ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા ઓમિક્રૉન વાઇરસને હાલ ચિંતાજનક વૅરિયન્ટની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે.
ચિંતાજનક વૅરિયન્ટમાં કેમ મૂકવામાં આવ્યો છે તેની વાત કરતાં સ્વાસ્થ્યમંત્રાલયે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની વ્યાખ્યાને ટાંકીને કહ્યું કે રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો હોય અથવા તેમાં હાનિકારક ફેરફાર જોવા મળ્યા હોય ત્યારે તેને ચિંતાજનક વૅરિયન્ટમાં મૂકવામાં આવે છે.
આ ઉપરાંત રોગનાં લક્ષણોમાં ફેરફાર જોવા મળે, રસીની અસરકારકતાને રોગ ઘટાડતો હોય તો તેને પણ ચિંતાજનક રોગની યાદીમાં મૂકવામાં આવે છે.
સરકાર કહે છે કે પ્રાથમિક રીતે એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે કોરોના વાઇરસમાં ભારે ફેરફાર આવ્યા છે, જેવા કે ફરીથી ચેપ ઝડપથી લાગી રહ્યો છે. ઓમિક્રૉન વૅરિયન્ટ રોગપ્રતિકારક શક્તિ કેટલી ઘટાડે છે? તેના ચોક્કસ પુરાવાની રાહ જોવાઈ રહી છે.
દક્ષિણ આફ્રિકાની બહારના દેશોમાં જે પ્રકારે ઓમિક્રૉનના કેસ વધુને વધુ નોંધાઈ રહ્યા છે અને તેની વિશેષતાઓને જોતાં, તે ભારત સહિત બીજા દેશોમાં ફેલાય તેવી શક્યતા છે.
વિશ્વ આરોગ્ય સંગઠને પણ તમામ દેશોને ચેતવણી પણ છે.
જોકે, કેસોમાં વધારો કેટલી ઝડપે અને કેટલો થશે તે હજી સુધી જાણી શકાયું નથી કારણ કે હાલ સુધી રોગની તીવ્રતા સ્પષ્ટ થઈ શકી નથી.
ભારત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતમાં ઝડપથી થઈ રહેલાં રસીકરણ અને ડેલ્ટા વૅરિયન્ટના ફેલાવા દરમિયાન સિરોપૉઝિટિવીટી સરવેમાં જે પરિણામ જોવા મળ્યું હતું તેને જોતાં લાગે છે કે આ વૅરિયન્ટની એટલી ગંભીર અસર નહીં થાય.
જોકે, વૈજ્ઞાનિક પુરાવા હજુ પણ વિકસિત થઈ રહ્યા છે.