Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

SSC HSC બોર્ડ પરીક્ષામાં હાર્ટઍટેકથી ગુજરાતમાં ત્રણ વિદ્યાર્થીઓનાં મૃત્યુ, કિશોરાવસ્થામાં હાર્ટઍટેકનું કારણ શું?

Three students die of heart attack

તેજસ વૈદ્ય

, ગુરુવાર, 7 એપ્રિલ 2022 (12:43 IST)
આ પહેલાં અમદાવાદમાં શેખ મોહમ્મદ અમાન આરીફ નામના વિદ્યાર્થી ઘોરણ ધો.12ની બોર્ડની પરીક્ષા આપી રહ્યા હતા. ચાલુ પરીક્ષાએ તેમની તબિયત બગડી હતી.
 
ઍમ્બ્યુલન્સ બોલાવીને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા પણ તેમનું મોત થયું હતું. ઍમ્બ્યુલન્સ કર્મચારીએ કહ્યું હતું કે 'તેને જ્યારે લઈ જવાતો હતો, ત્યારે તેનું બ્લડપ્રેશર હાઈ હતું.'
 
આ જ રીતે નવસારીમાં ધોરણ 12ના કૉમર્સના વિદ્યાર્થી ઉત્સવ શાહને પરીક્ષા અગાઉ હાર્ટએટૅક આવતાં મૃત્યુ થયું હતું.
 
18 વર્ષના ઉત્સવ પરીક્ષા સેન્ટર જવા માટે તૈયારી કરતા હતા. છાતીમાં દુખાવો થતાં પરિવારજનો તેમને હૉસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના પિતાએ જણાવ્યું હતું કે તેને હાર્ટઍટેક આવ્યો હતો.
 
આ સિવાય પણ અમદાવાદમાં ચાલુ પરિક્ષાએ ધોરણ દસની એક વિદ્યાર્થિની અને ધોરણ 12નો એક વિદ્યાર્થી બેભાન થયાના કિસ્સા બન્યા હતા. સદ્સંજોગે તેઓ ફરી ભાનમાં આવી ગયા હતા.
 
કિશોરવયે માનસિક સ્ટ્રેસને લીધે હાર્ટઍટેકની શક્યતા ઓછી
 
બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓનાં અચાનક મૃત્યુની ઘટના ચોંકાવનારી છે. અગાઉ આ પ્રકારના કિસ્સા જોવા મળતા નહોતા.
 
અમદાવાદના સિનિયર કાર્ડિયોથૉરેસિક સર્જન ડૉ. સુકુમાર મહેતા બીબીસીને કહે છે કે, "આવા કિસ્સામાં અચાનક મૃત્યુ થયું હોય તો પણ એ હાર્ટઍટેક જ હશે કે કેમ એ સવાલ છે."
 
"અચાનક મૃત્યુ હાર્ટઍટેકેથી જ થયું છે કે કેમ એ પોસ્ટમૉર્ટથી જ નક્કી થઈ શકે અથવા તો કાર્ડિયોગ્રામ કાઢવાનો સમય મળ્યો હોય તો થઈ શકે. તેથી ખરેખર હાર્ટઍટેક હતા કે અન્ય કોઈ કારણ એ તપાસ કરવી પડે."
 
"જો કોઈ કિશોર કે કિશોરીને જન્મજાત હૃદયની બીમારી હોય તો સોળ-સત્તર વર્ષની ઉંમરે તેમનું હૃદય થાકી ગયું હોય, એવા કિસ્સામાં ઍટેક આવે."
 
"એ સિવાય પણ હાર્ટ ફેલ થતાં હોય છે. આ કિશોરો તમાકુનું સેવન કરતા હતા કે કેમ એ પણ ચકાસવું પડે."
 
"કારણકે નાની ઊંમરે હાર્ટઍટેક હોય તો એ માટે તમાકુ વધારે જવાબદાર હોય છે, એને લીધે નળીઓમાં એટલે કે કોરોનરી આર્ટરીઝમાં બ્લૉકેજ થાય છે."
 
અભ્યાસ અને પરીક્ષાના કારણે વધી ગયેલા માનસિક તણાવ અંગે પણ ચર્ચા થઈ રહી છે અને તેને પણ આ ઘટનાઓ સાથે જોડીને જોવાય છે.
 
