કેન્દ્ર સરકારે લૉકડાઉન પાંચ એટલે એક જૂનથી લઈને 30 જૂન સુધીની ગાઇડલાઇન જાહેર કરી છે. તેને લૉકડાઉન 5ની જગ્યાએ અનલૉક-1 કહેવાઈ રહ્યું છે. આ હેઠળ બધી ગતિવિધિઓ તબક્કા વાર ખોલવાના દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે. જોકે રાતે નવ વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા સુધી બધી ગતિવિધિઓ પર સંપૂર્ણ રોક રહેશે.
આ ગતિવિધિઓને કન્ટેન્મૅન્ટ ઝોનની બહાર જ ખોલી શકાશે. પહેલા તબક્કામાં આઠ જૂન પછીથી ધર્મસ્થળો, હોટલો, રેસ્ટેરાં, શૉપિંગ-મૉલને ખોલવાની મંજૂરી અપાશે. આ માટે સરકાર એક અલગથી દિશાનિર્દેશ જાહેર કરશે બીજા તબક્કામાં સ્કૂલો, કૉલેજો, શિક્ષણ-પ્રશિક્ષણ સંસ્થાઓને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો સાથે વિચારવિમર્શ કર્યા બાદ જુલાઈ મહિનામાં ખોલવાની પરવાનગી અપાશે.
ત્રીજા તબક્કામાં પરિસ્થિતિઓનું વિશ્લેષણ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય વિમાનયાત્રા, મેટ્રોસેવા, સિનેમાહૉલ, જિમ, સ્વિમિંગ-પૂલ અને મનોરંજન પાર્ક વગેરે ખોલવાની તારીખ જાહેર કરાશે.
ઈ-પાસની નહીં પડે જરૂર
જિલ્લા પ્રશાસન કેન્દ્ર સરકારના દિશાનિર્દેશોને ધ્યાનમાં રાખીને કન્ટેન્મૅન્ટ ઝોન નક્કી કરશે. કન્ટેન્મૅન્ટ ઝોનમાં માત્ર જરૂરી સેવાઓને શરૂ રાખવાની મંજૂરી અપાશે. રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ કન્ટેન્મૅન્ટ ઝોનની બહાર બફર ઝોન નક્કી કરી શકશે.
તો રાજ્યોની અંદર અને બે રાજ્યો વચ્ચે લોકોની અવરજવર પર કોઈ રોક નહીં રહે. કોઈ ઈ-પાસની જરૂર નહીં રહે. જોકે કોઈ પ્રાંત કે જિલ્લાપ્રશાસન લોકોની અવરજવર રોકવા માગે તો આદેશની અવધિના પ્રચારપ્રસાર બાદ આવું કરી શકશે. સંબંધિત પ્રક્રિયાઓની જાણકારી પણ લોકોને અપાશે.
એક જૂનથી 30 જૂન દરમિયાન પણ લૉકડાઉનની જેમ લગ્નોમાં 50થી વધુ લોકોને જવાની મંજૂરી નહીં હોય. આ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે. જાહેર સ્થળો, અવરજવર દરમિયાન અને કાર્યસ્થળ પર ચહેરા પર માસ્ક પહેરવો અનિવાર્ય હશે. લોકોએ એકબીજા સાથે જરૂરી અંતર જાળવી રાખવું પડશે.
દુકાનદારોએ ગ્રાહકો વચ્ચે અંતર બનાવી રાખવું પડશે અને એક સમયે દુકાનમાં પાંચથી વધુ ગ્રાહકોને આવવા નહીં દેવાય. સાર્વજનિક સ્થળો પર થૂંકવા પર દંડ અને સજા થઈ શકે છે. સાથે જ સાર્વજનિક સ્થળો પર પાન-ગુટખા અને દારૂ વગેરેના સેવન પર રોક રહેશે. તો કન્ટેન્મૅન્ટ ઝોનમાં 30 જૂન સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે.