પ્રિય બાળકો,
તમે હમણાં શુ કરી રહ્યા છો ? ગરબાની મસ્તી માણી લીધી, ગરબા રમી રમીને થાકી પણ ગયા હશો, રાવણને પણ બાળી લીધો, શરદ પૂનમમાં દૂધ પૌઆ પણ ખઈ લીધા, હવે દિવાળીને લઈને તમારા મનમાં ખૂબ ઉત્સાહ હશે તે હું સમજી શકુ છું. નવાં-નવાં કપડાં પણ આવી ગયા હશે અને ન આવ્યા હોય તો મમ્મી-પપ્પાની પાછળ પડી રહ્યા હશો - પપ્પા મને તો દિવાળી પર ઋત્વિક જેવું પેંટ જોઈએ, કે પછી મમ્મી મને પેલી મિતાલી જેવી કેપ્રી જોઈએ, ઠીક કહ્યું ને ? તમને શાળામાં હવે 15-20 દિવસનું મીની વેકેશન પડી ગયું હશે. હવે તો ઘરમાં દિવાળીની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હશે.
તમને ખબર છે દોસ્તો દિવાળી શામાટે ઉજવવામાં આવે છે ? અરે, તમે તો વિચારમાં પડી ગયા. આપણે ધર્મની દ્રષ્ટિએ જોઈએ તો દિવાળી એટલા માટે ઉજવાય છે કે, આ સમયે ભગવાન રામ રાવણને હણીને સીતા અને લક્ષ્મણ સાથે પોતાનો વનવાસ પૂરો કરી અયોધ્યા પાછા ફર્યા હતા, તેથી તેમના આવવાની ખુશીમાં લોકોએ મીઠાઈ વહેંચીને ફટાકડાં ફોડ્યાં અને ઘરે ઘરે દીવા સળગાવવામાં આવ્યાં હતા. અને આ રીતે દિવાળીની શરૂઆત થઈ હતી.
જ્યારે અન્ય કારણ એવું છે કે, જો દિવાળી ન હોત તો તમે રોજ શાળામાં જતાં, હોમવર્ક કરતા અને બસ એ જ રોટલી શાક, દાળ-ભાત ખાતાં. જીંદગીમાં કોઈ નવીનતા ન હોત. જો તહેવારો જ ન હોય તો અમારી જીંદગી મશીનની જેમ રોજ એક સરખું કામ કરવામાં જ વીતી જાત. દિવાળી આવવાની હોય છે તો આપણે ઘરની સાફ-સફાઈ કરીએ છીએ, ઘરમાં નવીનતા આવે છે, નવી નવી વસ્તુઓ લાવીએ છીએ. એકબીજાને મળવા જઈએ છીએ, તેથી ભૂલી ગયેલા સંબંધો ફરી મજબૂત બને છે.
તમારે માટે તો સૌથી મોટી વાત કે તમને નવાં-નવા પકવાન ખાવા મળે છે. ઘણાં બાળકોને મેં પૂછ્યુ કે, દિવાળીએ તમે શું કરો છો ? બધાએ એક સરખાં જ જવાબ આપ્યા કે અમે તો ફટાકડાં ફોડીએ છીએ. નવાં- નવાં કપડાં પહેરીએ છીએ. પણ બાળકો ફક્ત નવા કપડાં પહેરીને ફટાકડાં ફોડવા એ જ દિવાળી છે ?
આ વખતે એવું કાંઈ કરો કે તમને દિવાળીની મજા આવી જાય. ઘરમાં મમ્મી-પપ્પા, દાદા-દાદી બધાં દિવાળીની તૈયારીઓમાં વ્યસ્ત હોય છે, તમે પણ તેમને મદદ કરો. તમે વિચારશો કે અમે તે વળી શું મદદ કરી શકીએ ? પણ બાળકોની નાની નાની મદદથી પણ ઘણું કામ ઓછું થઈ જાય છે. મમ્મીએ સામાન ગોઠવતી હોય તો આપણે એક એક વસ્તુ સાફ કરીને આપીએ તો મમ્મી કેટલી ખુશ થાય અને બધા હળીમળીને કામ કરીએ તો કામ પણ જલ્દી થાય અને કામ કરવાની મજા પણ આવે. તો ચાલો શરૂ થઈ જઈએ મદદ કરવા...