Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવાળીમાં ઘરની સાથે મનની પણ સાફસફાઇ કરવા જેવી ખરી!

દિવાળીમાં ઘરની સાથે મનની પણ સાફસફાઇ કરવા જેવી ખરી!
, શનિવાર, 26 ઑક્ટોબર 2013 (12:06 IST)
P.R

દિવાળી આવે એટલે ભારતીયોના ઘરોમાં સાફસૂફીની મોસમ સોળે કળાએ ખીલી ઊઠે. ઘરમાંથી કેટલી બધી વસ્તુઓ બહાર આવે ને તડકો માણે. એમાં વળી જેનું ઘર સાથે લેણું પૂરું થઈ ગયું હોય તેને પાછી ઘરમાં એન્ટ્રી ન મળે. એવી ચીજો મુક્ત થયાની હાશ અનુભવતી હશે કે હડસેલાઈ જવાનું દુ:ખ ફીલ કરતી હશે? ખબર નથી, પણ ઘરમાં જગ્યા કર્યાનો આનંદ સૌ ખાસ અનુભવે છે. આ સાફસૂફીનો પોર્ટફોલિયો મુખ્યત્વે ગૃહિણીઓનો કહેવાય. કેમકે પુરુષોએ તેમાં રસ લેવાનું મોડું-મોડું શરૂ કર્યું છે. અલબત્ત પુરુષો પણ આજ-કાલ આ પર્વમાં હોંશે-હોંશેભાગ લે છે પણ યંગ છોકરા-છોકરીઓને તો મમ્મીનું દિવાલી-ક્લિનિંગનું ઓબ્સેશન બોરિંગ લાગે છે. એ લોકો એમાંથી છટકી જવાનાં બહાનાં શોધી લે છે. નાનાં હતાં ત્યારે અમને પણ એવું જ થતું. દિવાળીનું વેકેશન હોય અને બહેનપણીઓએ સાથે પિક્ચર કે રેસ્ટોરાંમાં જવાનો પ્રોગ્રામ બનાવ્યો હોય તેમાં કોઇ ને કોઇ બહેનપણી છેલ્લી ઘડીએ ‘ હું નહીં આવી શકું. આજે તો અમારે ઘરે સાફ-સૂફીનો પ્રોગ્રામ છે’ કહીને અમારા પ્રોગ્રામમાં ખાડો કરતી ત્યારે બહુ ગુસ્સો આવતો. મને યાદ છે હું તો મારા ઘરમાં દલીલ કરતી કે દિવાળીમાં જ શા માટે આટલી બધી સાફસૂફી કરવાની? એના કરતાં વરસમાં રેગ્યુલર પણ સાફ્-સૂફી કરવાની ને! ત્યારે જવાબ મળતો કે રેગ્યુલર તો થાય જ છે પણ આ દિવાળી નિમિત્તે બધું ટોપ ટૂ બોટમ સાફ થઈ જાય. ત્યારે બાની એ વાત તો ગમતી નહોતી પણ સાફ સૂથરું થયેલું અને વ્યવસ્થિત, સુઘડ, ઘર બહુ વહાલું લાગતું! સ્વચ્છતા અને હળવાશનો એક આહ્લાદક અહેસાસ થતો. ઘરનો ખૂણે-ખૂણો જાણે ‘મને જો ’, ‘મને તો જો’ કહેતો હોય તેવો ઝગ-ઝગી ઊઠતો તે જરૂર ગમતો.

