Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બોલીવૂડ ફિલ્મ્સમાં લેખિકાઓનો ફાળો

બોલીવૂડ ફિલ્મ્સમાં લેખિકાઓનો ફાળો
, સોમવાર, 5 સપ્ટેમ્બર 2016 (11:37 IST)
આજે ૨૧મી સદીમાં ભારતમાં તેમજ વૈશ્વિક સ્તરે દરેક કાર્ય અને ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે. હવે તેમાં ફિલ્મ નિર્માણ પ્રક્રિયાના વિવિધ ઘટકો જેવા કે ફિલ્મ લેખન, નિર્દેશન, પ્રોડક્શન, આર્ટ ડિરેક્શન, કોસ્ચ્યુમ ડિઝાઈનિંગ અને સંગીતથી માંડીને ફિલ્મ સંપાદન (એડીટિંગ) માં પણ મહિલાઓ ધીરે ધીરે પોતાનું સ્થાન મજબૂત બનાવી ચૂકી છે. પરંતુ આજે આપણે બોલીવુડ ફિલ્મ્સમાં સ્ત્રી લેખિકાઓના નોંધનીય તેમજ પ્રશંસનીય કાર્ય વિશેની વાત કરીશું.

webdunia
ગત પાંચ વર્ષમાં ઘણી એવી સફળ બોલીવુડ ફિલ્મ્સ આવી છે કે જેમાં એક લેખક તરીકે મહિલાએ કેન્દ્રમાં રહીને કાર્ય કર્યું છે. જેમાં નિર્દેશક દીબાકર બેનરજીની ફિલ્મ “ઓયે લકી, લકી ઓયે” (૨૦૦૮) અને “શાંઘાઈ” (૨૦૧૨)માં લેખિકા ઊર્મિ જુવેકરનો ખૂબ મહત્વનો ફાળો રહેલો છે. એક લેખિકા તરીકે ઊર્મિ જુવેકરનું કહેવું છે કે, લેખક અને ડિરેક્ટર વચ્ચે કોઈ પણ ફિલ્મના જે-તે વિષય સંદર્ભે ચર્ચા થવી ખૂબ જ જરૂરી છે. આ સાથે કોઈ ચોક્કસ મુદ્દા પર બંનેની સહમતી પણ તેટલી જ આવશ્યક છે. એક લેખિકા તરીકે હું મારી ફિલ્મમાં માત્ર લેખન કાર્ય સુધી સીમિત ન રહેતા શૂટિંગના સ્થળ પર પણ હાજરી આપું છું અને સાથે ફિલ્મ સંપાદનના કાર્યમાં પણ રસ દાખવું છું. તેમજ એક લેખિકા તરીકે મારી સાથે ક્યારેય કોઈ પ્રકારનો ભેદભાવ થયો નથી. મોટા ભાગના ડિરેક્ટર્સ પોતાની ફિલ્મમાં મહિલા લેખકની એટલા માટે પસંદગી કરતા હોય છે કારણ કે તેના થકી ફિલ્મની વાર્તામાં એક નવા પ્રકારનો દ્રષ્ટિકોણ જોવા મળતો હોય છે. આર્ટના ક્ષેત્રમાં તમારે હંમેશા પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરવાની હોય છે પણ જો તમે તેમાં કદાચ નિષ્ફળ નીવડો તો “કારણ કે હું સ્ત્રી છું માટે મારી સાથે આવું થયું તેવું કહેવુ યોગ્ય નથી.”
webdunia

