Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રજ્ઞાસિંહ ઠાકુરની ભોપાલથી ટિકિટ કેમ કપાઈ? ટિકિટ ના મળતાં તેમણે શું કહ્યું?

pragya thakur
, મંગળવાર, 5 માર્ચ 2024 (14:10 IST)
મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલથી લોકસભાના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરને ભાજપે આ વખત ટિકિટ નથી આપી.
 
ભાજપે ગયા અઠવાડિયે શનિવારે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં મધ્ય પ્રદેશની કુલ 29 લોકસભા બેઠકોમાંથી 24 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે.
 
આ 24 બેઠકોમાં ભોપાલ લોકસભા બેઠક પણ સામેલ છે. જોકે, ભોપાલથી હાલમાં સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરની જગ્યાએ ભાજપે ભોપાલના પૂર્વ મેયર આલોક શર્માને ઉમેદવાર જાહેર કર્યા છે.
 
ભોપાલથી ટિકિટ કપાયા પછી પ્રજ્ઞાસિંહ ઠાકુરને રવિવારે પત્રકારોએ પૂછ્યું તે ગોડસેને લઈને તેમણે કરેલી વિવાદિત ટિપ્પણીને કારણે વડા પ્રધાને કહ્યું હતું કે તેઓ મનથી ક્યારેય તેમને માફ નહીં કરી શકે. શું આ કારણે તેમની ટિકિટ નથી મળી?
 
ટિકિટ ન મળવા પર પ્રજ્ઞા ઠાકુરનું નિવેદન
આ સવાલનો જવાબ આપતાં પ્રજ્ઞા ઠાકુરે કહ્યું, “મેં ક્યારેય વિવાદિત ટિપ્પણી નથી કરી. જે પણ કહ્યું સત્ય કહ્યું છે. જો રાજકારણમાં રહીને સત્ય બોલવું ખોટું હોય તો મને લાગે છે કે વ્યક્તિએ સત્ય બોલવાની ટેવ પાડવી જોઈએ. જે સત્ય છે તે વિશે સમાજને વાકેફ કરાવવા જોઈએ.”
 
તેમણે ઉમેર્યું, “મીડિયાવાળા વિવાદિત ટિપ્પણી કહે છે, પરંતુ જનતા આ વાતને સત્ય માને છે. મેં જનતાને હંમેશાં સત્ય કહ્યું. વિરોધીઓએ તેને હથિયાર બનાવી લીધું. જો કોઈ પણ શબ્દ આપણા ધોરણોથી અલગ બોલાઈ ગયો હોય કે જેથી માનનીય વડા પ્રધાને કહેવું પડ્યું કે તેઓ દિલથી માફ નહીં કરે. તે માટે મેં પહેલેથી જ માફી માંગી લીધી હતી.”
 
ભોપાલનાં સાંસદે કહ્યું, "કોઈના મનને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ વિચાર ન હતો. વડા પ્રધાન મોદીજીનાં મનને ઠેસ પહોંચી હતી, એ માટે તેમણે કહેવું પડ્યું કે મનથી માફ નહીં કરી શકું. મારો આ પ્રકારનો કોઈ ભાવ ન હતો કે તેમના મનને તકલીફ આપું. તે પછી મેં ક્યારેય તકલીફ નથી પહોંચાડી."
 
પ્રજ્ઞા ઠાકુરે કહ્યું, “ટિકિટ ન આપવાનો નિર્ણય સંગઠનનો છે અને સંગઠનનો નિર્ણય સર્વોપરી છે. અમારે ત્યાં સંગઠન જ મહત્ત્વપૂર્ણ છે અને સંગઠનનો નિર્ણય સ્વીકાર્ય છે. આલોક શર્માને મારા આશીર્વાદ અને શુભકામનાઓ છે. મેં 2019માં પણ ટિકિટ માંગી નહોતી, પરંતુ ત્યારે પણ સંગઠનનો જ નિર્ણય હતો કે હું ચૂંટણી લડું.”
 
