Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શેખ હસીનાના પરિવારની જ્યારે બાંગ્લાદેશમાં હત્યા કરી દેવાઈ અને ઇંદિરા ગાંધીએ એમને રાજ્યાશ્રય આપ્યો

શેખ હસીનાના પરિવારની જ્યારે બાંગ્લાદેશમાં હત્યા કરી દેવાઈ અને ઇંદિરા ગાંધીએ એમને રાજ્યાશ્રય આપ્યો
રેહાન ફઝલ , મંગળવાર, 6 ઑગસ્ટ 2024 (10:06 IST)
15 ઑગસ્ટ, 1975 – શેખ હસીના, તેમના પતિ ડૉ. વાઝેદ અને બહેન રેહાના બ્રસેલ્સમાં બાંગ્લાદેશના રાજદૂત સનાઉલ હકને ત્યાં રોકાયાં હતાં.
 
તેઓ ત્યાંથી પેરિસ જવાનાં હતાં, પરંતુ એક દિવસ પહેલાં ડૉ. વાઝેદનો હાથ કારના દરવાજામાં આવી ગયો હતો. પેરિસ જવું કે ન જવું તેનો વિચાર તેઓ કરતાં હતાં ત્યાં સવારે સાડા છ વાગ્યે રાજદૂત સનાઉલ હકના ફોનની ઘંટડી રણકી હતી.
 
બીજા છેડે જર્મનીમાં બાંગ્લાદેશના રાજદૂત હુમાયુ રશીદ ચૌધરી હતા.
 
તેમણે જણાવ્યું હતું કે 'આજે સવારે જ બાંગ્લાદેશમાં સૈન્ય બળવો થયો છે. તમે પેરિસ જવાને બદલે તુરંત જર્મની પાછા આવી જાઓ.' સૈન્ય બળવામાં શેખ મુજીબ માર્યા ગયા હોવાની ખબર સનાઉલ હકને પડી કે તરત જ તેમણે તેમની બન્ને દીકરીઓ તથા જમાઈને મદદ કરવાનો ઇનકાર કર્યો હતો તેમજ તેમના ઘરમાંથી રવાના પણ થવા જણાવી દીધું હતું.
 
મુજીબની વરસી પર યોજાયેલા એક કાર્યક્રમમાં એ ઘટનાને યાદ કરતાં શેખ હસીનાએ કહ્યું હતું, “અમે જાણે કે તેમના માટે બોજ બની ગયાં હતાં. શેખ મુજીબે જ તેમને બેલ્જિયમમાં બાંગ્લાદેશના રાજદૂત બનાવ્યા હતા અને તે એક રાજકીય નિમણૂક હતી. તેમણે અમને જર્મની જવા માટે કાર આપવાનો પણ ઇનકાર કર્યો હતો.”
 
તેઓ છેવટે હુમાયુ રશીદ ચૌધરીની મદદથી જર્મની પહોંચ્યાં હતાં.
 
તેના અડધા કલાકમાં, યુગોસ્લાવિયાની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વિદેશમંત્રી ડૉ. કમાલ હુસૈન પણ ત્યાં આવી પહોંચ્યા હતા.
 
એ સાંજે જર્મન પ્રસારણ સંસ્થા 'ડોયચેવેલે' અને કેટલાંક જર્મન અખબારોના સંવાદદાતાઓ તેમની ટિપ્પણી મેળવવા રાજદૂતના ઘરે આવ્યા હતા.
 
શેખ હસીના અને તેમનાં બહેન રેહાનાને એટલો આઘાત લાગ્યો હતો કે તેમણે કોઈ વાત કરી ન હતી. વિદેશમંત્રી કમાલ હુસૈન ત્યાં હાજર હતા, પણ કશું બોલ્યા ન હતા.
 
રાજદૂત ચૌધરીએ એટલું કહ્યું હતું કે શેખની બન્ને પુત્રીઓ તેમની પાસે છે. એ દરમિયાન યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોએ તેમને ખબરઅંતર પૂછ્યાં હતાં, પરંતુ હવે એ લોકો ક્યાં રહેશે તે નક્કી થતું ન હતું.
 
