સચિનને 'ભારત રત્ન' મળે - ધોની
ચેન્નઈ , બુધવાર, 6 એપ્રિલ 2011 (17:54 IST)
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને દેશનુ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ભારત રત્ન'થી સન્માનવામાં આવવાની માંગ ઘણા લાંબા સમયથી ઉઠી રહી છે. પરંતુ ભારતીય ટીમના વિશ્વકપ ખિતાબ જીત્યા પછી આ માંગને વધુ જોર મળી રહ્યુ છે. રેકોર્ડના બેતાજ બાદશાહને ભારત રત્ન આપવાની માંગ કરનારાઓમાં હવે ભારતીય કપ્તાન મહેન્દ સિંહ ધોનીનો પણ સમાવેશ થઈ ગયો છે. ધોનીએ આજે અહીં એક સંવાદદાતા સંમેલનમાં કહ્યુ સચિનને ભારત રત્ન મળવો જોઈએ. તેઓ છેલ્લા 21 વર્ષથી દેશને માટે રમી રહ્યા છે અને આગામી કેટલાક વધુ વર્ષો સુધી પોતાનુ પ્રદર્શન કરી દેશનુ ગૌરવ વધારતા રહેશે. તેમણે કહ્યુ આ સમયે દેશના કોઈ પણ ખેલાડીથી વધુ સચિન ભારત રત્નના હકદાર છે. જો તેમને આ સન્માન નહી આપવામાં આવે તો કોઈપણ ક્રિકેટર આ સન્માનનો ક્યારેય હકદાર નથી થઈ શકતો. આ પહેલા મંગળવારે મહારાષ્ટ્ર સરકારે પણ સચિનને દેશના સર્વોચ્ચ પુરસ્કાર 'ભારત રત્ન' આપવાની ભલામણ કેન્દ્રને કરવાનો નિર્ણય કર્યો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે વિધાનસભામાં જણાવ્યુ કે ક્રિકેટમાં ઉલ્લેખનીય યોગદાન અને ભારતને 28 વર્ષ પછી વિશ્વવિજેતા બનાવવામાં મહત્વનો ભાગ ભજવવા માટે તેમની સરકાર સચિનને ભારત રત્ન આપવાની ભલામણ કેન્દ્રને કરશે. બે દસકાથી પણ વધુ સમયથી ભારતીય ક્રિકેટની સેવા કરી રહેલ સચિનને દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કાર 'રાજીવ ગાંઘી ખેલ રત્ન', અર્જુન પુરસ્કાર, પદ્મશ્રી, અને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. સચિન બેટિંગમાં પણ દુનિયાના લગભગ બધા જ રેકોર્ડ પોતાના નામે રાખેલ છે. સચિને ગયા વર્ષે વનડે ઈતિહાસની પ્રથમ ડબલ સેંચુરી મારી હતી અને ત્યારે પણ તેમને 'ભારત રત્ન' આપવાની માંગ કરવામાં આવી હતી. ઘણા રાજનીતિક દળ અને ખેલાડીઓએ આ માંગનુ સમર્થન કર્યુ હતુ પરંતુ સરકારે છેવટે ગયા વર્ષે પણ કોઈને પણ 'ભારત રત્ન' ન આપ્યો.