ગુજરાતની રાજનીતિમાં અલ્પેશ ઠાકોરનો સૂરજ આથમી રહ્યો છે?

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 12 January 2025
webdunia

ગુજરાતની રાજનીતિમાં અલ્પેશ ઠાકોરનો સૂરજ આથમી રહ્યો છે?

ગુજરાતની રાજનીતિમાં અલ્પેશ ઠાકોરનો સૂરજ આથમી રહ્યો છે?
, શુક્રવાર, 10 મે 2019 (08:50 IST)
ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનને થોડા દિવસો જ બાકી હતા ત્યારે અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ખરા સમયે જ અલ્પેશે રાજીનામું આપતા કૉંગ્રેસ પક્ષનું એક ડેલિગેશન ગુજરાત વિધાનસભાના સ્પીકરને મળ્યું હતું. તેણે ઠાકોરને સસ્પેન્ડ કરવાની રજુઆત કરી હતી.
 
બીજી બાજુ અલ્પેશ ઠાકોરે પોતાના એક અંગત કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને તેમજ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસીંહ જાડેજાને આમંત્રણ આપતા ફરી ચર્ચામાં આવી ગયા છે. અલ્પેશ ઠાકોરે હજી સુધી પોતાના રાજકીય ભવિષ્ય વિશે કોઈ ચોખવટ કરી નથી ત્યારે રાજકીય વિશ્લેષકો આ ઘટનાક્રમને એક સામાન્ય પ્રક્રિયા માની રહ્યા છે.
 
 ભાજપના નેતાઓ સાથે તેમનો ફોટો વાઇરલ થયા બાદ, મીડિયા સાથેની પોતાની વાતચીતમાં તેમણે અસ્પષ્ટ વાતો જ કરી હતી. તેઓ ભાજપના જોડાશે કે નહીં, તેની ચોખવટ હજી સુધી તેમણે કરી નથી.
તેમણે મીડીયા સાથે વાત કરતાં એવું કહ્યું હતું, "હું મારું આંદોલન ચાલુ રાખીશ. લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે કોઈ પણ સરકારની નિષ્ફળ નીતિઓ સામે આંદોલન કરતો રહીશ."
 
પરપ્રાંતિયો પર હુમલા અને કૉંગ્રેસ સાથે અણબનાવ
 
પરપ્રાંતિયો પરના હુમલામાં અલ્પેશ ઠાકોરનું નામ ઉછળ્યું હતું ઠાકોર 23 ઑક્ટોબર 2017ના રોજ રાહુલ ગાંધીની હાજરીમાં કૉંગ્રેસ પાર્ટીમા જોડાયા હતા. રાધનપુર વિધાનસભાથી તેઓ કૉંગ્રેસની ટિકિટ પર જીતીને તેઓ ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેમને બિહાર કૉંગ્રેસના ઉપપ્રભારી બનાવવામા આવ્યા હતા. કૉંગ્રેસ પાર્ટી સાથેનો તેમની આ ટૂંકી સફરના અંતનાં એંધાણ ઑક્ટોબર 2018થી જ જોવા મળી રહ્યાં હતાં.
webdunia
ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલામાં અલ્પેશ ઠાકોરનું નામ ઉછળ્યું હતું. આ હુમલા પાછળ અલ્પેશ ઠાકોરનાં ભડકાઉ ભાષણોને કથિત રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યાં હતાં. જે બાદ એવું માનવામાં આવે છે કે કૉંગ્રેસ સાથે તેમના સંબંધો બગડ્યા હતા. જે કદી સુધરી ન શક્યા. આખરે એપ્રિલ 2019માં ઠાકોરે કૉંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. જોકે, તેમણે કહ્યું હતું કે તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું નહીં આપે.
 
તેમની સાથે બીજા બે ધારાસભ્યો ધવલસિંહ ઝાલા અને ભરતજી ઠાકોરે પણ કૉંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડ્યો હતો.
 
'રાજનીતિમાં અપરિપક્વતા'
 
રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે એક પત્રકાર પરિષદ કરી હતી અને તેમાં તેમનું અને ઠાકોર સેનાનું માન-સન્માન ન જળવાતાં હોવાથી રાજીનામું આપ્યાની વાત કહી હતી. તેમણે યોગ્ય હોદ્દાઓ પણ ન મળતા હોવાનો સૂર કાઢ્યો હતો અને રાજીનામું આપ્યા બાદ કોઈ પણ પક્ષમાં ના જોડાવાની વાત કહી હતી. 
 
