બિહારની ચૂંટણી તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે. ભાજપનું માનવુ છે કે, ચોથા તબક્કાના મતદાનની સમાપ્તિ બાદ તે મહાગઠબંધન ઉપર સરસાઇ ધરાવી રહેલ છે. બીજી તરફ નીતિશ અને લાલુ યાદવનું મહાગઠબંધન પાંચમાં અને અંતિમ તબક્કાના મતદાન બાદ એનડીએની બરાબરી કરવા કે તેનાથી આગળ નીકળવાની આશા રાખી શકે છે કે કારણ કે આ તબક્કામાં લઘુમતિ વિસ્તારોમાં મોટાભાગનું વોટીંગ થવાનું છે.
ચોથા તબક્કામાં પ૭.પ૯ ટકા મતદાન બાદ ભાજપનો આત્મવિશ્વાસ વધ્યો છે. ભાજપના ચૂંટણી મેનેજરોને આશા છે કે, મુખ્ય રીતે દ્વિધ્રુવીય આ ચૂંટણીમાં એનડીએ ઓબીસી દિગ્જ્જો પર નક્કર સરસાઇ લઇ ચુકયુ છે. ભાજપનું માનવુ છે કે, પાસવાન, માંઝી, અને કુસ્વાહા જેવા સાથીઓ સાથે તે પ્રારંભથી સરસાઇ ધરાવે છે.
ભાજપના સુત્રોનું કહેવુ છે કે, પ્રથમ બે તબક્કાની ચૂંટણી દરમિયાન સરસાઇ ઘણી મામુલી હતી પરંતુ મતદારો ધીમે-ધીમે એનડીએના પક્ષમાં આવતા સરસાઇ વધી છે. બીજી તરફ જેડીયુનુ કહેવુ છે કે, ભાજપનો વિકાસનો મુદો ચાલ્યો નથી. ભાજપમાં પછાત જ્ઞાતિના કોઇ મોટા નેતા નથી અને સંઘના વડાએ અનામતની સમીક્ષા કરવાની જાહેરાત કરતા ભાજપને નુકસાન થયુ છે.
બંને જુથ પોત-પોતાના દાવા કરી રહ્યુ છે અને આ દાવા કેટલા સાચા છે તેની ખબર ૮મીએ ખબર પડશે.