Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેડિલાના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદી યુવતીની 14 દિવસે ભાળ મળી

કેડિલાના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદી યુવતીની 14 દિવસે ભાળ મળી
, બુધવાર, 7 ફેબ્રુઆરી 2024 (18:27 IST)
-બલ્ગેરિયન યુવતીની 14 દિવસે ભાળ
-આરોપી રાજીવ મોદી પણ વિદેશમાં હોવાની પોલીસને શંકા
-યુવતી મિસિંગ હોવાની ફરિયાદ વકીલે કરી હતી
 
 
ફાર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર બલ્ગેરિયન યુવતીની 14 દિવસે ભાળ મળી છે. આજે અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું છે કે, ફરિયાદી યુવતી પોતાના વતન પરત જતી રહી છે.હાલ આ કેસની તપાસ ખૂબ જ સંવેદનશીલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. બીજી તરફ આરોપી રાજીવ મોદી પણ વિદેશમાં હોવાની પોલીસને શંકા છે. 
 
યુવતી મિસિંગ હોવાની ફરિયાદ વકીલે કરી હતી
બલ્ગેરિયન યુવતીના વકીલે મીડિયાને જણાવ્યું હતું કે, હું કાલે જ જેસીપી ચિરાગ કોરડિયા કે જે આ કેસના સુપરવાઈઝર છે. તેમને હું મળ્યો હતો, પરંતુ તેમણે મને આ વિશે કંઈ જણાવ્યું નહોતું. બલ્ગેરિયન યુવતી મિસિંગ છે એ ફરિયાદ મેં કરી હતી પણ પોલીસે મને ન જણાવતા મીડિયામાં જાહેરાત કરી છે. આ રેપ કેસમાં સરકાર જ ફરિયાદી હોય એટલા માટે પોલીસે ચાર્જશીટ તો ફાઈલ કરવી જ પડશે અને કોર્ટને જણાવવું પડશે ઇન્વેસ્ટિગેશનમાં શું બહાર આવ્યું?
 
રાજીવ મોદી પણ વિદેશમાં હોવાની પોલીસને શંકા
18 જાન્યુઆરીએ યુવતી તેના વકીલ સાથે પોલીસ અધિકારીને નિવેદન નોંધાવવા જવાની હતી. એ દિવસે તપાસ અધિકારી ડિપાર્ટમેન્ટના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી નિવેદન નોંધાયું નહોતું. યુવતી પાછી નિવેદન આપવા જાય એ પહેલાં તે ગુમ થયાની વાત સામે આવી હતી. જોકે, યુવતી બલ્ગેરિયા પરત જતી રહી હોવાની પોલીસે આજે સ્પષ્ટતા કરી છે. અત્યારસુધીમાં પોલીસે રાજીવ મોદીના છારોડી ખાતેના ફાર્મહાઉસના સ્ટાફ અને કર્મચારીઓનાં નિવેદન લીધાં છે. રાજીવ મોદીનો સંપર્ક પોલીસ દ્વારા થઈ શક્યો નથી. બીજી તરફ આરોપી રાજીવ મોદી પણ વિદેશમાં હોવાની પોલીસને શંકા છે. 
 
રાજીવ મોદી અને યુવતી વચ્ચેની સાંકળ જોન્સન મેથ્યુ 
પોલીસ દ્વારા મહત્ત્વના પુરાવા અને સાક્ષીઓ તપાસવામાં આવી રહ્યા છે. કેડિલાના HR મેનેજર જોન્સન મેથ્યુને પૂછપરછ માટે પોલીસે બે વખત નોટિસ આપીને બોલાવ્યો હતો. ત્યારે બન્ને નોટિસ આપતી વખતે તેણે સમય માગ્યો હતો. જોકે, હવે પોલીસે તેને બોલાવીને પૂછપરછ પણ કરી છે અને તેનું નિવેદન નોંધ્યું છે. હાલ આ કેસની અંદર રાજીવ મોદી અને યુવતી વચ્ચેની સાંકળ જોન્સન મેથ્યુ છે. પોલીસે જોન્સન મેથ્યુનું નિવેદન નોંધી રાજીવ મોદી અને પીડિતાની કડી જોડતી વિગતો એકઠી કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ ધાક જમાવી, 20થી વધુ વાહનોમાં તોડફોડ