વડા પ્રધાન મોદીએ શું કહ્યું હતું?
પ્રજ્ઞા ઠાકુરના નાથૂરામ ગોડસે વિશેનાં નિવેદન વિશે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મે 2019માં સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, “ગાંધીજી અને ગોડસે વિશે જે વાતો કરવામાં આવી તે અત્યંત ખરાબ છે. તે વાત દરેક ઘૃણાને લાયક છે અને સભ્ય સમાજમાં આવી ભાષાને કોઈ સ્થાન નથી. આ પ્રકારના વિચાર ન ચાલે અને આવુ કરનાર લોકોએ ભવિષ્યમાં 100 વખતે વિચારવું પડશે. જોકે, હું તેમને મનથી માફ નહીં કરી શકું. મનથી માફ નહીં કરી શકું.”
 
2019ની લોકસભાની ચૂંટણીમાં પ્રજ્ઞા ઠાકુરે ભોપાલથી દિગ્વિજય સિંહને ત્રણ લાખથી વધારે મતોથી હરાવ્યા હતા.
 
2019માં આ સીટ પરનો મુકાબલો ઘણો રસપ્રદ હતો કારણ કે એક તરફ કૉંગ્રેસની સરકારમાં બે વખત રાજ્યના મુખ્ય મંત્રી રહી ચૂકેલા દિગ્વિજય સિંહ હતા અને બીજી તરફ પ્રજ્ઞા ઠાકુર. આ બેઠક છેલ્લાં 30 વર્ષથી ભાજપનો ગઢ છે.
 
મધ્ય પ્રદેશ લોકસભાની બેઠકોની સંખ્યાના મામલે છઠ્ઠું સૌથી મોટું રાજ્ય છે. રાજ્યની 29 બેઠકોમાંથી 10 બેઠકો અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત છે અને બાકીની 19 બેઠકો સામાન્ય છે. ભાજપે 2019ની લોકસભાની ચૂંટણીમા મધ્ય પ્રદેશની 29માંથી 28 સીટો પર કબજો કર્યો હતો
 
જ્યારે સંસદમાં ગોડસેને દેશભક્ત કહેવામા આવ્યા હતા
સાંસદ બન્યા પછી પ્રજ્ઞા ઠાકુર પોતાનાં કામ કરતાં ટિપ્પણીઓને કારણે ચર્ચામાં રહ્યાં.
 
લોકસભામાં જ્યારે સ્પેશલ પ્રોટેક્શન ગ્રુપ (સંશોધન) બિલ પર દલીલ થઈ રહી હતી ત્યારે ડીએમકેના સાંસદ એ રાજાએ નાથૂરામ ગોડસેની એક ટિપ્પણીનો ઉપયોગ કર્યો એ કહેવા માટે કે ગોડસે એ ગાંધીજીની હત્યા શું કામ કરી? આ દલીલને વચ્ચે રોકીને પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે તમે એક દેશભક્ત વિશે આ પ્રકારનું ઉદાહરણ ન આપી શકો.
 
આ ટિપ્પણી પછી ભાજપે ડેમેજ કન્ટ્રોલ શરૂ કર્યું હતું. પ્રજ્ઞા ઠાકુરને રક્ષા સલાહકાર સમિતિમાંથી હઠાવવામાં આવ્યાં હતાં. 2019માં સંસદના શિયાળુ સત્ર દરમિયાન પ્રજ્ઞા ઠાકુરને સંસદીય દળની બેઠકમાં ભાગ લેવાથી પણ રોકવામાં આવ્યાં હતાં.
 
રક્ષા મંત્રી રાજનાથસિંહે પ્રજ્ઞા ઠાકુરની ટિપ્પણીથી પાર્ટીને અલગ રાખીને કહ્યું, “નાથૂરામ ગોડસેને દેશભક્ત કહેવા તો દૂરની વાત છે જો કોઈ વ્યક્તિ તેમના વિશે આવુ વિચારે છે તો એ વિચારની પણ અમારી પાર્ટી સંપૂર્ણપણે નિંદા કરે છે.”
 
પ્રજ્ઞા ઠાકુરની ટિપ્પણીને સંસદના રેકર્ડમાંથી હઠાવી દેવાઈ. કૉંગ્રેસનાં નેતૃત્વમાં વિપક્ષે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને પ્રજ્ઞા ઠાકુર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
 
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તે સમયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, “પ્રજ્ઞાએ આતંકવાદી ગોડસેને દેશભક્ત કહ્યાં. આ ભારતીય સંસદના ઇતિહાસમાં એક દુ:ખદ દિવસ છે.”
 
