બિહારમાં એનડીએ ગઠબંધને કયો પક્ષ કેટલી બેઠકો પર લડશે તેની જાહેરાત કરી દીધી છે. હવે, સામે પક્ષે વિપક્ષી મહાગઠબંધન પણ ગમે તે ક્ષણે તેની જાહેરાત કરી શકે છે.
બીબીસી સંવાદદાતા ચંદનકુમાર જજવાડેએ આપેલી માહિતી અનુસાર, જન અધિકાર પાર્ટીના નેતા પપ્પુ યાદવે રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુપ્રસાદ અને તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી છે.
લાંબા સમયથી પપ્પુ યાદવ બિહારના સીમાંચલમાં મહાગઠબંધન સાથે જોડાણની કોશિશ કરી રહ્યા છે. બિહારના રાજકારણમાં એવી પણ ચર્ચા છે કે તેઓ પોતાના પક્ષનો કૉંગ્રેસમાં વિલય કરી શકે છે.
હાલમાં, પપ્પુ યાદવના પત્ની રંજીત રંજન રાજ્યસભાના સાંસદ છે. તેઓ પહેલા સીમાંચલની સુપૌલ બેઠકથી પણ સાંસદ રહી ચૂક્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ અને ડાબેરી પક્ષો પણ મહાગઠબંધનમાં વધુ બેઠકની માંગણી કરી રહ્યા છે.
ગઈકાલે જ એનડીએ ગઠબંધનમાંથી પશુપતિકુમાર પારસે અલગ પડીને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું હતું.