હુમાયુ રશીદ ચૌધરીના પુત્ર નૌમાન ચૌધરીએ બાંગ્લાદેશના વિખ્યાત અખબાર 'ધ ડેઈલી સ્ટાર'ના 15 ઑગસ્ટ, 2014ના અંકમાં એક લેખ લખ્યો હતો.
 
'15 ઑગસ્ટઃ બંગબંધુ ડૉટર્સ' શિર્ષક હેઠળના એ લેખમાં તેમણે લખ્યું હતું, “મારા પિતાએ એક રાજકીય સમારંભમાં પશ્ચિમ જર્મનીમાં ભારતના રાજદૂત વાય. કે. પુરીને પૂછ્યું હતું કે શું ભારત શેખ હસીના અને તેમના પરિવારને રાજ્યાશ્રય આપી શકશે? તેમણે જવાબ આપ્યો હતો કે તેઓ તપાસ કરશે. બીજા દિવસે તેઓ મારા પિતાને મળવા તેમની ઑફિસે આવ્યા હતા અને જણાવ્યું હતું કે "ભારતમાં રાજ્યાશ્રયની પ્રક્રિયા સામાન્ય રીતે લાંબી હોય છે. તેમણે સૂચવ્યું હતું કે દિલ્હીમાં આપ પ્રખ્યાત છો, કારણ કે આઝાદી પહેલાં તમે ત્યાંના બાંગ્લાદેશ મિશનના વડા તરીકે કામ કરી ચૂક્યા છો. ઇંદિરા ગાંધી અને તેમના સલાહકાર ડી. પી. ધર તથા પી. એન. હક્સર પણ તમને પસંદ કરે છે. તમે તેમનો સંપર્ક શા માટે નથી કરતા?”
 
ચૌધરીએ પુરીની હાજરીમાં જ ડી. પી. ધર અને પી. એન. હક્સરને ફોન કર્યો હતો, પરંતુ એ વખતે તે બન્ને ભારત બહાર હતા.
webdunia
Sheikh Hasina
તેઓ ઇંદિરા ગાંધીને ફોન કરતાં ખચકાતા હતા, કારણ કે બન્નેના હોદ્દામાં મોટો ફરક હતો. ઇંદિરા એક દેશનાં વડાં પ્રધાન હતાં, જ્યારે ચૌધરી એક મામૂલી રાજદૂત. તેઓ ઇંદિરા ગાંધીને અનેક વખત મળ્યા હતા, પરંતુ છેલ્લાં ત્રણ વર્ષથી તેમનો કોઈ સંપર્ક ન હતો.
 
રાજનીતિમાં ત્રણ વર્ષનો સમય બહુ લાંબો સમયગાળો હોય છે. બીજું, એ વખતે ભારતમાં કટોકટી લાદવામાં આવી હતી અને ઇંદિરા ગાંધી પોતાની સમસ્યાઓ સામે ઝૂઝી રહ્યાં હતાં.
 
નૌમાન રશીદ ચૌધરીએ લખ્યું હતું, “ક્યાંયથી કોઈ અણસાર મળતો ન હતો ત્યારે થાકી-હારીને ચૌધરીએ ઇંદિરા ગાંધીની ઑફિસે ફોન કર્યો હતો. તેમને એ નંબર ભારતીય રાજદૂત પુરીએ આપ્યો હતો. એ ફોનકોલ ટેલિફોન ઑપરેટરથી આગળ જશે, તેવી ચૌધરીને આશા ન હતી, પરંતુ ઇંદિરા ગાંધીએ ખુદ ફોનકોલ રીસિવ કર્યો ત્યારે ચૌધરી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે ઇંદિરા ગાંધીને બધું વિગતવાર જણાવ્યું હતું. ઇંદિરા ગાંધી બંગબંધુની દીકરીઓને રાજ્યાશ્રય આપવા તુરંત તૈયાર થઈ ગયાં હતાં.”
 
રાજદૂત પુરીએ 19 ઑગસ્ટે ચૌધરીને જણાવ્યું હતું કે શેખ મુજીબની દીકરીઓ તથા તેમના પરિવારને દિલ્હી પહોંચાડવાની વ્યવસ્થા તુરંત કરવાનો આદેશ તેમને દિલ્હીથી મળ્યો છે.
 