ડૉ. મહેતા કહે છે કે, "આ ઉંમરે સ્ટ્રેસ વધારે હોય તો પણ હાર્ટઍટેક ન આવે. કારણકે, સ્ટ્રેસ સીધે સીધું કોઈનું હાર્ટ બંધ નથી કરી દેતું."
 
"બે-ચાર વર્ષના સ્ટ્રેસમાં હૃદય પર અસર ન પડે. મિકેનિઝમ એવું છે કે માનસિક તણાવ હોય, એને લીધે હાઈ બ્લડપ્રેશર આવે, જેને લીધે હૃદયની કોરોનરી ધમની પર ઘસારો થાય અને બ્લૉકેજ આવે."
 
"એ પછી ઍટેક આવે અને એના લીધે કાર્ડિયાક અરેસ્ટ થાય. એ સમગ્ર પ્રક્રિયા પાંચ વર્ષ તો લે જ છે."
 
માનસિક સ્વસ્થતા
 
ખાનપાનની આદતો બદલાઈ છે, બેઠાડુ જીવન થઈ ગયું છે. મોબાઇલને લીધે ઉજાગરા દૈનિક જીવનનો ભાગ બની ગયા છે. આને જવાબદાર ગણી શકાય? ડૉ. મહેતા કહે છે કે, "ચોક્કસ ગણી શકાય."
 
અમદાવાદની અડોલસન્ટ હેલ્થ એકૅડેમીના ચૅરપર્સન તેમજ પીડિયાટ્રિક્સ અને ટીનેજર્સ હેલ્થ કન્સલ્ટન્ટ ડૉ. નિશ્ચલ ભટ્ટે બીબીસીને જણાવ્યું કે, "કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષમાં માતાપિતા અને બાળકોની જીવનશૈલી જ એવી થઈ ગઈ હતી કે કોઈ પ્રવૃતિ ન હતી, ઘેર બેઠાં ખોરાક પણ વધુ ખવાતો હતો."
 
"આખો દિવસ ઘરમાં જ એક જ જગ્યાએ હોઈએ તો તેનો પણ સ્ટ્રેસ રહેતો હતો. એવામાં કોરોનાને કારણે કોઈ સગાનું મરણ થયું હોય, આર્થિક સંકડામણ હોય. આ તમામ બાબતોના સરવાળે માનસિક આરોગ્ય ડામાડોળ થયેલું જ હોચ છે."
 
"એવામાં બે વર્ષ પછી સીધા પરીક્ષા આપવા જાવ ત્યારે એ માનસિક સ્ટ્રેસ, આરોગ્ય અને ગરમી આ બધાની અસર કદાચ હૃદય પર થતી હોઈ શકે."
 
મૅન્ટલ હેલ્થ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. શરીરની બીમારી પર જેટલું ધ્યાન અપાય છે, એટલું આપણે ત્યાં મનની બીમારી પર નથી અપાઈ રહ્યું. કારણકે ઘણા લોકોને એના વિશે ખબર જ નથી.
 
બદલાતી ટેવોની સાથે માનસિક વ્યગ્રતા વધી રહી છે, એ જોતાં મૅન્ટલ હેલ્થને માધ્યમિક શિક્ષણનો હિસ્સો બનાવવાની જરૂર છે, એવું પણ ડૉ.નિશ્ચલ ભટ્ટને લાગે છે.
 
તેઓ કહે છે, "વિદ્યાર્થી પરીક્ષા આપતાં મૃત્યુ પામતા હોય એવું તો હવે જોવા મળી રહ્યું છે, પણ તેઓ આત્મહત્યા પહેલાં પણ કરતા હતા. તેથી મૅન્ટલ હેલ્થના મુદ્દે કામ કરવું એ અનિવાર્યતા છે. અમે અમદાવાદની એક શાળામાં કિશોરવયના વિદ્યાર્થીઓ સાથે આ માટે વર્કશોપનું આયોજન કર્યું હતું."
 
બદલાયેલાં ખાનપાન, રમતનો અભાવ અને મોબાઇલને લીધે ઉજાગરા
 
આપણાં ખાનપાનમાં મેંદાનું પ્રમાણ વધ્યું છે. મોબાઇલને લીધે ઉજાગરાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. અભ્યાસનો બોજ એટલો છે કે બાળકના જીવનમાંથી રમતો જાણે નીકળી જ ગઈ છે. આ તમામ કારણોએ ભેગા મળીને બાળકોના શારીરિક અને માનસિક આરોગ્યનો દાટ વાળ્યો છે, એવું કાર્તિકેય ભટ્ટ માને છે.
 
