Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતમાં રહેતા એ હિંદુઓ જેમને મત આપવાનો અધિકાર નથી

hindu they have no right for vote
, બુધવાર, 1 મે 2019 (16:35 IST)
પાડોશી દેશમાંથી આશરો મેળવવા ભારત આવેલા પાકિસ્તાની હિંદુઓને નાગરિકત્વ મળતા તેઓ ખુશ છે અને આ ચૂંટણીમાં મતદાન કરી શકશે.
જોકે, એવા પણ હજારો લોકો છે જે હજુ પણ અનિશ્ચિતતાના અંધારામાં ખોવાયેલા છે.
રાજસ્થાનમાં આ હિંદુઓનો મુદ્દો ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની બે ચૂંટણી સભાઓમાં આ મુદ્દે કૉંગ્રેસ પર નિશાન સાધ્યું છે.
બીજી બાજુ કૉંગ્રેસ કહે છે કે ભાજપ સરકારે આ શરણાર્થીઓને તેમના ભાગ્ય પર છોડી દીધા છે અને પાંચ વર્ષ સુધી તેમના માટે કશું કર્યું નથી.
આ હિંદુઓ માટે અવાજ ઉઠાવનારા સીમાંત લોક સંગઠનના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં 35 હજાર લોકો ભારતીય નાગરિકત્વ માટે રાહ જોઈ રહ્યા છે.
 
 
એ લોકો જેમને નાગરિકતા મળી
છેલ્લાં પાંચ વર્ષમાં થોડા લોકોને જ નાગરિકતા મળી છે. તેમાં ડૉ. રાજકુમાર ભીલનો પણ સમાવેશ થાય છે.
પાકિસ્તાનના સિંધથી આવેલા ડૉ. ભીલે નાગરિકતા માટે 16 વર્ષ રાહ જોવી પડી હતી.
હવે તેઓ ભારતના મતદાતા છે. આ કેટલી મોટી ખુશી છે?
ડૉ. ભીલ કહે છે, "તેને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દ નથી. એમ માની લો જાણે મારા પગ નીચે જમીન નથી."
"આ મારા માટે દિવાળી કરતાં પણ વધારે ખુશીનો સમય છે. દિવાળી તો વર્ષે એક વખત આવે છે, પરંતુ આ ખુશીની રોશની તો 16 વર્ષ બાદ આવી છે."
એક સમયે પાકિસ્તાનમાં શિક્ષક રહેલા ચેતન દાસ હવે ભારતના નાગરિક છે. તેમને થોડા મહિના પહેલાં જ નાગરિકતા મળી છે.
તેઓ કહે છે કે આ ખુશી તો છે પણ પૂર્ણ નથી.
દાસ કહે છે, "અમે પરિવારમાં બાર સભ્યો છીએ. તેમાંથી માત્ર મને જ નાગરિકતા મળી છે. એ માટે અમારે 19 વર્ષ રાહ જોવી પડી."
ચેતન કહે છે, "આયખું વીતી ગયું. મને મારાં બાળકોના ભવિષ્યની ચિંતા થઈ રહી છે."
"મારી દીકરીએ અહીં બી.ટેક.નો અભ્યાસ કર્યો હતો પણ નાગરિકતા ન હોવાને કારણે તેને રોજગારી ન મળી.
"આખરે નિરાશ થઈને મારી દીકરીએ આત્મહત્યા કરી લીધી."
ચેતન કહે છે કે અમને માત્ર આશ્વાસન મળતું રહ્યું છે પરંતુ તેનાથી કામ નથી ચાલતું.
 
દલાલોનો ખેલ
સીમાંત લોક સંગઠનના અધ્યક્ષ હિંદુ સિંહ સોઢા કહે છે, "આશરે બે વર્ષ પહેલાં સરકારે નાગરિકતા માટે જિલ્લા અધિકારીઓને અધિકાર આપ્યા, પરંતુ તેમાં ખૂબ ધીમી પ્રગતિ થઈ."
"અત્યારે 35 હજાર લોકો છે જેઓ નાગરિકતા માટે મદદ માગી રહ્યા છે, પરંતુ તેમાંથી માત્ર એક હજાર લોકોને જ નાગરિકતા મળી શકી છે."
"લોકો તકલીફ અને ભય હેઠળ જીવી રહ્યાં છે. તેમની લાચારીનો ફાયદો ઉઠાવીને સરકારી વિભાગોમાં દલાલોનું એક જૂથ સક્રિય થઈ ગયું છે.
આ લોકો વસૂલી કરે છે અને પરત મોકલી દેવાની ધમકી આપે છે."
 
