Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એ સમજૂતી, જેના આધારે નક્કી થયું કે ગુજરાતને નર્મદાનું કેટલું પાણી મળશે

એ સમજૂતી, જેના આધારે નક્કી થયું કે ગુજરાતને નર્મદાનું કેટલું પાણી મળશે
, સોમવાર, 22 જુલાઈ 2019 (11:06 IST)
જય મકવાણા
બીબીસી ગુજરાતી
નર્મદાના પાણીને મામલે ગુજરાત અને મધ્ય પ્રદેશ ફરીથી એકબીજાની સામસામે આવી ગયાં છે.
મધ્ય પ્રદેશે કહ્યું છે કે જ્યાં સુધી ગુજરાત અને કેન્દ્રની સરકાર સરદાર સરોવર બંધને કારણે વિસ્થાપિત થયેલા લોકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી બંધ માટે વધારાનું પાણી છોડવામાં નહીં આવે.
તો આ નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં ચોમાસું મોડું પડ્યું છે અને એવા સમયે મધ્ય પ્રદેશની સરકાર રાજકારણ રમી રહી છે.
રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં રૂપાણીએ જણાવ્યું, "1979ના (નર્મદા વૉટર ડિસ્પ્યૂટ્સ) ટ્રિબ્યૂનલ અનુસાર નર્મદાના પાણીની વહેંચણી નક્કી કરાઈ હતી અને કોઈ પણ રાજ્યને એ વહેંચણીમાં ફેરફાર કરવાનો અધિકાર નથી."
નોંધનીય છે કે મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે નર્મદાના પાણીની વિવાદવિહીન વહેંચણી માટે 'નર્મદા વૉટર ડિસ્પ્યૂટ્સ ટ્રિબ્યૂનલ'નું ગઠન કરાયું હતું.
 
નર્મદા વૉટર ડિસ્પ્યૂટ્સ ટ્રિબ્યૂનલ શું છે?
 
ઇન્ટર-સ્ટેટ્સ વૉટર ડિસ્પ્યૂટ્સ ઍક્ટ 1956 અંતર્ગત કેન્દ્ર સરકારે વર્ષ 1969માં 'નર્મદા વૉટર ડિસ્પ્યૂટ્સ ટ્રિબ્યૂનલ'નું ગઠન કર્યું હતું અને જસ્ટિસ વી. રામાસ્વામીને આ ટ્રિબ્યૂનલના ચૅરમૅન બનાવાયા હતા.
ટ્રિબ્યૂનલનો ઉદ્દેશ નર્મદાના પાણીની યોગ્ય વહેંચણી અને નર્મદા નદીની ખીણનો વિકાસ કરવાનો હતો.
ગઠનનાં દસ વર્ષ બાદ ટ્રિબ્યૂનલે 7 ડિસેમ્બર 1979ના રોજ પોતાનો ફેંસલો આપ્યો હતો. જે અનુસાર 75 ટકા વપરાશયોગ્ય પાણી ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે વહેંચવાનું નક્કી કરાયું હતું.
ટ્રિબ્યૂનલ અંતર્ગત કયા રાજ્યને કેટલું પાણી મળવું જોઈએ?
 
રાજ્ય કેટલું પાણી મળશે? (મિલિયન એકર ફૂટ) કેટલી વીજળી મળશે?
ગુજરાત 9 16%
મધ્ય પ્રદેશ 18.25 57%
મહારાષ્ટ્ર 0.25 27%
રાજસ્થાન 0.5 --
કુલ 28
સ્રોત : Hydrology and Water Resources Information System for India 
ટ્રિબ્યૂનલના કેટલાક મહત્ત્વના નિર્ણયો
સરદાર સરોવર બંધની ઊંચાઈ 138.68 મીટર નક્કી કરાઈ.
ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને મળતી ઊર્જા અંતર્ગત પરિયોજનાનો ખર્ચ ઉઠાવવો.
સામાન્ય વર્ષમાં મધ્ય પ્રદેશે ગુજરાત અને રાજસ્થાનની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા 8.12 મિલિયન એકર ફૂટ પાણી છોડવું.
ટ્રિબ્યૂનલના નિયમોની અમલવારી માટે નર્મદા કંટ્રોલ ઑથોરિટીનું ગઠન કરવું અને તેના રિવ્યૂ માટે એક રિવ્યૂ કમિટી રચવી.
ટ્રિબ્યૂલના નિર્ણયની 45 વર્ષ બાદ સમીક્ષા કરી શકાશે.
બિહાર પૂર : અન્ન અને જળ માટે વલખાં મારતા લોકો
 