ઍર ઇન્ડિયાનું એક વિમાન શેખ હસીને તથા તેમના પરિવારની લઈને 1975ની 24મી ઑગસ્ટે દિલ્હીના પાલમ ઍરપૉર્ટ પર પહોંચ્યું હતું. કૅબિનેટના એક જોઇન્ટ સેક્રેટરીએ તેમનું સ્વાગત કર્યું હતું. પહેલાં તેમને ગુપ્ચતર સંસ્થા 'રૉ'ના 56, રિંગ રોડસ્થિત સેફ હાઉસમાં લઈ જવામાં આવ્યાં હતાં.
 
બાદમાં તેમને ડિફેન્સ કૉલોનીના એક ઘરમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યાં હતાં. દસ દિવસ પછી ચોથી સપ્ટેમ્બરે રૉના એક અધિકારી તેમને લઈને વડાં પ્રધાન ઇંદિરા ગાંધીના નિવાસસ્થાન 1, સફદરજંગ રોડ પહોંચ્યા હતા.
 
શેખ હસીનાએ ઇંદિરા ગાંધીને પૂછ્યું હતું, “15 ઑગસ્ટે શું થયું તે બધી તમને ખબર છે?”
 
એ વખતે ત્યાં ઉપસ્થિત એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમના પરિવારનો એકેય સભ્ય જીવંત રહ્યો નથી. એ સાંભળતાંની સાથે જ શેખ હસીના રડવાં લાગ્યાં હતાં.
 
શેખ હસીનાનું જીવનચરીત્ર લખનાર સિરાજુદ્દીન અહમદ લખે છે, “ઇંદિરા ગાંધીએ શેખ હસીનાને ગળે લગાડીને સાંત્વન આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તમને થયેલા નુકસાનની ભરપાઈ કરી શકાય નહીં. તમારો એક દીકરો અને દીકરી છે. આજથી તમે ખુદને તમારા પુત્રના પિતા અને દીકરીનાં માતા સમજજો.”
 
સિરાજુદ્દીન અહમદના જણાવ્યા મુજબ, શેખ હસીનાના ભારત પ્રવાસ દરમિયાન ઇંદિરા ગાંધી સાથેની તેમની આ એકમાત્ર મુલાકાત હતી, જ્યારે રૉના ગુપ્તચર અધિકારીઓનું કહેવું છે કે શેખ હસીના અને ઇંદિરા ગાંધી અનેક વખત મળ્યાં હતાં.
 
એ મુલાકાતના દસ દિવસ પછી શેખ હસીનાને ઇન્ડિયા ગેટ નજીક પંડારા પાર્કના સી બ્લૉકમાં એક ફ્લૅટ ફાળવવામાં આવ્યો હતો. તેમાં ત્રણ બેડરૂમ અને થોડુંઘણું ફર્નિચર હતું. ધીમે-ધીમે તેમણે થોડું ફર્નિચર ખરીદવાનું શરૂ કર્યું હતું.
 
તેમને કડક તાકીદ કરવામાં આવી હતી કે લોકો સાથે હળશો-મળશો નહીં. ઘરની બહાર તો નીકળશો જ નહીં. તેમને વ્યસ્ત રાખવા માટે એક ટેલિવિઝન પણ આપવામાં આવ્યું હતું. એ જમાનામાં ટેલિવિઝન પર એકમાત્ર દૂરદર્શનની ચૅનલ આવતી હતી અને તેના કાર્યક્રમ પણ બે કલાક માટે જ પ્રસારિત થતા હતા.
 
રૉના એક ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી તેમની ઓળખ જાહેર ન કરવાની શરતે કહે છે, “શેખ હસીનાની સલામતી માટે બે લોકોને તહેનાત કરવામાં આવ્યા હતા. એક પશ્ચિમ બંગાળથી બોલાવવામાં આવેલા ઇન્સ્પેક્ટર સત્તો ઘોષ હતા, જ્યારે બીજા 1950ની આઈએએસ બેચના અધિકારી પી. કે. સેન હતા. રસપ્રદ વાત એ હતી કે ઇન્સ્પેક્ટર ઘોષ કર્નલ હોવાનું જણાવીને હસીનાની સુરક્ષામાં સામેલ કરવામાં આવ્યા હતા, જ્યારે આઈજી સ્તરના પી. કે. સેનને ઇન્સ્પેક્ટર તરીકે હસીનાની સલામતી માટે રાખવામાં આવ્યા હતા. આ બન્ને અધિકારીઓ પડછાયાની માફક શેખ હસીના સાથે રહેતા હતા.”
 
