મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે ત્યાંની આરોગ્ય સેવાઓની સ્થિતિની સમીક્ષા અને જિલ્લા તંત્રની સજજતાનો ચિતાર મેળવવા આજે શનિવારે ૪ જુલાઈ એ સવારે સુરત જશે. સુરતમાં બેઠક યોજીને મુખ્યમંત્રી સુરત જિલ્લા તંત્રએ હાથ ધરેલા કોરોના સંક્રમણ નિયંત્રણના ઉપાયો- પગલાંઓ અને સારવાર સુવિધાઓની માહિતી મેળવશે.
નોંધનીય છે કે મુખ્યમંત્રીના સુરત આગમનના એક દિવસ પહેલા સુરતની સ્મીમેર હોસ્પિટલમાં બે દર્દીઓના મોત નિપજતા હાકાકાર મચી ગયો હતો. સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર બાબતે સવાલો ઉભા થતા રહ્યા છે, ત્યારે શુક્રવારે સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટર હાજર નહીં હોવાના કારણે તેમજ ઓક્સિજન ઓછો મળવાને કારણે બે વૃદ્ધોના મોત નીપજ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે .કૈલાસનાથન સહિતના વરિષ્ઠ સચિવો પણ મુખ્યમંત્રી સાથે સુરત જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે ૧૦:૩૦ કલાકે સુરત પહોંચશે અને બપોર બાદ ગાંધીનગર પરત આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગર પાલિકાના જણાવ્યા મુજબ શહેર જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઇરસના 5967 કેસ સામે આવ્યા છે. જેમાં જીલ્લાના 693 કેસ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંક 226 પર પહોંચી ગયો છે. ગત રોજ શહેરના 58 અને જિલ્લાના 29 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. કુલ 87 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. અત્યાર સુધીમાં કુલ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 3635 થઈ ગઈ છે.