Pakistan Cricket Team: વનડે વર્લ્ડ કપ 2023 પાકિસ્તાન ટીમ માટે ખૂબ જ ખરાબ રહ્યો. આ વખતે પણ તે સેમિફાઈનલમાં પ્રવેશવામાં નિષ્ફળ રહી હતી. બાબર આઝમની કપ્તાનીમાં ટીમ 9 મેચમાંથી માત્ર 4 જ જીતી શકી અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. પાકિસ્તાનની ટીમ આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈને ઘરે પહોંચી ગઈ છે. પાકિસ્તાન પહોંચતા જ ટીમના એક દિગ્ગજ ખેલાડીએ મોટો નિર્ણય લીધો છે. આ અનુભવીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
આ દિગ્ગજે આપ્યું રાજીનામું
પાકિસ્તાન ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ વખતે વર્લ્ડ કપમાં પાકિસ્તાની બોલરોની હાલત ખૂબ જ ખરાબ હતી અને તેઓ હારનું સૌથી મોટું કારણ બન્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCBએ એક પ્રેસ રિલીઝ રજુ કરીને આ જાણકારી આપી છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર મોર્કેલે આ વર્ષે જૂનમાં આ પદ સંભાળ્યું હતું. પાકિસ્તાનની ટીમ સાથે તેનો 6 મહિનાનો કરાર હતો.
ક્યારે થશે નવા બોલિંગ કોચની જાહેરાત ?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હજુ સુધી મોર્ને મોર્કેલના સ્થાનની જાહેરાત કરી નથી. બોર્ડે કહ્યું છે કે તે યોગ્ય સમયે તેમના રીપ્લેસમેન્ટની જાહેરાત કરશે. હવે આગામી થોડા દિવસોમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફમાં કેટલાક વધુ ફેરફાર જોવા મળી શકે છે. હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેમની આગામી શ્રેણી રમવાની છે. આ પ્રવાસ 14મી ડિસેમ્બરથી થશે. આ સમયગાળા દરમિયાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. આવી સ્થિતિમાં, આ શ્રેણી પહેલા નવા બોલિંગ કોચ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.
આ બોલરોએ કર્યું ખૂબ જ ખરાબ પ્રદર્શન
હાલમાં પાકિસ્તાનના સૌથી ઝડપી બોલર ગણાતા હરિસ રઉફ માટે આ ટૂર્નામેન્ટ સૌથી ખરાબ હતી. તેણે વર્લ્ડ કપની એક જ સીઝનમાં સૌથી વધુ રન આપવાનો શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. હરિસ રઉફે આ વર્ષે વર્લ્ડ કપમાં 9 મેચ રમીને 533 રન આપ્યા હતા. સાથે જ શાહીન આફ્રિદી પણ સંપૂર્ણ ફ્લોપ રહયા હતા. તેમણે 481 રન આપ્યા હતા.