Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાપ કરડવાનો હોય ત્યારે શું સંકેત આપે, કેવો અવાજ કાઢે?

સાપ કરડવાનો હોય ત્યારે શું સંકેત આપે, કેવો અવાજ કાઢે?

પારસ જ્હા

, ગુરુવાર, 25 જુલાઈ 2024 (09:17 IST)
Snake Bite- 7 સપ્ટેમ્બર 2023. એક બાજુ મધરાતે જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી હતી બીજી બાજુ સુરેન્દ્રનગરના મફતિયાપરામાં પોતાના ઘરમાં સૂતેલા 17 વર્ષના વિપુલને અચાનક હાથમાં કંઈક ભોંકાતું હોય તેવું લાગ્યું. ઊંઘમાંથી ઊઠી ગયેલા વિપુલને લાગ્યું કે હાથમાં પહેરેલી લકીનો હૂક વાગ્યો હશે. તે પાછો સૂઈ ગયો. પણ થોડી જ વારમાં વિપુલના માતાએ તેની પથારીમાં જ સાપ જોયો અને બધાને બોલાવ્યા. વિપુલને સારવાર માટે હૉસ્પિટલ પહોંચાડવામાં લગભગ અઢી-ત્રણ કલાક લાગ્યા. અને સારવારના થોડાક જ સમય બાદ વિપુલનું મૃત્યુ થઈ ગયું.
 
ચોમાસામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સાપ કરડવાની (સર્પદંશની) ઘટનાઓમાં વધારો થાય છે. સર્પદંશના કારણે ઝડપથી યોગ્ય સારવાર ન મળે તો મૃત્યુ થવાની સંભાવનાઓ વધી જાય છે.
 
ચોમાસામાં સર્પદંશ થવા પાછળ સર્પ વિશેષજ્ઞો ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી ઉપરાંત સાપનાં ઈંડાંમાંથી બચ્ચાં નીકળવાના સમયને કારણભૂત માને છે.
 
ગુજરાતમાં જોવા મળતી લગભગ 60થી 62 જેટલી પ્રજાતિઓમાંથી માત્ર ચાર સાપના દંશ મનુષ્યો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
 
જોકે, સર્પદંશ થાય ત્યારે એક મિનિટનો પણ સમય બગાડ્યા વિના તાત્કાલિક સારવાર મળી જાય તો જીવ બચાવી શકાય છે.
 
સર્પ વિશેષજ્ઞોના મતે જો સર્પદંશની સારવાર કરાવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેના કરતાં ખૂબ જ સરળ ઉપાયો કરવાથી સાપને કરડતા અટકાવી શકાય છે. તેમાં પણ જો સાપના વર્તન વિશેની સમજણ કેળવવામાં આવે તો સાપ અને મનુષ્ય બન્નેને નુકસાનથી બચાવી શકાય છે.
 
 
ગુજરાતમાં જોવા મળતા ચાર ઝેરી સાપ કયા છે અને તેને કેવી રીતે ઓળખવા?
ગુજરાત સહિત ભારતમાં સર્પદંશથી થતા સૌથી વધુ મૃત્યુ પાછળ મુખ્યત્વે ચાર ઝેરી સાપ કારણરૂપ હોય છે.
 
જેમાં નાગ (ઇન્ડિયન કોબ્રા), કાળોતરો (ઇન્ડિયન ક્રેટ), ખડચિતળો (રસેલ્સ વાઇપર) અને ફૂરસો (સો સ્કેલ્ડ વાઇપર)નો સમાવેશ થાય છે.
કાળોતરો - ઇન્ડિયન ક્રેટ
 
ઈન્ડિયન ક્રેટ ભારતમાં જોવા મળતી સાપની ચાર મુખ્ય ઝેરી પ્રજાતિ પૈકીની એક છે. ક્રેટની કેટલીક પેટા જાતિઓ પણ છે. એ પૈકીની ત્રણ ભારતમાં જોવા મળે છે.
 
તેમાં સાદા ક્રેટ,પટ્ટાવાળા ક્રેટ અને કાળા ક્રેટનો સમાવેશ થાય છે. આ પ્રકારની સાપની લંબાઈ દોઢ મીટર સુધીની હોય છે. તેના માથાથી પૂંછડી સુધીમાં ભીંગડાંની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે.
 
