Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રી આદ્યશક્તિની સ્તુતિ

શ્રી આદ્યશક્તિની  સ્તુતિ
W.D

આરતી પછીના બોલ

જે માનવી જ્ન્મી જગે જગદંબાને વિસરી ગયો
સેવા કરીના માતની અવતાર તો તેને તેણે ગયો
કાયા મળી કંચન તણી સેવા કરીના માતની
માતા મુખે ન વિદ્યા જીહ્વા દેહ દિધી શા કામની?
પરમેશ્વરીને પુંજતા પામર જીવો જાયે તરી
જેણે ભજ્યાં મા ભગવતી આશા પુરે જો ઇશ્વરી
જવાનું છે જો જો જરૂર મીન મેખ તો ફરશે નહી
મુક્યા વિસારી માતને અવસર ફરી મળશે નહી
સેવક કહે મા આપનો સૌ દાસને સંભારજો
ચિત્તવન તમારા નામનું અંબે સદા છું આપનો.

માતાજીની સ્તુતિ

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 1

ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,
સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 2

આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 3

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠિન યુગ તણો બળાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 4

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 5

ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 6

રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,
આ જિંદગી થઇ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 7

ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 8

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 9

શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,
વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 10

શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,
રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,
સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 11

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનિ,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 12

Share this Story:

Follow Webdunia gujarati