હસીનાના પતિ ડૉ. વાઝેદને 1975ની પહેલી ઑક્ટોબરે પરમાણુ ઊર્જા વિભાગમાં ફેલોશિપ આપવામાં આવી હતી.
 
રૉના ભૂતપૂર્વ અધિકારી કહે છે, “શેખ હસીનાનો તમામ ખર્ચ ભારત સરકાર કરતી હતી. તેમના ખર્ચા બહુ મામૂલી હતા અને એ પૈસા તેમને કોલકાતામાં રહેતા તેમના એક સ્રોત ચિતરંજન સુતાર મારફત ઉપલબ્ધ કરાવવામાં આવતા હતા.”
 
શેખ હસીનાના દિલ્હી પ્રવાસને સંપૂર્ણપણે ગુપ્ત રાખવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ બાંગ્લાદેશની સરકારને ખબર હતી કે શેખ હસીનાનો પરિવાર દિલ્હીમાં રહે છે.
 
ભારતમાં બાંગ્લાદેશના હાઈ કમિશનર શમશુર રહેમાન તથા તેમનાં પત્ની 1976ના મેની શરૂઆતમાં શેખ હસીના તથા તેમનાં બહેન રેહાનાને મળવા તેમના નિવાસસ્થાને ગયાં હતાં. એ વખતે બન્ને બહેનો તેમને ભેટીને રડ્યાં પણ હતાં.
 
શેખ રેહાના 1976માં સીનિયર સેકન્ડરી સ્કૂલની પરીક્ષા આપવાનાં હતાં, પરંતુ બાંગ્લાદેશમાં બનેલી ઘટનાઓને કારણે તેમનો અભ્યાસ અટકી ગયો હતો. જુલાઈ, 1976માં શાંતિનિકેતનમાં તેમને પ્રવેશની વ્યવસ્થા કરાવવામાં આવી હતી, પરંતુ સલામતીના કારણોસર બાદમાં એ વિચાર પડતો મૂકવામાં આવ્યો હતો.
 
1976ની 24 જુલાઈએ શેખ રેહાનાના લગ્ન લંડનમાં શફીક સિદ્દીકી સાથે થયાં હતાં, પરંતુ શેખ હસીના તથા તેમના પતિ એ લગ્નમાં હાજરી આપી શક્યાં ન હતાં.
 
એ દરમિયાન ઇંદિરા ગાંધી સરકારમાં મંત્રી પ્રણવ મુખરજી અને તેમનો પરિવાર શેખ હસીના તથા તેમના પરિવાર સાથે સતત સંપર્કમાં હતો. શેખ હસીનાનાં બાળકો પ્રણવ મુખરજીના સરકારી મકાનમાં ઘણીવાર રમતાં જોવાં મળતાં હતાં.
 
પોતાની આત્મકથા ‘ડ્રામેટિક ડિકેડ’માં પ્રણવ મુખરજીએ લખ્યું છે કે બન્ને પરિવારો વારંવાર મળતા હતા એટલું જ નહીં, પરંતુ દિલ્હી બહાર પિકનિક કરવા પણ જતા હતા. એ દરમિયાન 1977માં ચૂંટણી થઈ હતી અને ઇંદિરા ગાંધી ચૂંટણી હારી ગયાં હતાં. નવા વડા પ્રધાન મોરારજી દેસાઈ રૉનાં અભિયાનોમાં ખાસ કોઈ રસ લેતા ન હતા.
 
