Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોણ હતા સફદર હાશમી જેને લોકો હજી ભૂલી શક્યા નથી

કોણ હતા સફદર હાશમી જેને લોકો હજી ભૂલી શક્યા નથી
પ્રદીપ કુમાર , શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (18:12 IST)
''દેશમાં ઉઠતા દરેક તર્કબદ્ધ અવાજને ડરાવવા-ધમકાવવામાં આવતો હોય, દરેક વ્યક્તિ પર ખાસ વિચારધારા થોપવાના પ્રયાસ કરવામાં આવતા હોય ત્યારે અને સત્તા નિરંકુશ બનતી હોય એવી દરેક પરિસ્થિતિમાં સફદર હાશમી પ્રાસંગિક બની રહેશે અને યુવાઓને યાદ આવતા રહેશે.''
 
સફદર હાશમીને આ રીતે યાદ કરનારા તેમના મોટાભાઈ સુહૈલ હાશમી એકલા નથી.
 
સુહૈલ હાશમીની સાથે સંખ્યાબંધ યુવાનો દિલ્હીની કૉન્સ્ટિટ્યૂશનલ ક્લબમાં દર વર્ષે પહેલી જાન્યુઆરીએ સફદર હાશમીને યાદ કરવા એકઠા થાય છે.
 
માત્ર 34 વર્ષ જીવેલા સફદર હાશમીએ કરેલું કામ લોકોના હૈયામાં સ્થાન બનાવી ચૂક્યું છે.
webdunia
સફદર હાશમીએ શું કર્યું હતું?
 
 સફદર હાશમીએ દિલ્હીની પ્રતિષ્ઠિત સૅન્ટ સ્ટીફન્સ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યમાં એમએ સુધીનો અભ્યાસ કર્યો હતો. સંપન્ન પરિવારના સફદર સૂચનાઅધિકારીના પદ પરથી રાજીનામું આપીને માર્કસવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટીના પૂર્ણકાલીન સભ્ય બન્યા હતા. એ પછી તેમણે સામાન્ય લોકોનો અવાજ બુલંદ બનાવવા માટે શેરીનાટકોને તેમના જીવનનો ઉદ્દેશ બનાવ્યાં હતાં. તેમણે વર્ષ 1978માં જનનાટ્ય મંચની સ્થાપના કરી હતી. સામાન્ય મજૂરોનો અવાજ વ્યવસ્થાતંત્ર સુધી પહોંચાડવાની તેમની ઝૂંબેશ અત્યંત પ્રભાવશાળી સાબિત થઈ હતી. એ ઝૂંબેશનો પ્રભાવ એટલો જોરદાર હતો કે દિલ્હી નજીકના ગાઝિયાબાદના સાહિબાબાદમાં 'હલ્લા બોલ' નામનું શેરી નાટક તેઓ ભજવતા હતા.
 
એ વખતે સ્થાનિક કૉંગ્રેસી નેતા મુકેશ શર્માએ તેમના ગુંડાઓ સાથે સફદર હાશમીના નાટ્યદળ પર જીવલેણ હુમલો કર્યો હતો.
 
સફદર હાશમીના પરિવારજનો અને તેમના મિત્રોને એ હુમલાના ગુનેગારોને સજા અપાવવા માટે લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો.
 
સુહૈલ હાશમી કહે છે, ''એ ઘટના દિલ્હી નજીક ધોળે દહાડે બની હતી. તેના સાક્ષીઓ પણ હતા. તેમ છતાં હત્યાના આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.''
 
''અમારે લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો. દોષીઓને સજા કરાવવામાં 14 વર્ષ લાગ્યાં હતાં.''
 
''સફદરની લડાઈ સામાન્ય લોકોના હકની લડાઈની સાથે ન્યાય મેળવવાની લડાઈ પણ બની ગઈ હતી.''
 
સફદર હાશમીના મૃત્યુના 48 કલાકમાં જ તેમનાં પત્ની મૌલીશ્રી અને અન્ય સાથીઓએ જે સ્થળે હુમલો કરવામાં આવ્યો હતો એ જ સ્થળે 'હલ્લા બોલ' નાટક ભજવ્યું હતું.
 