ખડચિતળો - રસેલ્સ વાઇપર
 
આ સાપ અજગર જેવો દેખાય છે. તેથી ઘણા લોકોને જેના વિશે ગેરસમજ થાય છે. તેના શરીર પર ત્રણ સમાંતર સાંકળ જેવી રેખાઓ હોય છે અને તેનું મોં દેડકા જેવું હોય છે. તેના ફૂંફાડાનો અવાજ મરઘીના બચ્ચાના અવાજ જેવો હોય છે. આ સાપનું ઝેર અત્યંત ખતરનાક હોય છે.
 
ફૂરસો અથવા પૈડકું - સો-સ્કેલ્ડ વાઇપર
 
આ ઝેરી સાપ ભારત દેશમાં લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે. તેનો રંગ ભૂરો, આછો પીળો કે રેતી જેવો હોય છે. પીઠની બન્ને બાજુ નિસ્તેજ સફેદ રેખા હોય છે. આ સાપનું કદ ટૂંકું હોય છે, પરંતુ તેનું ઝેર ખતરનાક હોય છે.
 
નાગ - કોબ્રા
 
આ સૌથી ઝેરી સાપમાંથી એક છે. કોબ્રાનો રંગ કાળો તથા ઘેરા બદામી રંગ સુધીના વિવિધ રંગોમાં જોવા મળે છે.
 
તે જ્યારે ફેણ ફૂલાવે ત્યારે ફેણમાં ચશ્મા અથવા ત્રિશુળ જેવો આકાર જોવા મળે છે. ઘણી વખત આવો આકાર જોવા ન મળે અને માત્ર ફેણ જ ચડાવેલો સાપ હોય તો તે પણ કોબ્રા અથવા નાગ જ હોય છે.
 
તે ગુજરાત સહિત ભારતનાં મોટા ભાગનાં રાજ્યોમાં જોવા મળે છે. તે ઝાડી-ઝાંખરા, જંગલ અને માનવ વસાહતોની નજીક પણ જોવા મળે છે. 
 
સાપ ક્યારે કરડે?
છેલ્લાં 38 વર્ષથી માનવ વસાહતોમાં આવી ગયેલા સાપને બચાવવાનું અને સાપ વિશે લોકજાગૃતિનું કામ કરતા ગાંધીનગરના સર્પપ્રેમી કર્મશીલ ધર્મેન્દ્ર ત્રિવેદી કહે છે, “આપણે સાપથી ડરવાની જરૂર નથી, કારણ કે સાપ આપણાથી (મનુષ્યોથી) ડરતા હોય છે. એટલું જ નહીં સાવચેતી રાખવાથી અને સાપના વર્તનની સમજણ કેળવવાથી પણ સર્પદંશથી બચી શકાય છે.”
 
તેમણે વધુમાં કહ્યું, “ઝેર એ સાપ માટે શિકાર કરવાનું હથિયાર છે, જેનો ઉપયોગ તે ખોરાક માટે પોતાના શિકાર પર કરે છે. એટલે સાપનું ઝેર સાપ માટે ઉપયોગી હોય છે અને તે તેનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરે છે. જો તેની પાસે બચવાનો બીજો કોઈ ઉપાય ન હોય ત્યારે જ તે પોતાના બચાવના આખરી ઉપાય તરીકે મનુષ્યને કરડે છે. સાપને છંછેડો નહીં અને એની હાજરીથી તમે ગભરાઈ ન જાવ તો તે શાંતિથી તમારા પગ પરથી પણ સરકી જશે.”
 
ધર્મેન્દ્ર ત્રિવેદીએ ઊમેર્યું કે “માણસને ક્યારે કરડે એનું અવલોકન કરીએ તો આપણે જાણી શકીએ કે શિયાળો એ સાપ માટે શીતનિદ્રાનો સમયગાળો છે એ સમયે તે દરમાં સૂતા જ રહે છે. ત્યારબાદ એ ઉનાળામાં શીતનિદ્રામાંથી બહાર આવે છે અને એ સમયગાળો તેમના પ્રજનનનો અને ઈંડાં મૂકવાનો હોય છે.”
 