જો ગત પાંચ વર્ષમાં આવેલી બોલીવુડ ફિલ્મ્સમાં નોંધનીય સ્ત્રી લેખિકાઓની વાત કરીએ તો ગત વર્ષે આવેલી નિર્દેશક સુજીત સરકારની ફિલ્મ “પીકુ” માટે લેખિકા જુહી ચતુર્વેદીને બેસ્ટ સ્ટોરીનો નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે અને અગાઉ ફિલ્મ “વીકી ડોનર” (૨૦૧૨) માટે પણ તેઓને બેસ્ટ સ્ટોરીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો અને ફિલ્મ “મદ્રાસ કાફે” (૨૦૧૩)ના સંવાદ પણ તેમણે લખ્યા છે. આ સિવાય સંજય લીલા ભણસાલીની ફિલ્મ “ગુઝારીશ” (૨૦૧૦)ના લેખિકા ભવાની ઐયર છે. આ અગાઉ તેઓએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ “બ્લેક” (૨૦૦૫)માં સહ-લેખિકા તરીકેનું કાર્ય કર્યું હતું. ભવાની ઐયરે સાયન્સ વિષયમાં સ્નાતક થયા બાદ એક એડ એજન્સીમાં કોપી રાઈટર તરીકે કાર્ય કર્યું અને બાદમાં ફિલ્મ પત્રકારત્વ ક્ષેત્રમાં ઝંપલાવ્યું. જ્યાં તેઓની મુલાકાત નિર્દેશક અનુરાગ કશ્યપ સાથે થઈ જેઓએ તેમને ફિલ્મ લખવા માટેની પ્રેરણા આપી. ભવાની ઐયરનું કહેવું છે કે તેમને ફિલ્મ નિર્માણની પ્રક્રિયામાં લેખન સિવાય સંપાદનના કાર્યમાં મજા આવે છે. તેમના મતે ફિલ્મ સંપાદનનું કાર્ય એક પ્રકારની પઝલ છે. આ સિવાય ફિલ્મ “લુટેરા” (૨૦૧૩)માં પણ તેમણે સહ-લેખનનું કામ કર્યું છે.

webdunia
ભારતીય સિનેમામાં પેરેલલ એટલે કે સમાંતર સિનેમા તરીકે ઓળખાતી ફિલ્મ્સમાં એક લેખિકા તરીકે શમા ઝેઈદીનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. શમા ઝેઈદીએ નિર્દેશક શ્યામ બેનેગલની ફિલ્મ્સમાં એક લેખિકા, આર્ટ ડિરેક્ટર અને કોસ્ચ્યુમ ડીઝાઈનર તરીકેની સક્રિય ભૂમિકા ભજવી છે. શમા ઝેઈદીએ શ્યામ બેનેગલની “ચરણદાસ ચોર” (૧૯૭૫), “આરોહણ” (૧૯૮૨), “મંડી” (૧૯૮૩), “સુસ્માન” (૧૯૮૬), “ત્રિકાલ” (૧૯૮૬) અને “સૂરજ કા સાંતવા ઘોડા” (૧૯૯૪) જેવી અનેક મહત્વની ફિલ્મ્સમાં એક લેખિકા તરીકેનું કામ કર્યું છે. આ સિવાય પણ અન્ય ન્યુ વેવ તરીકે ઓળખાતી ફિલ્મ્સમાં સહ-લેખનનું કાર્ય કર્યું છે. જેમાં ફિલ્મ “ગરમ હવા”. “ચક્ર” અને “ઉમરાવ જાન” વગેરેનો સમાવેશ થાય છે. ફિલ્મ નિર્દેશિકા મીર નાયરની આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરનાર ફિલ્મ્સમાં લેખિકા સૂની તારાપોરેવાલાનું વિશેષ યોગદાન રહેલું છે. જેમાં “સલામ બોમ્બે” (૧૯૮૮), “મિસિસિપ્પી મસાલા” (૧૯૯૧) અને “ધ નેમસેક” (૨૦૦૬) જેવી ફિલ્મ્સનો સમાવેશ થાય છે.

