Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કે.એસ.દુલીપસિંહ

કે.એસ.દુલીપસિંહ

પરૂન શર્મા

, રવિવાર, 3 જૂન 2007 (10:05 IST)
કે.એસ.દુલીપસિંહ (1905-1959)

ક્રિકેટ જગતમાં દુલીપ અને ઈંગ્લેન્ડમાં સ્મિથના નામે જાણીતા એવા દુલીપસિંહજી મહાન ક્રિકેટર રણજીસિંહના ભત્રીજા હતા. તેમણે તેમના કાકા રણજીના નકશેકદમ પર ચાલીને ક્રિકેટમાં જંપલાવ્યું અને કાકાની જેમ જ ક્રિકેટ કારકિર્દીમાં અનેક સિદ્ધીઓ હાંસલ કરી. તેમની ક્રિકેટ કારકિર્દી બહુ જ ટૂંકી હતી. પણ તેમને મળેલી મર્યાદિત તકોનો તેમને પૂરતો અને શ્રેષ્ઠતમ ઉપયોગ કર્યો.

ક્રિકેટ ગ્રાઉન્ડ પર તેમની બેટીંગ સ્ટાઈલ, સૌમ્યતા અને ક્ષમતાનું અનોખું મિશ્રણ પ્રતિસ્પર્ધિ ટીમના બોલરો-ફિલ્ડરોને નબળા પૂરવાર કરતું. તંદુરસ્તીની રીતે જોઈએ તો એકદમ દુબળોપાતળો બાંધો ધરાવતા દુલીપસિંહ મેદાનમાં ઉતરતા જ ક્રિકેટીંગ બ્રેઈનના પ્રતીક તરીકે ઉભરી આવતા. બોલને ઝીણવટીભરી નજરે નીહાળ્યા બાદ તેઓ બોલને પૂરજોશમાં યોગ્ય સમયે અને યોગ્ય દિશામાં મોકલતા.

શાળા અભ્યાસ દરમિયાન ઈંગ્લેન્ડ પ્રવાસમાં તેઓ સતત ત્રણ વર્ષ સુધી ચેલ્ટેમહેમ તરફથી રમ્યા. તેમાં છેલ્લા વર્ષે ચેલ્ટેહેમની કેપ્ટનશીપ પણ કરી. વિઝડને તેમને સૌથી પરીપક્વ બેટ્સમેન તરીકે ઉલ્લેખ્યા.

1927માં યોર્કશાયર વિરૂદ્ધ 101 રન બનાવીને તેણે પ્રથમ શ્રેણીના ક્રિકેટ કેરીયરની શાનદાર શરૂઆત કરી. થોડા જ દિવસો પછી તેમણે તેમની યુનિવર્સિટી ટીમ તરફથી રમતા નોટઆઉટ રહીને 254 રન બનાવ્યા. તેમનો આ સ્કોર વર્ષો સુધી તેમની યુનિવર્સિટીના શ્રેષ્ઠ સ્કોર તરીકે અકબંધ રહ્યો.

1929થી 1931 દરમિયાન ત્રણ વર્ષોમાં તેમણે 55ની સરેરાશે કુલ 7793 રન બનાવ્યા. 1930માં તેમણે નોર્થેમ્પ્ટનશાયર વિરૂદ્ધ રમતા એક જ દિવસની રમતમાં 333 રન બનાવ્યા. જે આજે પણ કાઉન્ટી ક્રિકેટમાં એક રેકોર્ડ છે. તેમણે તે જ સત્રમાં ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ પદાર્પણ કરતા ઓસ્ટ્રેલીયા વિરૂદ્ધ 173 રન બનાવ્યા.

દુલીપસિંહે ઈંગ્લેન્ડની પ્રતિષ્ઠીત કાઉન્ટીઓમાંથી એક એવી સસેક્સની કેપ્ટનશીપ પણ કરી. પરંતુ 1932ના ઓગસ્ટ મહિનામાં યોર્કશાયર વિરૂદ્ધ રમતા અચાનક જ તેમનું સ્વાસ્થ્ય બગડ્યું. પરિણામે આખી સિઝન તેમના માટે નબળી રહી. તે જ વર્ષના અંતે ઓસ્ટ્રેલીયા પ્રવાસમાં ઈંગ્લેન્ડ ટીમમાં તેમની પસંદગી થઈ. જો કે ફરીવાર તેમનું નબળું સ્વાસ્થ્ય તેમના માટે અડચણરૂપ બનતા માત્ર 27ની ઉંમરે તેમની ક્રિકેટ કારકિર્દી સમેટાઈ ગઈ.

તેમણે 58 રનની સરેરાશે 12 ટેસ્ટમેચોમાં 5 અર્ધસદી અને 3 સદીની મદદથી કુલ 995 રન બનાવ્યા. તેમણે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 50 સદીઓ ફટકારી. ત્રણ વાર તેમણે એક જ મેચના બંને દાવમાં સદી ફટકારી.

કિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ ભારત આવીને કેટલીક મૈત્રી મેચોમાં રમ્યા. ત્યારબાદ તેમણે ઓસ્ટ્રેલીયામાં ભારતના હાઈકમિશ્નર તરીકે ફરજ નીભાવી અને ત્યાંથી પાછા ફર્યા બાદ તેઓ ઓલ ઈન્ડિયા કાઉન્સિલના અધ્યક્ષપદે ચૂંટાઈ આવ્યા.

1959માં તેમના મૃત્યુના બે વર્ષ પછી ક્રિકેટમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને ભારતમાં તેમના નામે દુલીપ ટ્રોફીની શરૂઆત કરવામાં આવી.

ટેસ્ટ રેકોર્ડ
12 ટેસ્ટ, 19 દાવ, 2 વખત નોટઆઉટ, શ્રેષ્ઠ સ્કોર 173, 995 રન, સરેરાશ 58.52, 3 સદી, 5 અર્ધસદી, 10 કેચ.

પ્રથમ શ્રેણી રેકોર્ડ
205 મેચ, 333 દાવ, 23 વખત નોટઆઉટ, શ્રેષ્ઠ સ્કોર 333 રન, કુલ 15485 રન, સરેરાશ 49.95, 50 સદી, 256 કેચ.
1345 રનમાં 28 વિકેટ, સરેરાશ 48.03, શ્રેષ્ઠ બોલીંગ 49 રનમાં 4 વિકેટ.

Share this Story:

Follow Webdunia gujarati