જોકે, હવે વાત આવે છે, ઠાકોરના રાજકીય ભવિષ્યની. તેમની જ સાથે જેમનો ગુજરાતની રાજનીતિમાં ઉદય થયો છે એ બે યુવા નેતા જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ, ઠાકોરને ભાજપમાં ન જોડાવવાની સલાહ આપી ચૂક્યા છે. એક સમયે પ્રદીપસિંહ જાડેજા પર ગુજરાતમાં નશાબંધીની હાલત પર શાબ્દિક પ્રહારો કરનારા અલ્પેશ ઠાકોર હવે તેમની સાથે જોવા મળી રહ્યા છે.
 
આ વિશે રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે તેઓ ઠાકોરથી ખુબ નિરાશ થયા છે.
તેમણે કહ્યું, "ગુજરાતની રાજનીતિમાં અપરિપક્વતાનું ક્લાસિક ઉદાહરણ અલ્પેશ ઠાકોરે પૂરું પાડ્યું છે. હું તેને કાચી માટીનો કોડિયું કહીશ."
 
"તેઓ હવે આ પક્ષથી પેલા પક્ષમાં અને પછી પાછા આ પક્ષમાં આવી શકે છે, તેવા રસ્તાઓ તેમના માટે ખુલ્લા છે. જોકે, આવું કરવાથી ગુજરાતની રાજનીતિમાં તેમનું વૈચારિક મહત્વ નહીં રહે."
 
પંડ્યાના જણાવ્યા મુજબ ગુજરાતમાં થયેલા બારડોલી સત્યાગ્રહ અને મહાગુજરાત જેવાં આંદોલનોએ સરદાર પટેલ અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા નેતાઓ આપ્યા. જેમનું વૈચારિક મહત્ત્વ આજે પણ છે, ભલે તેઓ કોઈ પણ પાર્ટીમા રહ્યા હોય. તેમણે એમ પણ પણ કહ્યું કે અલ્પેશના આ પગલા બાદ લોકોનો આંદોલન પરનો વિશ્વાસ પણ ઘટી જાય તો તેમને નવાઈ નહીં લાગે.
webdunia
જોકે બીબીસી ગુજરાતીએ અલ્પેશ ઠાકોર સાથે વાત કરવાનો અવારનવાર પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. રાજકીય વિશ્લેષક અને સામાજિક કાર્યકર મનીષી જાની માને છે કે ઠાકોરે કૉંગ્રેસ છોડીને ભૂલ કરી છે. તેઓ કહે છે, "લોકોએ તેમનો સાથે એટલા માટે આપ્યો હતો કારણ કે તેઓ ભાજપની એવી તમામ નીતિઓનો વિરોધ કરી રહ્યા હતા, જે એમનાં ઠાકોર સમાજ માટે હાનિકારક છે."
 
"આવામાં જો તેઓ ભાજપમાં જવાનાં જે સિગ્નલ આપી રહ્યા છે તે તેમનાં જ સમાજના લોકો નહીં સ્વીકારે."
 
શું અલ્પેશ ધારાસભ્ય તરીકે સસ્પેન્ડ થશે?
 
અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય તરીકે સસ્પેન્ડ કરવા કૉંગ્રેસે રજૂઆત કરી છે કૉંગ્રેસ પક્ષના મુખ્ય દંડક અશ્વિન કોટવાલે વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને ઠાકોરને સસ્પેન્ડ કરવાની રજૂઆત કરી છે. આ વિશે વિધાનસભાના સેક્રેટરી ડી. એમ. પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે અમને રજૂઆત મળી છે અને હવે અમે બન્ને પક્ષોને બોલાવીને તેમની રજૂઆતો અને તેમના પુરાવાઓ વગેરે જોઈશું અને તેમને સાંભળીશું.
 
પટેલે કહ્યું, "બન્ને પક્ષોને સાંભળ્યા બાદ જ અમે કોઈ નિર્ણય કરીશું. જોકે આ સુનાવણીની તારીખ હજી સુધી નક્કી થઈ નથી."
 
કૉંગેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણી કહે છે કે જ્યારે અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસ પાર્ટીના બધા જ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે કે તો આ પદમાં ધારાસભ્યના પદની ગણતરી કેમ થતી નથી.
 
તેમણે કહ્યું, "અમે 25મી એપ્રિલે આ વિશે સ્પીકરને રજૂઆત કરી હતી પરંતુ તે દિશામાં જ્યારે કોઈ પગલાં ન લેવામાં આવ્યાં તો અમે ફરીથી બુધવારે સ્પીકરને મળવા ગયા હતા,"
 
ધાનાણીએ કહ્યું કે કૉંગ્રેસ અલ્પેશ ઠાકોરને ધારાસભ્યપદથી બરખાસ્ત કરવાનું મન બનાવી ચૂકી છે.
 
શું કહે છે ભારતીય જનતા પક્ષ?
I
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અલ્પેશ ઠાકોરના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા પોતાના જૂના ઘરનું સમારકામ કરીને તેના વાસ્તુપૂજનમાં અલ્પેશ ઠાકોરે પોતાના અમુક ખાસ મિત્રોને બોલાવ્યા હતા. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર હતા.
 
જોકે, હજી સુધી અલ્પેશે ભાજપમાં જવાની કોઈ વાત કરી નથી પરંતુ આ બન્ને ટોચના નેતાઓની હાજરી અલ્પેશના આગામી પગલાની સૂચક માની શકાય છે. આ વિશે જયારે પ્રદીપસિંહ જાડેજા સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી તો તેમણે કહ્યું, "અલ્પેશભાઈ એક ધારાસભ્ય છે અને હું પણ એક ધારાસભ્ય છું માટે તેમણે મને આમંત્રણ આપ્યું હતું. જે મેં સ્વીકાર્યુ હતું."
 
"તેઓ પાર્ટીમાં આવશે કે નહીં આવે તેવી કોઈ ચર્ચા મારા ધ્યાન પર નથી."
 
જોકે, તેમણે એ પણ કહ્યું હતું કે અલ્પેશે આગળ શું કરવું છે તે તો તેઓ જ નક્કી કરી શકશે.
 
કૉંગ્રેસ અને અલ્પેશના સાથીઓ શું માની રહ્યા છે?
 
ગુજરાત કૉંગ્રેસના સિનિયર નેતા અને પાટણથી લોકસભાના ઉમેદવાર જગદીશ ઠાકોર માને છે કે અલ્પેશભાઈને ગુજરાતની રાજનીતિમાં ખૂબ મોટી તક મળી પરંતુ કદાચ તેઓ આ તકને સારી રીતે સમજી નથી શક્યા. તેઓ કહે છે કે તેમના આ પગલાથી ઠાકોર સમાજના ઘણા લોકો નારાજ થયા છે. અલ્પેશના જવાથી કૉંગ્રેસ પાર્ટીને કોઈ મોટો ફરક નહીં પડે.
 
અલ્પેશ ઠાકોરે પોતાની ઠાકોર સેનાની સાથે સાથે એસ.સી, એસ.ટી.,ઓબીસી એકતા મંચ પણ બનાવ્યો છે.
આ સંસ્થાના ઉપપ્રમુખ મુકેશ ભરવાડ છે. ઠાકોરના અમુક મુખ્ય નજીકના વ્યક્તિઓમાં તેમની ગણના થતી હોય છે. 
 
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં મુકેશ ભરવાડે કૉંગ્રેસ પાર્ટીનું નામ લીધા વગર કહ્યું હતું કે જે રાજકીય પક્ષની વિચારધારા OBC/SC/ST અને Minorityના ભલા માટે હશે, હું તે વિચારધારા સાથે રહીશ. ઠાકોર સમાજ અને અલ્પેશના સમર્થકોમાં પણ હવે બે જૂથ પડી ગયાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
 
સમર્થકોમાં ભલે જૂથવાદ હોય પણ હાલ તો અલ્પેશ ઠાકોર ધારાસભ્ય છે, એ રહેશે કે નહીં અને એમના રાજકીય કદ વધશે કે ઘટશે એ કદાચ આવનારા લોકસભાના પરિણામ પછી વધારે સ્પષ્ટ થઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુસ્સો કરવાથી થઈ શકે છે આટલા ફાયદાઓ