દુનિયાભરમાં કોરોના વાઇરસનો કેર ચાલુ છે. આ સાથે જ ખોટી અને ગુમરાહ કરનારી સ્વાસ્થ્યસલાહો પણ મોટા પાયે ઑનલાઇન ફેલાઈ રહી છે. અમે તાજેતરનાં કેટલાંક ઉદાહરણો લીધાં છે અને જાણવાની કોશિશ કરી કે એ ક્યાંથી પેદા થઈ છે.
એ ડૉક્ટર જેમણે શાકાહારી બનવાની સલાહ ન આપી
મોટા ભાગે એવા સંદેશા મોકલાતા હોય છે જેમાં સામાન્ય રીતે ઠીકઠાક સલાહ હોય છે, પરંતુ તેમાં ઘણા દાવા પણ હોય છે જે સામાન્ય રીતે ગુમરાહ કરનારા અને નુકસાનકારક પણ હોય છે. આવા સંદેશા વારંવાર સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર મોકલવામાં આવતા હોવાથી તેને ટ્રૅક કરવાનું મુશ્કેલ થઈ જાય છે.
ભારતની મુખ્ય બે મેડિકલ સંસ્થા અને એક મુખ્ય ભારતીય ડૉક્ટરે વૉટ્સઍપ ગ્રૂપ પર મોટા પાયે શૅર થતા આવા એક નકલી સંદેશાની આલોચના કરી છે, જેમાં તેમના નામે સ્વાસ્થ્યસલાહ અપાઈ છે. આ સંદેશમાં વાઇરસથી બચવા માટે સાવધાની રાખવાની એક લાંબી યાદી અપાઈ છે. તેમાં સામાજિક અંતર, ભીડભાડથી બચવા અને સાફસફાઈ રાખવા જેવી કામની ચીજો સામેલ છે.
પરંતુ તેમાં શાકાહારી બનવાની પણ સલાહ અપાઈ છે. તેમજ બૅલ્ટ, વીંટી કે હાથ પર ઘડિયાળ પહેરવાથી બચવાની પણ સલાહ અપાઈ છે.
આમાંના કોઈ પણ ઉપાયથી વાઇરસથી બચવામાં મદદ મળતી હોવાનું કોઈ પ્રમાણ નથી.
કોવિડ-19ને લઈને WHOએ આપેલી પોષણસંબંધી સલાહમાં પ્રોટિનની સાથે ફળ અને શાકભાજી લેવાની વાત કરી છે.