'મસાન', 'રાઝી', 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક', 'સામ બહાદુર' અને 'ડિંકી' સહિત અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલા એક્ટર વિકી કૌશલ આજે બોલિવૂડમાં જાણીતું નામ છે. વિકી કૌશલ રોમેન્ટિકથી લઈને એક્શન સુધીની ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો હતો અને તેણે દરેક ફિલ્મમાં તેનું પાત્ર એટલું સરસ ભજવ્યું હતું કે ફેંસ તેમના દિવાના બની ગયા હતા.
હવે લાખો લોકોના દિલો પર રાજ કરનાર એક્ટર વિકી કૌશલ 16 મેના રોજ પોતાનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કરવા જઈ રહ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે અનુરાગ કશ્યપની ગેંગ્સ ઓફ વાસેપુરના કારણે વિકી કૌશલને જેલ જવું પડ્યું હતું. ચાલો જાણીએ શું હતો આ સમગ્ર મામલો.
વિકી ગેંગ્સ ઓફ વાસેપુરનો આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો.
ગેંગ્સ ઓફ વાસેપુરમાં મનોજ બાજપેયી, પંકજ ત્રિપાઠી અને પીયૂષ મિશ્રા સહિત ઘણા સ્ટાર્સ સાથે જોવા મળ્યા હતા. એક્ટર વિકી કૌશલે 'ગેમ્સ ઓફ વાસેપુર'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મના 10 વર્ષ પૂરા થવા પર અનુરાગ કશ્યપ 'કપિલ શર્મા શો'માં પહોંચ્યો હતો. સાથે જ તેણે જણાવ્યું કે વિકી કૌશલને શૂટિંગ દરમિયાન જેલમાં જવું પડ્યું હતું.
કેમ વિકી કૌશલ ને જેલ જવું પડ્યું ?
અનુરાગ કશ્યપે જણાવ્યું હતું કે વિકી કૌશલ એકવાર વાસેપુરના શૂટિંગ દરમિયાન જેલમાં ગયો હતો. તેણે કહ્યું કે અમે પરવાનગી વગર શૂટિંગ કરી રહ્યા હતા. એકવાર અમે ખરેખર ગેરકાયદે રેતી ખનન માટે શૂટિંગ કરી રહ્યા હતા, જ્યાં માફિયાઓ દ્વારા રેતી ખનન કરવામાં આવી રહ્યું હતું અને તે દરમિયાન વિકી ઝડપાઈ ગયો, ત્યારબાદ તેને જેલ જવું પડ્યું.