તેમણે ઉમેર્યું, “ચોમાસામાં એ ઈંડાંમાંથી સાપનાં બચ્ચાં જન્મે છે. ચોમાસું એ સાપ અને તેમના બચ્ચાં માટે આગામી શિયાળાની શીતનિદ્રાની તૈયારી કરવાનો સમયગાળો છે. વળી ચોમાસામાં જ દેડકાં, ઉંદર, જીવડાં, ગરોળી વગેરે જીવજંતુઓ અને પ્રાણીઓ જે સાપનો ખોરાક છે તે સરળતાથી મળી રહે છે એટલે સાપ તેમને શોધતા-શોધતા માણસોના ઘરમાં કે તેની આસપાસ પહોંચી જાય છે.”
 
સાપની વર્તણૂક વિશે વાત કરતા જબલપુરસ્થિત સર્પવિજ્ઞાની (હર્પેટોલૉજિસ્ટ) વિવેક શર્મા કહે છે, “મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારોમાં જ સર્પદંશની ઘટનાઓ થતી જોવા મળે છે. તેમનું વિશ્લેષણ કરીએ તો જાણવા મળે છે કે ઘરમાં જે સ્થળોએ અંધારું કે ઓછો પ્રકાશ હોય જેમ કે, રસોડું, સ્ટોર રૂમ કે બેડ રૂમ જેવી જગ્યાઓમાં સર્પદંશ થાય છે. આ ઉપરાંત જે જગ્યામાં સાપનો ખોરાક બને તેવા જીવજંતુઓ રહેતા હોય, જેમ કે ઘરનો ભંગાર ભેગો થયો હોય ત્યાં, કચરાની જગ્યામાં, ગરોળી, દેડકાં કે ઉંદર હોવાની શક્યતા વધુ રહે છે આથી એવી જગ્યાઓમાં અથવા ઘાસની ગંજી ગોઠવી હોય તેવાં સ્થાનોએ સાપ કરડવાનો ભય વધુ રહે છે.”
 
તેમણે વધુમાં કહ્યું, “તમે સાપને ઘરમાં રૂમની વચ્ચેથી પસાર થતા ભાગ્યે જ જોયો હશે. સાપને અંધારી અને ઓછા પ્રકાશવાળી જગ્યાઓ વધારે પસંદ પડે છે. તેઓ આવાં સ્થાનોમાં શરણ શોધતા આવી ચડે છે.”
 
સાપ કરડતા પહેલાં ચેતવણી આપે છે, કાળોતરા સિવાય!
“કાળોતરાને ગુજરાતમાં ‘મીંઢો સાપ’ કહેવામાં આવે છે.”
 
આમ કહેતા ધર્મેન્દ્ર ત્રિવેદી જણાવે છે, “કાળોતરો ક્યારે કરડે, એ નક્કી કરવું અઘરું છે. બાકી બીજા ત્રણ ઝેરી સાપ – નાગ, ફૂરસો અને ખડચિતળો એ કરડતાં પહેલાં ચેતવણી આપે છે. જેમ કે નાગ ઊંચો થઈને ફેણ બતાવે છે, ખડચિતળો ફૂંફાડા મારે છે અને ફૂરસો પોતાના ભીંગડાં ઘસીને કરવતથી કાપણી થતી હોય તેવો અવાજ કાઢે છે. જો તમને આ ત્રણ સાપના વર્તનના આવા સંકેતો સમજણ પડે તો તમે તમારી જાતને બચાવી શકો છો. પરંતુ કાળોતરો આવી કોઈ ચેતવણી નથી આપતો અને એ સીધો દંશ દઈ દે છે.”
 
તેમણે વધુમાં કહ્યું, “સામાન્ય રીતે કાળોતરા સિવાયના સાપ દિવસરાત ગમે ત્યારે જોવા મળે અને કરડી શકે. પણ કાળોતરો મોટા ભાગે રાત્રે જ બહાર નીકળે અને કરડે છે.”
 
ધર્મેન્દ્ર ત્રિવેદીની આ વાત સાથે વિવેક શર્મા પણ સહમત થાય છે.
 
તેમનું કહેવુ છે, “ક્રેટ (કાળોતરો) નોક્ટર્નલ એટલે કે રાત્રે જ ફરતો સાપ છે અને તે સાંજથી મોડી રાત સુધીના સમયમાં જ ફરતો જોવા મળે છે. બાકીના વાઇપર પ્રજાતિના સાપ (ખડચિતળો, ફૂરસો વગેરે) મોટે ભાગે ઘરને બદલે ખેતરો અને બાંધકામ ચાલતું હોય તેવાં સ્થળોએ વધુ જોવા મળે છે, કારણ કે તેમણે પોતાની આસપાસના પરિવેશના આધારે તેના રંગોમાં અનુરૂપ બનીને (કૅમૉફ્લૅઝ કરીને) એવી રીતે સંતાઈ જવાનું હોય છે કે તેને સરળતાથી શોધી કે ઓળખી ન શકાય અને તે પોતાના શિકાર પર નજર પણ રાખી શકે અને તક મળે ત્યારે હુમલો પણ કરી શકે.”
 