પણ આજે વરસો પછી બાની વાતને તેમના પરસ્પેક્ટિવથી જોતાં આવડી ગયું છે. આ પ્રસંગે જે રીતે ટોટલ ક્લિનિંગ થાય છે તેને કારણે આપણી સંઘરાખોર વૃત્તિનો વાર્ષિક હિસાબ મળી જાય છે. સાથે જ ઇન્ટ્રોસ્પેક્ષન કરવાની તક પણ મળે છે. કામનું રાખવું, ભવિષ્યમાં કામ આવે એવું હોય તે પોટલું વાળીને જૂદું રાખવું, કામમાં આવે જ નહીં એવું હોય તેનો નિકાલ કરી દેવો.....આવી બધી પ્રવૃત્તિ દિવાળી પૂર્વે આ સાફ-સૂફી નિમિત્તે થઈ જાય છે. કેટલાક લોકો ઘણી બિન-ઉપયોગી ચીજો કાઢી નાખીને હરખાય છે. પણ એવી નક્કામી વસ્તુઓ પોતે લીધી શા માટે હશે તેનો વિચાર નથી કરતા! એટલું જ નહીં, એ નિકાલ કરીને ઘરમાં જગ્યા કરી હોય એ પાછી નવી ખરીદી દ્વારા પચાવી પડાય છે તેનો પણ ખ્યાલ નથી રહેતો!

ઇન ફૅક્ટ આ દિવસોમાં માણસની શોપિંગ વૃત્તિને આકર્ષવા, ઉશ્કેરવા અને તેને ઉન્મુક્ત કરી દેવા ઉત્પાદકો અખબારો અને મિડિયા દ્વારા મંડી પડે છે. મેગા ડિસ્કાઉન્ટ અને મહા સેલની પાનાં ભરી-ભરીને જાહેરખબરો ભલભલા મક્કમ મિજાજને પણ પીગળાવી દે છે. રસ્તાઓ પર અને મૉલ્સમાં શોપિંગક્રાઉડની ભીડ જોઇ મને ઘણીવાર વિચાર આવે કે આ શોપિંગ કોઇ ભૂત તો નથી ને જે સાગમટે બધાને વળગી પડ્યું છે! આ વાંચીને શોપિંગ શોખીનો મારા પર ચીડાય તો એમનો ગુસ્સો સર-આંખો પર! શોપિંગ દ્વારા મળતા અપરંપાર આનંદની ક્રેડિટ ભૂતને કઈ રીતે આપી શકાય? એ આનંદ તો નિર્ભેળપણે આપણું જ ક્રિએશન ગણાય. શોપિંગ માટે દોડીએ આપણે, પસંદગી પાછળ કલાકો વેડફીએ આપણે, પૈસા ખર્ચીએ આપણે, પરસેવો પાડીએ આપણે અને તેના પરિણામે જે આનંદ પ્રાપ્ત થાય તેનો જશ ભૂતભાઈને કેમ આપી શકાય! એવું કહીને શોપિંગ શોખીનો મારા પર તૂટી પડે એ પહેલાં સોરી કહી દઉં. ના, લોકોના શોપિંગ શોખની મજાક ઊડાડવાનો કોઇ ઇરાદો નથી. કેમ કે શોપિંગનો કેફ માણવામાંથી ક્યાં કોઇ બાકાત રહી શક્યું છે?