અમદાવાદમાં રહેતા કાર્તિકેય ભટ્ટ પીલવાઈ કોલેજમાં પ્રોફેસર છે.
 
તેઓ બીબીસીને કહે છે કે, "આપણી ખાણીપીણીની આદતો ખૂબ બદલાઈ છે. અમદાવાદ જેવા શહેરમાં મેં એક કૉમ્પલેક્સમાં ચાર-ચાર પિઝા સેન્ટર જોયાં છે."
 
"પિઝા, સૅન્ડવિચ કે બૅકરી આઇટમોમાં મેંદો હોય છે. એ આઇટમો ટીનેજર્સ અને યુવાવર્ગ નાસ્તાથી લઈને ભોજનમાં ખાય છે. ખાણીપીણી બદલાઈ છે, સાથોસાથ શારીરિક પ્રવૃત્તિ ઘટી ગઈ છે."
 
તેઓ રમતગમત વિશે વાત કરતાં કહે છે કે "હવે તો છોકરા ક્રિકેટ રમતા પણ શહેરોમાં જોવા નથી મળતા, રમી શકે એવા મેદાનો જ રહ્યાં નથી."
 
"મેદાન જો હોય તો બાળકે રમવા જવું જોઈએ, એવું ટાઇમટેબલ માબાપ છોકરા માટે રાખતાં નથી. સંતાન સવારે ટ્યુશનમાં જાય પછી શાળાએ જાય પછી ફરી ટ્યુશનમાં જાય."
 
"આમાંથી નીકળીને એ રમવા માટે બહાર જાય એવી કોઈ ગુંજાઇશ જ રહેતી નથી. બાળકોને વૅકેશનમાં પણ હવે ફુરસદ હોતી નથી."
 
"આપણે ત્યાં નવમા ધોરણથી ટેન્શન ચાલુ થાય છે અને તે બારમા ધોરણ સુધી એટલે કે ચાર વર્ષ રહે છે. આ બધામાં માનસિક સ્ટ્રેસ ભળે છે."
 
"બોર્ડ પરિક્ષામાં ઊંચી ટકાવારીનું દબાણ રહે છે."
 
માતાપિતા જે કરે છે એમાંથી બાળકો શીખે
 
 
હાર્ટની બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. હૃદયરોગના કારણે વિશ્વમાં સૌથી વધુ લોકો મૃત્યુ પામે છે.
 
ડૉ. નિશ્ચલ ભટ્ટ કહે છે કે, "લાઇફસ્ટાઇલ શરીરને અસર કરતી હોય છે. મને લાગે છે કે આ માટે માતાપિતા અને શિક્ષકો બંનેમા જાગૃતિની ખૂબ જરૂર છે. બાળકો માતાપિતા જે કહે છે, એ કરતાં માતાપિતા જે કરે ,છે એમાંથી વધારે શીખે છે."
 
"માતાપિતા જો રાત્રે મોડે સુધી મોબાઇલ જોયા કરે કે ખાવાપીવાની ટેવ અનિયમિત હોય તો પછી બાળકો પણ એવું જ કરે છે. શિક્ષક કહે તો બાળકો તરત માનતાં હોય છે. માતાપિતા અને શિક્ષકો જ બાળકોમાં અમુક પ્રકારના શોખ વિકસાવી શકે છે."
 
"ટીનેજર્સ મોડે સુધી મોબાઇલમાં સોશિયલ મીડિયા પર હોય છે. અડધી રાતે સૂવા જાય છે. સવારે મોડેથી ઊઠે છે. એની પણ આરોગ્ય પર જોખમી અસર થાય છે."
 
કાર્તિકેય ભટ્ટ કહે છે કે, "મોબાઇલ એક વ્યસન જ છે. દસ બાર મિનિટે એના પર નજર ન ફેરવીએ, તો ચેન પડતું નથી. તેથી પરાણે એનાથી દૂર રહેવાની ટેવ પાડવી પડશે."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં જળસંકટઃ ઉત્તર ગુજરાતના જળાશયોમાં 16 અને કચ્છમાં 23 ટકાથી પણ ઓછું પાણી બચ્યું