ગોડસે અંગેનાં તેમના નિવેદનો ઉપરાંત, પ્રજ્ઞા ઠાકુર તેમના તબીબી દાવાઓને કારણે ચર્ચામાં આવ્યાં હતાં.
 
હેટ સ્પીચ અને હિંદુઓને હથિયાર રાખવાની સલાહ
કોવિડ-19ની બીજી લહેરના સમયે પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે ગૌમૂત્ર પીવાથી કોરોનાથી બચી શકાય છે અને તે ફેફસાંને ઇન્ફેક્શનથી પણ બચાવે છે.
 
પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું, “ગૌમૂત્રનો અર્ક ફેફસાંના ચેપને દૂર રાખે છે. હું સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સાથે ઝઝુમી રહી છું, પરંતુ હું દરરોજ ગૌમૂત્ર અર્કનું સેવન કરું છું. ત્યાર પછી મારે કોરોના વાઇરસ માટે કોઈ દવા લેવાની જરૂર નથી. હું કોરોના વાઇરસથી સંક્રમિત નહીં થાઉં.”
 
સાંસદ તરીકે પ્રજ્ઞા ઠાકુર પર હેટસ્પીચ આપવાનો પણ આરોપ લાગ્યો. ડિસેમ્બર 2022માં પ્રજ્ઞા ઠાકુરના એક નિવેદનથી ત્યારે વિવાદ થયો જ્યારે તેમણે કહ્યું કે હિંદુ લોકોએ પોતાની રક્ષા માટે હથિયાર રાખવાં જોઈએ.
 
તેમણે એક ભાષણમાં કહ્યું, “પોતાનાં ઘરોમાં હથિયાર રાખો અને કઈં નહીં તો ખાલી શાકભાજી કાપવાનું ચાકુ રાખો. ખબર નહીં ક્યારે કેવી સ્થિતિનો સામનો કરવો પડે. આત્મરક્ષાનો અધિકાર દરેક વ્યક્તિને છે. જો કોઈ વ્યક્તિ આપણાં ઘરમાં ઘૂસીને આપણા પર હુમલો કરે તો તેને જડબાતોડ જવાબ આપવાનો આપણો અધિકાર છે.”
 
આ નિવેદનને કારણે પ્રજ્ઞાસિંહ ઠાકુર વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી હતી. આ એફઆઈઆરમાં ભારતીય દંડ સંહિતાની ધારા 153 એ (ધર્મ અને વંશના આધારે અલગ-અલગ સમૂહો વચ્ચે દુશ્મની કરાવવી) અને 295 એ (જાણી જોઈને કોઈપણ વર્ગની ધાર્મિક ભાવનાઓનું અપમાન કરવું.) લગાડવામાં આવી છે.
 
માલેગાંવ બૉમ્બ વિસ્ફોટનાં સ્પેશ્યલ પ્રૉસિક્યુટર રોહિણી સાલિયાને 2015માં આરોપ લગાવ્યો હતો કે આ હુમલામાં આરોપીઓ પર ઢીલા રહેવા માટે તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું.
 
રોહિણીએ એનઆઈએના એસપી સુહાસ વર્કે પર આ આરોપ લગાવ્યો હતો. રોહિણીએ કહ્યું હતું કે આ કેસને નબળો પાડવા માટે જ દબાણ કરવામાં આવ્યું હતું. જેથી બધા જ આરોપીઓ છુટી શકે. આ બ્લાસ્ટના મામલામાં ભોપાલનાં સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુર પણ આરોપી છે.
 
રોહિણીએ સમાચારપત્ર 'ઇન્ડિયન એક્સપ્રેસ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, “એનડીએની સરકાર બન્યા પછી મારી પર એનઆઈએના અધિકારીઓના ફોન આવ્યા. જે મામલાની તપાસ ચાલી રહી હતી, તેમાં હિંદુ ઉગ્રવાદીઓ પર આરોપો હતા. મને કહેવામાં આવ્યું હતું કે તેઓ મારી સાથે વાત કરવા માંગે છે. એનઆઈએના અધિકારીએ કહ્યું કે ઉપરથી આ મામલે ઢીલ રાખવાનું કહેવામાં આવ્યું છે.”

Edited By-Monica Sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

lok sabha election 2024- લોકસભા ચૂંટણી 2024 ની તારીખો 14-15 માર્ચે જાહેર થઈ શકે છે.