એમ. એ. વાજેદ મિયાંએ પોતાના પુસ્તક ‘બંગબંધુ શેખ મુજીબુર રહેમાન’માં લખ્યું છે, “શેખ રેહાનાને દિલ્હી લાવવા સંદર્ભે શેખ હસીના અને ડૉ. વાઝેદ મોરારજી દેસાઈને ઑગસ્ટ, 1977માં મળ્યાં હતાં. મોરારજી દેસાઈએ રેહાનાના દિલ્હી આવવાની વ્યવસ્થા કરાવી હતી. રેહાના ડિસેમ્બર, 1977ના બીજા સપ્તાહમાં દિલ્હી આવ્યાં હતાં અને શેખ હસીનાના પંડારા પાર્ક ખાતેના ફ્લૅટમાં તેમની સાથે રહ્યાં હતાં.”
 
મોરારજી દેસાઈએ શેખ હસીનાની સુરક્ષામાંથી ધીમે ધીમે પોતાનો હાથ ખેંચવાનું શરૂ કરી દીધું હતું.
 
સિરાજુદ્દીન અહમદ લખે છે, “ધીમે-ધીમે ડૉ. વાઝેદ અને શેખ હસીના પર એ પ્રકારનું દબાણ કરવાનું શરૂ થયું હતું કે તેઓ ખુદ ભારત છોડીને ક્યાંક બીજે ચાલ્યા જાય. પહેલાં તેમના વીજળીબિલની ચૂકવણી અટકાવી દેવામાં આવી હતી. પછી તેમની વાહનસુવિધા પાછી ખેંચી લેવામાં આવી હતી. ડૉ. વાઝેદે પરમાણુ ઊર્જા વિભાગમાંની પોતાની ફેલોશિપ એક વર્ષ વધારવા વિનંતી કરી હતી, પરંતુ ત્રણ મહિના સુધી તેનો કોઈ જવાબ આવ્યો ન હતો. એ કારણે તેમને નાણાકીય સમસ્યા સર્જાઈ હતી. આખરે મોરારજી દેસાઈએ બહુ ખચકાતાં તેમની ફેલોશિપ માત્ર એક વર્ષ વધારવાનો આદેશ આપ્યો હતો.”
 
જાન્યુઆરી, 1980માં ઇંદિરા ગાંધી ફરી સત્તા પર આવ્યાં હતાં અને શેખ હસીનાની તમામ સમસ્યાઓ ફરીથી દૂર થઈ ગઈ હતી.
 
1980ની ચોથી એપ્રિલે શેખ હસીના તેમનાં સંતાનો સાથે રેહાનાને મળવાં માટે લંડન જવાં રવાના થયાં હતાં.
 
અવામી લીગના અનેક નેતા શેખ હસીનાને મળવા 1980માં જ દિલ્હી આવ્યા હતા અને તેમને ઢાકા આવવા વિનંતી કરી હતી. શેખ હસીના ફરી ઢાકા જાય તેવું ડૉ. વાઝેદ ઇચ્છતા ન હતા. તેઓ માનતા હતા કે શેખ હસીનાએ રાજકારણથી પ્રત્યક્ષ રીતે દૂર રહેવું જોઈએ.
 
આખરે 1981ની 17 મેએ શેખ હસીના તેમની દીકરી અને અવામી લીગના નેતા અબ્દૂસમદ આઝાદ અને કોરબાન અલી સાથે ઢાકા જવા રવાના થયાં હતાં.
 
ઢાકા ઍરપૉર્ટ પર લગભગ 15 લાખ લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. ડૉ. વાઝેદે બાંગ્લાદેશ પરમાણુ પંચમાં જોડાવા ફેબ્રુઆરી, 1982માં અરજી કરી હતી. પરમાણુ પંચે તેમને રહેવા માટે મોહાખલીમાં બે ઓરડાનું એક ઘર આપ્યું હતું.
 
શેખ હસીના અને વાઝેદ એ ઘરમાં સાથે રહ્યાં હતાં અને તેમનાં સંતાનોએ ધનમોંડીની સ્કોલસ્કા સેકન્ડરી સ્કૂલમાં ઍડમિશન લીધું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોટા ઘટાડા પછી આજે સ્ટોક માર્કેટમાં જોરદાર રિકવરી, સેંસેક્સ 963 અંક ચઢ્યો, નિફ્ટી 134 અંક ઉછળ્યો