણ થઈ ગયુ છે. જ્યારે યુવક-યુવતીઓ નવ દિવસ આકર્ષક દેખાવવા માટે પોતાના નવ દિવસના ડ્રેસની ખરીદી કે બુકિંગ પણ કરી ચૂક્યા છે. કોઈ જીમમાં જઈને કસરત કરી રહ્યા છે તો કોઈ બ્યુટી પાર્લરના પગથિયા ઘસી રહ્યા છે. કેમ ન હોય, નવરાત્રિ તો એકમાત્ર એવો અવસર છે જ્યારે મન મૂકીને મુક્ત રીતે સજીને ગરબે ઘૂમવાની તક મળે છે. જે લોકો જાડાં છે તેઓ ડાયેટિંગ કરી રહ્યા છે. આખું વર્ષ ફાસ્ટફૂડિયું ખાઈને કાઢશે અને નવરાત્રીના સમયે ડાયેટ કરવા માંડશે.ઘણી જગ્યાએતો ગરબા વિથ એરોબિકસની બેચ પણ ચાલે છે. એવુ પણ કહેવાય છે કે નવરાત્રિ એ શરીર ઉતારવા માટેની નવ દિવસની એક્સસાઈઝ પણ છે. નવરાત્રિ આવતા યુવાન યુવક-યુવતીઓથી પોતાના સૌદર્ય તરફ વધુ જાગૃત થઈ જાય છે. એવુ સમજે છે કે નવરાત્રિમાં કમર પાતળી હોય તો જ લોકો તેમને જોશે. પોતાના ગ્લેમરસ દેખાવ માટે કમર પાતળી હોવી જોઈએ, કારણ કે કમર પાતળી હોય તો જ કમર પર ટેટુ લગાવવુ કે પછી બેક લેસ ચણિયા-ચોળી શોભી શકે. એક બ્યુટિશિયનનું કહેવ છે કે ફેશિયલ, બેક પોલિશીંગ હેંડ ફિનિશિં વગેરે લોકો વધુ કરાવે છે. નવરાત્રીમાં તો એટલી બ્યુટી કેર વધી જાય છે કે બ્યુટીપાર્લર એક પણ દિવસ પણ બંધ રખાતું જ નથી અને વહેલી સવારથી માંડીને સાંજ સુધી છોકરીઓ આવતી જ હોય છે. ભારતમાં કે વિદેશોમાં જ્યા જ્યા ગુજરાતીઓ વસે ત્યાં ત્યાં તેઓ ગુજરાતની નવરાત્રીને મિસ કરતા જ હોય છે. ઘણા ગુજરાતીઓ તો એવા કે ગરબા ભલે ગમે ત્યાં રમે પણ ચણિયા ચોળી તો ગુજરાતના જ ખરીદવાનો આગ્રહ રાખે છે
હવે તો લોકો ગ્રુપમાં એકસરખા ડ્રેસ પહેરીને રમે છે તેથી એકસરખા કાઠિયાવાડી અને રાજસ્થાની ડ્રેસોની માંગ પણ વધુ હોય છે. દરેક ડ્રેસીસવાળાઓની ત્યાં મહિના પહેલા જ ડ્રેસનુ બુકિંગ થઈ જાય છે. સામાન્ય ગરબાની સાથે સાથે દોઢિયુ , પોપ ગરબા, ઝડપી ગરબાઓનું ચલણ પણ વધી ગયુ છે.
ટૂંકમાં નવરાત્રી એ મનમૂકીને આનંદ અને મોજ-મસ્તી કરવાનો તહેવાર બનતો જઈ રહ્યો છે.