IPL 2025 Mega Auction - એક તરફ જ્યાં ફેન્સ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆતની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ દરેક લોકો ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની મેગા ઓક્શનની પણ રાહ જોઈ રહ્યા છે. 24 અને 25 નવેમ્બર. 2 દિવસ સુધી ચાલનારી આ મેગા ઓક્શનનું આ વખતે સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં આયોજન કરવામાં આવ્યું છે. જે માટે 1574 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, ત્યારબાદ મેગા ઓક્શન માટે કુલ 574 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનું નામ સામેલ નથી, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પરંતુ હવે તેનું નામ પણ સામેલ થઈ ગયું છે કરવામાં આવ્યું છે.
BCCI સાથે વાતચીત બાદ ECBએ આર્ચરને NOC આપી હતી
જોફ્રા આર્ચરનું નામ ખેલાડીઓની શોર્ટલિસ્ટમાં સામેલ નહોતું ત્યારે એવા રીપોર્ટ આવ્યા હતા કે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ભારત સામે આવતા વર્ષે યોજાનારી ટેસ્ટ શ્રેણી અને અન્ય મહત્વની ટૂર્નામેન્ટને ધ્યાનમાં રાખીને આર્ચરનું નામ પાછું ખેંચી લીધું છે. હવે, ESPN ક્રિકઇન્ફોના સમાચાર અનુસાર, આ અંગે ECB અને BCCI વચ્ચેની વાતચીત બાદ આર્ચરને ECB દ્વારા શોર્ટલિસ્ટેડ ખેલાડીઓની યાદીમાં સામેલ કરવા માટે NOC આપવામાં આવ્યું છે. આર્ચરનો ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ સાથે આવતા વર્ષના સપ્ટેમ્બર મહિના સુધીનો કેન્દ્રીય કરાર છે, જેના કારણે તે તેના વર્કલોડને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ રહ્યો છે. આર્ચર છેલ્લે વર્ષ 2021માં ટેસ્ટ મેચ રમ્યો હતો, ત્યાર બાદ તે અત્યાર સુધી આ ફોર્મેટમાં વાપસી કરી શક્યો નથી. ECBને આશા છે કે તે આવતા વર્ષે ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં અને ત્યારબાદ વર્ષના અંતમાં યોજાનારી એશિઝ શ્રેણીમાં ટીમ માટે રમતા જોવા મળશે.
અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતા આર્ચર
જોફ્રા આર્ચરની વાત કરીએ તો, મુંબઈ ઈન્ડિયન્સે તેને વર્ષ 2022માં યોજાયેલી મેગા ઓક્શનમાં 8 કરોડ રૂપિયામાં પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો, પરંતુ કોણીની ઈજાને કારણે તે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો હતો. આ પછી, વર્ષ 2023 માં, આર્ચર ફક્ત 5 મેચ રમી શક્યો અને કોણીની ઈજા ફરીથી થવાની સમસ્યાને કારણે તે લાંબા સમય સુધી મેદાનની બહાર હતો. આર્ચર વર્ષ 2020માં UAEમાં રમાયેલી IPL સિઝનમાં રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ હતો અને તેમાં તેણે 20 ઇનિંગ્સ રમી હતી.