સાપ કરડે તો શું કરવું અને શું ન કરવું?
ધમેન્દ્ર ત્રિવેદીને સાપને બચાવવા જતાં 2008માં નાગે (કોબ્રા)એ ડંખ માર્યો હતો.
 
તેમણે કહ્યું, “સાપના દાંત ઇન્જેક્શન જેવા હોય છે. આપણે સ્નાયુમાં, નસમાં અને ચામડીનાં બે પડની વચ્ચે એમ ત્રણ રીતે ઇન્જેક્શન લઈએ છીએ. સાપનું ઝેર પણ આ ત્રણ રીતે જ શરીરમાં પ્રવેશે છે. જ્યારે પણ સાપ કરડે ત્યારે એક પણ મિનિટનો પણ વિલંબ કર્યા વિના સરકારી હૉસ્પિટલે અથવા અનુભવી ડૉક્ટર પાસે સારવાર માટે પહોંચી જવું. ક્યારેય પણ કોઈ ભૂવા કે મંદિરે સાપનું ઝેર ઉતારવાની વિધિ માટે ન જવું. એ અંધશ્રદ્ધા છે.”
 
તેમણે ઉમેર્યું “મને કોબ્રા અને ખડચિતળો એમ બન્ને પ્રકારના સાપ કરડી ચૂક્યા છે, પરંતુ હું મને સાપ કરડ્યાની દસમી મિનિટે હૉસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. એને કારણે મને યોગ્ય સારવાર મળી અને હું બચી શક્યો. સાપને બચાવનારાને જ સાપ કરડે એ ગૌરવની વાત નથી. સાપ તો એની પ્રકૃતિ પ્રમાણે જ વર્તે છે, સ્નેક રેસ્ક્યુઅર તરીકે અમે યોગ્ય પ્રક્રિયાઓનું પાલન ન કરીએ તો સાપ કરડી શકે.”
 
ડૉ. દોશીએ કહ્યું, “હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ 108 જેવી ઍમ્બ્યુલન્સની સુવિધાઓને કારણે ઝડપથી નજીકના ડૉક્ટર પાસે સારવાર માટે પહોંચી શકાય છે. હવે સાપને મારીને સાથે લઈ આવવાની જરૂર ન પડે તેવી દવાઓ મળે છે. આવી એન્ટિવૅનમ દવાઓમાં ચારેય પ્રકારના ઝેરી સાપના ઝેરની અસર દૂર કરતી દવાઓ હોય છે.”
 
સાપ કરડે ત્યારે...
સાપના ડંખની જગ્યાને સાબુવાળા પાણીથી સાફ કરી નાખવી.
લોહીનું પરિભ્રમણ ધીમું કરવા ડંખની જગ્યાથી એક વેંત ઉપર એક આંગળી જેટલો ગાળો રાખીને પાટો બાંધવો
શક્ય તેટલું ઝડપથી એમડી ફિઝિશિયન ડૉક્ટર પાસે કે સિવિલ હૉસ્પિટલમાં પહોંચવું
શું ન કરવું?
ક્યારેય પણ ચુસ્ત પાટો ન બાંધવો (એમ કરવાથી શરીરનો એ ભાગ કાપવાની નોબત આવી શકે છે.)
સાપ કરડ્યા પછી શરીરનું વધુ હલનચલન ના કરવું ( એમ કરવાથી શરીરમાં ઝેર ઝડપથી ફેલાઈ શકે છે. )
 
સર્પદંશ બાદ જીવ બચવો શક્ય છે
સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના દિવસે જ સર્પદંશથી અવસાન પામેલા વિપુલના ભાઈ સાગર કોળીએ કહ્યું, “મારા ભાઈને 12 કે 12:30ની આસપાસ સાપે ડંખ માર્યો હતો. અમને એના એક કલાક પછી ખબર પડી. જ્યારે તેને શ્વાસ ચડવા લાગ્યો ત્યારે અમે તેને ડૉક્ટર પાસે લઈ ગયા. હૉસ્પિટલે પહોંચવામાં જ અમને અઢીથી પોણા ત્રણ કલાક જેટલો સમય લાગ્યો, જેને કારણે ડૉક્ટરે સારવાર કર્યા પછી પણ મોડું થઈ ગયું હોવાને કારણે તેને બચાવી ન શકાયો.
 