નાનપણમાં દિવાળીની શોપિંગ પહેલાં અને શોપિંગ પછી પણ એમાંથી જે રસ લૂંટયો છે તે કમાલનો હતો. આજે પણ એ સીન મારી આંખોમાં સચવાયેલો છે. દિવાળીની રજાઓ શરૂ થાય તેના પહેલાંના રવિવારે અમારી કપડાં, ચંપલ-સેન્ડલની ખરીદી થઈ ગઈ હોય. અને રોજ બપોરે સ્કુલથી આવીને જમીને મારો અને બિલ્ડિંગમાં જ રહેતી મારી ફ્રેન્ડ રૂપાનો એક જ કાર્યક્રમ રહેતો. તેના ઘરે સોફાસેટના સેન્ટર સોફા ઉપર અમે બન્ને એક્-એક ખૂણા પર ઊંધા પગ વાળીને બેસતાં(ગાંધીજીની સ્ટાઇલમાં). પછી કોઇ એજન્ડા વિના જ અમારો પ્રિય વિષય શરૂ થઈ જાય. ‘તું ધનતેરસને દિવસ શું પહેરીશ?’ ‘હું તો રેડ હાથીવાળું, સ્લીવલેસ ફ્રોક પેરીશ ને કાળી ચૌદ્સે ગ્રીન ચેક્સવાળું મેગિયા સ્લીવ્ઝનું પહેરીશ’ ‘હું તો દિવાળીને દિવસે ગ્રીન અને સાલમુબારકને દિવસે બ્લ્યુ પહેરીશ.’ આમ બન્નેનાં દિવાળીના દિવસો દરમિયાન ચાર દિવસ પહેરવાનાં નવાં ડ્રેસીઝનું અમારું ડિસ્કશન રોજે-રોજ ચાલે. એ સેઇમ ટુ સેઇમ કાર્યક્રમ દિવાળી સુધી ચાલે! અને બેમાંથી કોઇને ક્ટાળો ન આવે! ઇન ફેક્ટ અમારાં એ દિવાલી સ્પેશિયલ કમ્યુનિકેશનની શરૂઆત જ આ રીતે થતી: ‘ચાલ હવે શોપિંગની વાત કરીએ’. એ સંવાદમાં મારે ભાગે ઘણી વિવિધતા રહેતી કેમકે નાનાં હતાં ત્યારે પણ અમારાં કપડાં અમારી ચોઇસ મુજબનાં જ આવતાં જ્યારે રૂપાના જોઇન્ટ ફેમિલીમાં કાકા-બાપાનાં બધા છોકરાઓનાં કપડાં એક સરખા બનતા. લાલ, લીલા, બ્લ્યુ કે પીળા એવા જુદા -જુદા રંગના તાકા તેના બાપુજી લઈ આવતા. પછી ઘરે દરજી બેસતો અને દરેક તાકામાંથી બધી છોકરીઓનાં એક્-એક ફ્રોક સીવાતાં. આજે શોપિંગ કોઇ ફેસ્ટિવલને મોહતાજ નથી રહી અને એ ખુદ એક ફેસ્ટિવલ બની ગઈ છે ત્યારે આજના કિડઝ કે ટીનેજર્સને આ બધી વાતો ઇતિહાસ જેવી કે જુદા જ પ્લેનેટ પર વસતાં લોકોની લાગે! પણ એક શોપિંગમાંથી આવો અનેકગણો આનંદ લૂંટવાની કલા તો કદાચ તેમનેય હસ્તગત હશે! એનીવે! મૂળ તો આપણે સાફસૂફીની વાત કરતાં હતાં અને શોપિંગ પર પહોંચી ગયા હતા. પણ મારે જે એક વાત શેર કરવી છે તે એ કે દિવાળીની ઘરસફાઈની પ્રક્રિયા કરતાં કરતાં અનાયાસ મારા મનમાં પણ એક એક્સર્સાઇઝ ચાલતી હતી: ઘરની જેમ મનની પણ સફાઈનો કાર્યક્રમ બનાવવો જોઇએ. તેમાં પણ જૂના ભેગા કરી રાખેલી માન્યતાઓ અને ગ્રંથિઓના કે અભિપ્રાયોના પોટલાં ડિસ્કાર્ડ કરવા જેવા મળી આવશે! મનનાં કોઇક નાનક્ડા ખૂણામાં ઘણું બધું દટાઇને પડ્યું હોય એ પણ આવી સફાઈ નિમિત્તે બહાર નીકળી આવે ત્યારે લાગશે કે નાનકડાં મનને નાહક આટલો બધો સમય આટલા ભાર તળે ચગદ્યું! અને તેમાંથી ઉપયોગી-બિનુપયોગીનું ક્લાસિફિકેશન કરીને બિનુપયોગીનો નિકાલ કરી દઈએ પછી કેવા હળવાં ફૂલ થઈ જવાય! કેટલીય વાર કોઇક બાબત અંગે નકામી ચિંતા ક્રરી-કરીને મન પર બોજો વેંઢાર્યો હોય અને એ ચિંતા કરી હોય તેવું કશું થાય જ નહીં! ત્યારે એ સાચવીને રાખેલા ચિંતાના ચીંથરા કેવી સહેલાઈથી મન પરથી ઊડી જાય છે અને કેવી હાશ થાય છે! દિવાળી નિમિત્તે થતી ઘરની સાફસૂફીની જેમ મનની પણ સાફસૂફી કરવા જેવી છે!

Share this Story:

Follow Webdunia gujarati