નર્મદાના પાણીના મુખ્ય બે પક્ષકાર - મધ્ય પ્રદેશ અને ગુજરાત
મધ્ય પ્રદેશ : છત્તીસગઢ અલગ થયું ત્યાં સુધી મધ્ય પ્રદેશ નર્મદાનું પાણી મેળવતાં ચાર રાજ્યોમાંથી સૌથી મોટું રાજ્ય હતું. ચારેય રાજ્યોમાંથી જળસંસાધનની રીતે મધ્ય પ્રદેશ ઘણું સમૃદ્ધ રાજ્ય છે.
જોકે, મધ્ય પ્રદેશને ગંગા નદીને લઈને ઉત્તર પ્રદેશ અને બિહાર સાથે, મહાનદીને લઈને ઓડિશા સાથે તેમજ ગોદાવરીને લઈને મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ સાથે નાના-મોટા વિવાદ છે.
આ રાજ્યને નર્મદાની માફક કેટલીય નદીઓનો ફાયદો મળ્યો છે.
જોકે, નર્મદાની માફક જ મોટાભાગની નદીઓ કાં તો મધ્ય પ્રદેશમાંથી થઈને વહે છે અથવા તો નર્મદાની માફક બીજા રાજ્યમાં જતી રહે છે, જેને પગલે પડોશી રાજ્યો સાથે મધ્ય પ્રદેશને વિવાદ પણ છે.
મધ્ય પ્રદેશના લોકોની એવી ફરિયાદ રહી છે કે 'તેમનાં જળસંસાધનો'નો ફાયદો તેમના કરતાં પડોશી રાજ્યોને વધુ થાય છે.
'ધ પૉલિટિક્સ ઑફ વૉટર રિસોર્સ ડેવલપમૅન્ટ ઇન ઇન્ડિયા : ધ કેસ ઑફ નર્મદા' નામના પુસ્તક અનુસાર જળસંસાધનોને પડોશી રાજ્યો સાથે વહેંચવાને કારણે અસંતોષ ધરાવતા મધ્ય પ્રદેશના લોકો 'પોતાની નદી' એવી નર્મદા પાસેથી વધુ આશા રાખે છે.
પુસ્તકના લેખક જ્હૉન આર. વૂડના જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશનો પ્રાંરભિક ઉદ્દેશ માત્ર પોતાના રાજ્ય પૂરતો જ નર્મદાનો વિકાસ કરવાનો હતો.
પુસ્તકમાં એવું પણ જણાવાયું છે કે છત્તીસગઢમાં ચાલ્યા ગયેલા રાયપુર-બિલાસપુર જેવા ઔદ્યોગિક વિસ્તારોને પગલે મધ્ય પ્રદેશ હવે નર્મદાનાં સંસાધનો પર વધુ ધ્યાન આપી રહ્યું છે.
 
 
ગુજરાત : નર્મદાને ગુજરાતમાં જીવાદોરીની ઉપમા અપાઈ છે.
ઉપરોક્ત પુસ્તકમાં જણાવ્યા અનુસાર નર્મદાનાં સંસાધનોનો વિકાસ કરવાનો પોતાનો ઉદ્દેશ ગુજરાતે ક્યારેય છુપાવ્યો નથી અને નર્મદા થકી ગુજરાત પોતાની તરસ અને સિંચાઈની જરૂરિયાત સંતોષવા માગે છે એ પણ કોઈથી અજાણ્યું નથી.
અમદાવાદ-વડોદરા-સુરત કૉરિડૉર અને તેની આસપાસના ઔદ્યોગિક વિસ્તાર માટે નર્મદા થકી હાઇડ્રો-ઇલેક્ટ્રિક ઊર્જા ઉત્પન્ન કરવી એ પણ ગુજરાતનો ઉદ્દેશ છે.
વૂડના મતે ભાખરા-નાગલ પરિયોજનાથી પંજાબને જે ફાયદો થયો એવો જ ફાયદો ગુજરાત નર્મદા થકી મેળવવા માગે છે.
પુસ્તકમાં જણાવ્યા અનુસાર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ ધરાવતા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા પ્રદેશોમાં છાશવારે પાણીની અછત સર્જાતી રહે છે.
આ વિસ્તારોની મોટાભાગની નદીઓ ઉનાળામાં સુકાઈ જાય છે, જેને પગલે છાશવારે દુકાળનો સામનો કરતા આ વિસ્તારોની જરૂરિયાત સંતોષી શકે એવી એક માત્ર નર્મદા નદી જ છે.
 