જોકે, સમયસર સારવાર મળી જાય તો જીવ બચાવી પણ શકાય છે.
 
ધ્રાંગધ્રાથી 20 કિલોમીટર દૂર આવેલા કૌંડ ગામના કૈલાસનગરમાં રહેતા લાલાભાઈ ભાટિયા કહે છે, “મારો ભત્રીજો કાનજી ભાટિયા 19-20 વર્ષનો જ છે. તેના પિતા અને તે અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. એને તેના કાઉન્ટરની નીચે છુપાયેલો કોબ્રા કરડી ગયો હતો. પરંતુ તેનો ડંખ લાગતા જ તેને ખબર પડી ગઈ અને અમે તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા. ધ્રાંગધ્રાથી અમે 10 કિલોમીટર દૂર હતા ત્યારે તે બેભાન થઈ ગયો હતો. પરંતુ અમે તેને ઝડપથી હૉસ્પિટલે પહોંચાડી દીધો અને યોગ્ય સારવાર બાદ એ ચાર-પાંચ દિવસમાં જ સ્વસ્થ થઈ ગયો હતો.”
 
તેમણે ઉમેર્યું, “અમારી એ ભૂલ થઈ ગઈ હતી કે અમને ખબર નહોતી એટલે અમે તેને પાણી પીવડાવ્યું હતું, જે અમારે નહોતું પીવડાવવાનું. જોકે હવે એ સંપૂર્ણ સ્વસ્થ ગઈ ગયો છે.”
 
સાપ કરડે જ નહીં તેના માટે શું કરવું?
વિવેક શર્માનું માનવું છે કે સાપ કરડે ત્યારે તેની સારવાર કરવાને બદલે જે વિસ્તારમાં સાપ નીકળવાની શક્યતા હોય ત્યાં રહેતા લોકોએ એવી સરળ ટેવો પાડવી જોઈએ કે તેઓ સાપનો ડંખ લાગવાથી બચી શકે.
 
તેમણે કહ્યું, “ખુલ્લામાં કે પછી ઘરમાં ઊંઘતા લોકોએ બારેમાસ પલંગની ફરતે મચ્છરદાની લગાવીને જ ઊંઘવું જોઈએ. મચ્છરદાની માત્ર મચ્છરથી જ નહીં સર્પદંશથી પણ બચાવે છે. આ એક સહેલો અને સરળ ઉપાય છે, પરંતુ અસરકારક છે.”
 
વિવેકે વધુમાં જણાવ્યું, “અંધારી કે ઓછા પ્રકાશવાળી ઘરની કે બહારની જગ્યાઓમાં જતાં પહેલાં હાથમાં ટૉર્ચ લઈને પ્રકાશ નાખીને બરાબર ચકાસી લેવું. તિજોરીની પાછળ કે ગૅસના બાટલાની પાછળ કે પછી ગોદડું મૂકવાનાં ડામચિયાં જેવી પોલાણવાળી જગ્યાએ હાથ નાખતા પહેલાં તેને હલાવીને, થોડો ખખડાટ કરીને અને બરાબર જોઈ લેવું.”
 
તેમણે ઉમેર્યું, “ખેતરમાં કે ઘાસનાં મેદાનો કે બગીચામાં જાવ ત્યારે બૂટ પહેરીને જાવ અને ઝાડી-ઝાંખરાંમાં કોઈ વસ્તુ પડી ગઈ હોય તો જોયા તપાસ્યા વિના તેમાં હાથ ના નાખો. આ બધું કરવા માટે કોઈ વિશેષ ખરીદી કે કોઈ વિશેષ તૈયારીની જરૂર નથી. માત્ર થોડી સાવચેતીથી જ સર્પદંશથી બચી શકાય છે.”
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સવારથી ભારે વરસાદ, આ જિલ્લાઓમાં પણ જારી ચેતવણી, જાણો હવામાન અપડેટ