webdunia
બોલીવુડના જાણીતા નિર્દેશક મહેશ ભટ્ટાની પ્રોડક્શન કંપની વિશેષ ફિલ્મ્સમાં ૧૦ કરતા વધુ ફિલ્મ્સમાં લેખિકા તરીકેનું કાર્ય કરનાર શગુફતા રફીકની પોતાના જીવનની વાર્તા પણ કોઈ ફિલ્મ સ્ટોરી કરતા ઓછી નથી. શગુફતા રફીકનો ફિલ્મમાં પ્રવેશ થયો તે અગાઉ તેમણે દુબઈમાં એક બાર ડાન્સર તરીકેનું કામ કર્યું છે. તેમણે ફિલ્મ “વો લમ્હે”, “આવારાપન”, “ધોખા’, “મર્ડર ૨”, “જન્નત ૨” અને “આશિકી ૨” વગેરેમાં લેખિકા તરીકે ભૂમિકા ભજવી છે. આ સિવાય અભિનેતા અને નિર્દેશક ફરહાન અખ્તરના માતા અને ગીતકાર જાવેદ અખ્તરની પત્ની રહી ચૂકેલા લેખિકા હની ઈરાનીને ફિલ્મ “કહોના પ્યાર હૈ” માટે બેસ્ટ સ્ક્રીનપ્લે માટેનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. ઉપરાંત તેમણે ફિલ્મ “લમ્હે”, “ક્રિશ”, “ડર” અને “કોઈ મિલ ગયા” જેવી ઘણી હિન્દી ફિલ્મ્સમાં સહ-લેખનનું કાર્ય કર્યું છે.

એક બાજુ કરણ જોહરની ફિલ્મ “માય નેમ ઈઝ ખાન” અને “કભી અલવિદા ના કહેના”માં એક લેખિકા તરીકે શિબાની બથીજા તો બીજી બાજુ બોલીવુડ ફિલ્મ્સ “જબ તક હે જાન”, “બચના એ હસીનો” અને “આયેશા’માં લેખિકા તરીકે દેવિકા ભગતનું વિશેષ યોગદાન રહેલું છે. નિર્દેશિકા મીરા નાયરની વધુ એક ફિલ્મ “મોન્સૂન વેડિંગ”માં સહ-લેખક તરીકે સબરીના ધવનનો ફાળો રહેલો છે અને તેમણે આ સિવાય ફિલ્મ “કમીને” અને “ઈશ્કિયાં”માં પણ સહ-લેખનનું કાર્ય કર્યું છે. જ્યારે લેખિકા રેણુકા કુન્ઝરુંએ ફિલ્મ “હેય બેબી”, “બ્રેક કે બાદ” અને “દેસી બોયઝ”માં પોતાનો નોંધનીય ફાળો આપ્યો છે.

અહીં એક વાત નોંધવી રહી કે બોલીવુડની જેટલી પણ ફિલ્મ્સમાં મહિલાઓએ લેખક તરીકેનું કાર્ય કર્યું છે તેમાં દરેક વિષયમાં વૈવિધ્યતા જોવા મળી છે. એક મહિલા લેખક તરીકે તેમના લખાણમાં માત્ર સ્ત્રીઓને સ્પર્શતા મુદ્દાઓ સુધીની વાત મર્યાદિત નહિ રહેતા જીવનની આસપાસની તમામ ઘટનાઓને તેમાં વણી લેવાનો પ્રયાસ કર્યો છે. “વીકી ડોનર” જેવી ફિલ્મમાં પણ સ્પર્મ ડોનેશન જેવા મુદ્દાને મનોરંજન સાથે લેખિકા જુહી ચતુર્વેદીએ દર્શકો સમક્ષ સુંદર રીતે રજૂ કર્યો છે.આમ, આપણા દેશમાં ફિલ્મ નિર્માણ પ્રક્રિયામાં પ્રી-પ્રોડક્શનથી માંડીને પોસ્ટ-પ્રોડક્શન સુધીના તમામ કાર્યમાં મહિલાઓ ધીરે-ધીરે આગળ આવી રહી છે અને તેઓનું વિશેષ યોગદાન રહેલું છે.



લેખક - Nilay Bhavsar

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અજયની 'શિવાય' અને કરણની 'યે દિલ હૈ મુશ્કિલ' ને લઈને અજય અને કેઆરકે વચ્ચે વધ્યો વિવાદ