તેઓ જણાવે છે કે આવા જ એક જૂથની બે વર્ષ પહેલાં ધરપકડ થઈ હતી. તેમાં કેન્દ્ર સરકારના એક કર્મચારી પણ સામેલ હતા.
નાગરિકતાથી દૂર પાકિસ્તાનના આ હિંદુઓની મોટી વસતી જોધપુરમાં છે. કેટલાક લોકો બિકાનેર, જાલોર અને હરિયાણામાં પણ શરણ લઈને રહી રહ્યા છે.
તેમાંથી જ એક મહેન્દ્ર કહે છે, "બે દાયકા કરતાં વધારે સમય વીતી ગયો. હજુ પણ તેમને નાગરિકતા મળી નથી."
"લોકો જ્યારે તેમને પાકિસ્તાની કહીને બોલાવે તો ખરાબ લાગે છે. અમારાં બાળકોનો જન્મ અહીં જ થયો છે છતાં તેમને પાકિસ્તાની કહેવામાં આવે છે."
છેલ્લાં 20 વર્ષથી ભારતમાં રહેતા પૂર્ણદાસ મેઘવાલ પહેલાં પાકિસ્તાનના રહીમયારખાં જિલ્લામાં રહેતા હતા.
તેઓ કહે છે કે તેમને હજુ સુધી ભારતની નાગરિકતા મળી નથી. એક સમયે તેઓ પાકિસ્તાનમાં મત આપતા હતા.
તેઓ કહે છે કે ત્યાં ચૂંટણીનો કોઈ મતલબ જ ન હતો. એ સમયે ક્યારે આવશે જ્યારે તેમને ભારતમાં મત આપવાનો હક મળે.
 
 
અર્થવિહીન ચૂંટણી
પાકિસ્તાનથી આવેલા લોકો હજુ પણ એ સ્થિતિને યાદ કરીને ડરી જાય છે.
વર્ષ 2017માં પોલીસે ચંદુ ભીલ અને તેમના પરિવારના 9 સભ્યોને પાકિસ્તાન પરત મોકલી દીધા હતા.
સીમાંત લોક સંગઠને એ ભીલ પરિવારને ભારતમાં રાખવા માટે હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી અને કોર્ટે તેના પર સ્ટે આપ્યો હતો.
પોલીસે ત્યાં સુધીમાં ચંદુ અને તેમના પરિવારને થાર એક્સપ્રેસ દ્વારા પાકિસ્તાન રવાના કરી દીધા હતા.
ચેતન કહે છે કે સરકારે એ વિચારવાની જરૂર હતી કે તેમની પરિસ્થિતિ ત્યાં કેવી હશે.
જો ત્યાં બધું સારું હોત તો તેઓ અહીં શા માટે આવત. પૈતૃક ગામ હંમેશાં માટે છોડવું બહુ કપરું હોય છે.
 
કૉંગ્રેસે હિંદુઓની અવગણના કરી?
વડા પ્રધાન મોદીએ પોતાની બાડમેર અને જોધપુરની ચૂંટણી સભાઓમાં આ મુદ્દાને ઉઠાવ્યો અને કહ્યું કે તેઓ આ હિંદુઓની નાગરિકતા માટે પ્રયાસ કરશે.
મોદીએ કહ્યું કે કૉંગ્રેસ સરકારે આ હિંદુઓની અવગણના કરી છે.
રાજ્ય કૉંગ્રેસમાં મહાસચિવ પંકજ મહેતા કહે છે, "વડા પ્રધાને એકદમ પાયાવિહોણી વાત કહી છે. તેમને ખબર હશે કે તેમની સરકારમાં જ ચંદુ ભીલ અને તેમના પરિવારને જબરદસ્તી પાકિસ્તાન મોકલી દેવાયા હતા. કૉંગ્રેસે ક્યારેય કોઈને આ રીતે પરત મોકલ્યા નથી."
મહેતા કહે છે, "ભાજપ સરકારે આ નિરાધાર લોકોને દલાલોના ભરોસે છોડી દીધા. તેમાં સરકારી કર્મચારીઓ પણ સામેલ હતા.
હવે ચૂંટણી આવતા ભાજપને આ શરણાર્થીઓની યાદ આવવા લાગી છે."
આ પહેલાં વર્ષ 2004-05માં રાજસ્થાનમાં આશરે 13 હજાર પાકિસ્તાની હિંદુઓને ભારતની નાગરિકતા આપવામાં આવી હતી.
તેમાં મોટા ભાગના લોકો દલિત અથવા તો આદિવાસી ભીલ સમુદાયના છે.
પશ્ચિમી રાજસ્થાનના રાજકીય નિષ્ણાતો જણાવે છે કે કેટલીક લોકસભા બેઠકો પર આ હિંદુઓ અને તેમના સંબંધીઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે.
થોડા મહિના પહેલાં જ ભારતના નાગરિક બનેલા ડૉ. રાજકુમાર ભીલ કહે છે, "અમારા લોકો તો એ જ લોકોને મત આપશે જે તેમનાં સુખ દુઃખનું ધ્યાન રાખશે.
અમે ઇચ્છીએ છીએ કે જે રીતે નાગરિકતા માટે અમારે તકલીફોમાંથી પસાર થવું પડ્યું એ રીતે અમારા બીજા લોકોને તકલીફ ન પડે."
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નાસાએ કહ્યુ - પૃથ્વી સાથે અથડાઈ શકે છે એસ્ટેરૉયડ