એ દિવસ હતો ચોથી જાન્યુઆરી, વર્ષ 1989.
webdunia
બધા વર્ગના લોકો રસ્તા પર ઊતર્યા
 
સફદર હાશમીની અંતિમ યાત્રામાં ઉમટેલા લોકો
સાહિબાબાદમાં થયેલા હુમલામાં ઘવાયેલા સફદર હાશમી રામમનોહર લોહિયા હૉસ્પિટલમાં બીજી જાન્યુઆરીએ મૃત્યુ પામ્યા હતા.
 
સફદર હાશમી પર કેવો હુમલો કરવામાં આવ્યો હતો તેની ઝલક સફદરનાં માતાએ લખેલા 'પાંચવા ચિરાગ' પુસ્તકમાં વાંચવા મળે છે.
 
પુસ્તકમાં લખ્યું છે કે ''રામમનોહર લોહિયા હૉસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું હતું કે માથામાં ત્રણ તરફ ફ્રેક્ચર થયું છે. બચવાની શક્યતા નહીંવત છે.''
 
સફદર હાશમીના મૃત્યુ પછી તેમના અંતિમસંસ્કારમાં સામાન્યથી માંડીને દિલ્હીના ભદ્ર એમ તમામ વર્ગના લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા.
 
એ જમાનામાં મોબાઈલ કે ઇન્ટરનેટ ન હતાં. એ સમયે પણ સફદર હાશમીના અંતિમસંસ્કારમાં 15,000થી વધુ લોકો ઊમટી પડ્યા હતા.
 
વિખ્યાત કવિ અને પત્રકાર મંગલેશ ડબરાલ માને છે કે આજના સમયમાં સફદર હાશમી જેવા યુવાનોની જરૂર વધુ છે.
 
મંગલેશ ડબરાલ કહે છે, ''સામાન્ય લોકો, ગરીબ મજૂરોના હિતની વાત કરવા, તેમને તેમનો હક અપાવવા સફદર હાશમીએ શેરીનાટકનો ઉપયોગ હથિયારની માફક કર્યો હતો.''
 
''તેમણે જે પ્રકારનાં નાટકો કર્યાં એ કારણે જ તેમની હત્યા થઈ હતી. એવાં નાટકોની કલ્પના પણ આજના સમયમાં શક્ય નથી.''
 
સુહૈલ હાશમીને ખાતરી છે કે વર્તમાન સમાજમાં લઘુમતીઓને હાંસિયામાં ધકેલવાના પ્રયાસ થઈ રહ્યા છે તેના પર પૂર્ણવિરામ મૂકવાનું કામ સફદર જેવા યુવાનો જ કરશે.
 
સુહૈલ હાશમી કહે છે, ''સફદરની પ્રાસંગિકતા આજે કેટલી એવું મને લોકો પૂછે છે. મને લાગે છે કે વર્તમાન સમયમાં સફદરની પ્રાસંગિકતા વધી ગઈ છે.''
 
સફદર હાશમીનો પરિવાર દિલ્હીનો સંપન્ન, શહેરી પરિવાર હતો, પણ સફદર સામાન્ય મજૂરોના મુદ્દા ઉઠાવતા હતા.
 
સમસામયિક મુદ્દાઓ પર ગંભીર વ્યંગાત્મક શૈલીમાં શેરીનાટકો લખતા હતા. એટલું જ નહીં, એ નાટકોને અત્યંત જીવંત શૈલીમાં પ્રસ્તુત પણ કરતા હતા.
 
તેમની શૈલી એવી હતી કે સામાન્ય લોકો સાથે તેમનો સીધો સંબંધ સ્થપાઈ જતો હતો.
 
મંગલેશ ડબરાલ પણ માને છે કે એ સફદર હાશમીની મોટી ખાસિયત હતી. તેઓ સામાન્ય લોકોના રંગઢંગમાં જલદી રંગાઈ જતા હતા.
 
 
સફદર અને સુહૈલ હાશમીના મિત્ર છે દિલ્હીની સત્યવતી કૉલેજના નિવૃત્ત પ્રોફેસર મદનગોપાલ સિંહ.
 
મદનગોપાલ સિંહ કહે છે, ''સફદર હાશમીની સાથે હતા ત્યારે તેઓ કેવું કામ કરી રહ્યા છે એ સમજાયું ન હતું.''
 
''એ સમયે મંજીતબાબા, એમ. કે. રૈના, સફદર, સુહૈલ બધા સાથે જ હતા, પણ સફદર હાશમીનું વ્યક્તિત્વ કરિશ્માઈ હતું.''

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગળામાં આલુ વડા ફસાય જતા મહિલાનુ મોત