કોરોનામાં સાચવેતી એ જ સલામતી છે. જો કે આ મહામારીના માત્ર ભયને કારણે ઘણા લોકો માનસિક અસલામતીની ભાવના અનુભવી રહ્યા છે. લગભગ લોકોના દિમાગમાં એવા જ પ્રશ્નો ઘુમરાઈ રહ્યા છે, 'મને કોરોના થઇ જશે તો ...! ", 'મારા પરિવાર નું શું થશે...? " સામાન્ય માણસને ખૂબ સાહજિક રીતે આ પ્રશ્નો ઉદ્દભવે, જો કે આ બીમારી સામે લડત આપનારા કેટલાક વોરિયર્સ એવા છે જેના મનમાં લગીરેય એવો ભાવ સુદ્ધાં ઉત્પન્ન થતો નથી.
આ પ્રકરની જ એક યુવતી છે 31 વર્ષીય જલ્પા ગાંધી !
કોરોનાની મહામારીને નાથવો એક પડકાર જરૂર છે પરંતુ રાજ્ય પ્રશાસન કોઈપણ કચાસ રાખ્યા વિના કે પાછું પડ્યા વગર મક્કમ પણે તેનો પડકાર કરી રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેઝિગ્નેટેડ કોવિડ- 19 જાહેર કરાયેલી 1200 બેડની હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા સફાઇની કામગીરી જેઓ સફળતાપૂર્વક વહન કરે છે એવા સેવકો પોતાના પરિવારની ચિંતા કર્યા વિના દર્દીઓની સેવામાં કાર્યરત છે.
સિવિલ હોસ્પિટલમાં સેવા બજાવતા જલ્પા ગાંધી આમ તો ૩૧ વર્ષની નાની વયના છે. તેમને સાડા ત્રણ વર્ષની દીકરી પણ છે છેલ્લા થોડાક વર્ષોથી સિવિલ હોસ્પિટલમાં સેવા બજાવે છે. કોરોનાની મહારામારીના પગલે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફને એક કે બે સપ્તાહ એમ વારાફરથી મોકલવામાં આવે છે. હોસ્પિટલના આર.એમ.ઓ ડૉ. સંજય સોલંકી કહે છે કે 'વારાફરથી તમામ સ્ટાફને અહીં સેવા માટે બોલાવવામાં આવે છે એ એક પ્રક્રિયા છે.
ગત માસે જલ્પા ગાંધી એ આ વોર્ડમાં 15 દિવસ નોકરી કરી છે.હાલ તેઓ સિવિલ હોસ્પિટલ માં અન્ય વોર્ડમાં ફરજ બજાવે છે. પરંતુ જલ્પા ગાંધી આજે પણ એમ ઈચ્છે છે કે તેમની નોકરી કોરોના વોર્ડમાં આવે"
જલ્પા ગાંધી કહે છે કે ' દર્દીઓની સેવા એ મારી મૂળ અને નૈતિક ફરજ છે. ભગવાને અમને દર્દીઓની સેવા કરવાની અમૂલ્ય તક આપી છે જે નિષ્ઠાપૂર્વક બજાવીએ છીએ.
જલ્પા આગળ કહે છે, "ગત માસે મારી નોકરી કોરોના વોર્ડમાં આવી હતી. મારે સાડા ત્રણ વર્ષની દીકરી છે એટલે મેં મારા મમ્મી પપ્પા ને ત્યાં એને રાખી છે જેથી કરીને એને કોઈ પ્રકારનુ ઈન્ફેક્શન ન લાગે. આ વોર્ડમાં નોકરી દરમિયાન અમારે હોસ્પિટલના કેમ્પસમાં હોસ્ટેલમાં જ રહેવાનું હોય છે એટલે ઘરે જવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય જ નહીં. પરંતુ આ વોર્ડમાંથી નોકરી પૂરી થાય અને અન્ય વોર્ડમાં ફરજ બજાવો તે સમયે તમે પોતાના ઘરે જઈ શકો છો પરંતુ મેં સાવચેતીના ભાગરૂપે મારી દીકરીને મારા મમ્મી પપ્પા ને ત્યાં જ રાખી છે.જોકે કોરોના ના દર્દીઓ ની સેવા કરવી એ કદાચ મારા માટે સંતોષ મેળવવાનો સૌથી અમૂલ્ય અવસર છે. હતાશ થઈ ગયેલા દર્દીઓના ચહેરા પર એક સંતોષ તમે લાવી શકો તો એનાથી મોટી કોઈ વાત જ ન હોઈ શકે."