શું મધ્ય પ્રદેશ પાણી નથી છોડી રહ્યું?
ભારત તથા એશિયામાં બંધાયેલા બંધ બાબતે કાર્યરત સંસ્થા સાઉથ એશિયા નેટવર્ક ઓન ડૅમ્સ, રિવર્સ ઍન્ડ પીપલ (એસએએનડીઆરપી)ના કો-ઑર્ડિનેટર હિમાંશુ ઠક્કરના જણાવ્યા અનુસાર સરદાર સરોવર બંધ પૂરો ભરાઈ જાય એવું ગુજરાત ઇચ્છે છે અને એ માટે મધ્ય પ્રદેશ નર્મદામાં પાણી છોડે એ જરૂરી છે.
ઠક્કર કહે છે, "નર્મદા કંટ્રોલ ઑથોરિટીના નિયમાનુસાર મધ્ય પ્રદેશ પાણી છોડી રહ્યું છે પણ એ રીતે સરદાર સરોવર ડૅમ ભરી શકાય એમ નથી."
"રિવર બૅડ પાવરહાઉસનો ઉપયોગ ત્યારે કરી શકાય છે જ્યારે ડૅમમાં જળસ્તર 121.61 મીટરથી વધારે હોય. અત્યારે જળસ્તર એનાથી વધારે જ છે. તો રિવર બૅડ પાવરહાઉસનો ઉપયોગ કરવો શક્ય છે."
જો સરદાર સરોવર ડૅમને હાલમાં પૂરો ભરવો હોય તો મધ્ય પ્રદેશે વધારે પાણી છોડવું પડે.
ઠક્કર જણાવે છે, "નર્મદા કંટ્રોલ ઑથોરિટી અનુસાર મધ્ય પ્રદેશ પાણી છોડી જ રહ્યું છે પણ એનાથી સરદાર સરોવર ડૅમ ભરી શકાય એમ નથી. એ માટે મધ્ય પ્રદેશને નિયમથી વધારે પાણી છોડવું પડે, જે તેને મંજૂર નથી."
નોંધનીય છે કે સરદાર સરોવર પ્રોજેક્ટ અંતર્ગત બે પાવરહાઉસ બનાવાયાં છે, જેમાંનું એક 1200 મૅગાવૉટનું રિવર બૅડ પાવરહાઉસ છે, જ્યારે બીજું 250 મૅગાવૉટનું કૅનાલ હેડ પાવરહાઉસ છે.
આ બન્ને પાવરહાઉસ દ્વારા ઉત્પન્ન થતી વીજળીને મધ્ય પ્રદેશને 57%, મહારાષ્ટ્રને 27% અને ગુજરાતને 16% મળે એવી સમજૂતી થયેલી છે.
નર્મદા: પ્રતિમા મળી, પણ સિંચાઈના પાણીનું શું?
 
વિવાદનો અર્થ ખરો?
નર્મદા અને જળવ્યવસ્થાપન સંલગ્ન બાબતોના જાણકાર અને પૂર્વ મંત્રી જય નારાયણ વ્યાસ જણાવે છે, "મધ્ય પ્રદેશ જે રીતે કહે છે કે વધારાનું પાણી નહીં છોડે, એ રીતે વધારા કે ઘટાડાનું પાણી આપવાનો કોઈ રાજ્યને અધિકાર નથી."
"કારણ કે આ માટેની પહેલાંથી જ વ્યવસ્થા કરાયેલી છે, જે ચારેય રાજ્યોને બાધ્ય પણ છે."
"અને એમ છતાં પણ જો કોઈને વાંધો પડે તો ટ્રિબ્યૂનલના નિર્દેશ અનુસાર ભારત સરકાર દ્વારા 'રિવ્યૂ કમિટી ફૉર નર્મદા કંટ્રોલ ઑથોરિટી'નું ગઠન પણ કરાયું છે."
"આ કમિટીમાં કેન્દ્રીય જળસંસાધન મંત્રીને ચૅરમૅન બનાવાયા છે. કમિટીના સભ્યોમાં પર્યાવરણ અને વનમંત્રી, ચારેય રાજ્યોના મુખ્ય મંત્રી છે."
"ત્યારે અહીં તુતુ-મેમે કરવાનો કોઈ અર્થ નથી નીકળતો."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Top News: ચંદ્રયાન-2 : ભારતનું મૂન મિશન આજે બપોરે લૉન્ચ થશે