Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 29 March 2025
webdunia

વારાણસીમાં મોદી સામે ચૂંટણી લડવાનો નિર્ણય 111 ખેડૂતોએ કેમ ફેરવી લીધો?

વારાણસીમાં મોદી સામે ચૂંટણી લડવાનો નિર્ણય 111 ખેડૂતોએ કેમ ફેરવી લીધો?
, શનિવાર, 13 એપ્રિલ 2019 (18:22 IST)
વિગ્નેશ
 
ભાજપ અધ્યક્ષ અમિત શાહની મુલાકાત બાદ તામિલનાડુના 111 ખેડૂતોએ વારાણસીમાં વડા પ્રધાન મોદી સામે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. ખેડૂત નેતા અય્યાકન્નુના નેતૃત્વમાં તામિલનાડુથી આવેલા ખેડૂતોએ દિલ્હીના જંતરમંતર પર લાંબા સમય સુધી વિરોધ-પ્રદર્શન કર્યું હતું, જેને દુનિયાભરના મીડિયાએ સ્થાન આપ્યું હતું.
 
અય્યાકન્નુએ વારાણસીથી 111 ખેડૂતોને વડા પ્રધાન મોદી સામે ઉમેદવાર તરીકે ઊભા રાખવાની ઘોષણા કરી હતી, પરંતુ હવે અમિત શાહની મુલાકાત બાદ તેઓએ નિર્ણય બદલી નાખ્યો છે. વિરોધ-પ્રદર્શન દરમિયાન તામિલનાડુના ખેડૂતોએ લોકોનું ધ્યાન ખેંચવા માટે પ્રદર્શનની વિવિધ રીતો અપનાવી હતી, જેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. તેઓએ ઉંદરો ખાધા, સ્વમૂત્ર પીધું, મળ ખાધો, મરવાનું નાટક કર્યું, ખોપરીઓ સાથે નૃત્ય કર્યું, કેટલાક તો વડા પ્રધાન કાર્યાલય બહાર નિર્વસ્ત્ર પણ થઈ ગયા.
 
પ્રદર્શન છતાં પરિણામ નહીં
 
આ ખેડૂતોનું કહેવું હતું કે તમામ પ્રકારનાં પ્રદર્શનો કર્યાં પછી પણ તેમની માગ સ્વીકારવામાં આવતી નથી. પોતાના મુદ્દાઓને ફરી ચર્ચામાં લાવવા માટે આ ખેડૂતોએ વારાણસીમાં ભીખ માગીને પૈસા એકઠા કરવા અને એ જ પૈસાથી મોદી સામે ઉમેદવારી નોંધાવવાનું એલાન કર્યું હતું. રાષ્ટ્રીય દક્ષિણ ભારત રિવર લિંકિગ ફાર્મર એસોસિયેશનના અધ્યક્ષ અય્યાકન્નુનું કહેવું છે કે હવે તેઓ ચૂંટણી નહીં લડે. તેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી તેમની મોટા ભાગની માગો સાથે સહમત છે એટલા માટે તેઓ મોદી સામે ઊભા નહીં રહે.
 
મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે આગવું ખેડૂત સંગઠન શરૂ કરતાં પહેલાં અય્યાકન્નુ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ એટલે કે આરએસએસ સાથે જોડાયેલા ભારતીય કિસાન યુનિયનનો ભાગ હતા.
 
બીબીસીએ તેમની સાથે વાત કરી અને ચૂંટણી ન લડવાનું કારણ જાણ્યું
 
જ્યારે અય્યાકન્નુને પૂછવામાં આવ્યું કે મુલાકાતની પહેલ અમિત શાહે કરી હતી કે તેઓએ કરી તો કહ્યું, "અમે ભાજપ નેતા અમિત શાહ અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અમારી માગ મોકલી હતી. જે બાદ અમે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનો સંપર્ક કર્યો તો જણાવવામાં આવ્યું કે અમિત શાહ સાથે અમારી મુલાકાત કરાવવાની વ્યવસ્થા કરાઈ રહી છે."
 
"અમને દિલ્હી બોલાવ્યા અને અમિત શાહે સાત એપ્રિલે અમારી સાથે મુલાકાત કરી. તામિલનાડુના મંત્રી થંગામની પણ ત્યાં હાજર હતા. " 
 
અમિત શાહ પાસે રજૂ કરાયેલી માગો વિશે તેઓ કહે છે, "નદીઓને જોડવી, કૃષિઉત્પાદનોના યોગ્ય ભાવ, કરજમાફી, ખેડૂતો માટે પેન્શન, જીએમ બીજની આયાત પર પ્રતિબંધ, નાના, સીમાંત અને મોટા ખેડૂતો વચ્ચેનો ભેદભાવ દૂર કરવો એ અમારી મુખ્ય માગો છે. અમિત શાહે અમને જણાવ્યું કે કરજમાફી સિવાયની અમારી દરેક માગોને ભાજપના ઘોષણાપત્રમાં સામેલ કરાશે. તેમના પર વિશ્વાસ રાખીને અમે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે."
 
શું ભાજપ તેમની માગ માની લેશે? આ સવાલ પર અય્યાકન્નુ કહે છે, "લોકો પાસે ભીખ માગવી અને વડા પ્રધાન મોદી સામે ઉમેદવારી નોંધાવવી એ તેમના માટે શરમજનક કહેવાત. એટલા માટે તેઓએ અમને વાતચીત માટે બોલાવ્યા."
 
"અમે જીતવા માટે નહીં પણ પોતાની માગો સ્વીકારાય એ માટે વારાણસીથી ચૂંટણી લડવાના હતા. અમે માત્ર અમારી માગ મનાવવા માટે ઉમેદવારી નોંધાવવાના હતા. હવે તેઓએ અમારી માગ સ્વીકારી લીધી છે તો ચૂંટણી લડવાની જરૂર નથી.
 
આરોપનું રાજકારણ
 
જાહેરાત કર્યા બાદ પીછેહઠ કરતાં આ ખેડૂતોની ટીકા પણ થઈ શકે છે. આ સવાલ પર તેઓ કહે છે, "જ્યારે અમે વિરોધ કરતા હતા ત્યારે તેઓએ મને ઑડી કાર અય્યાકન્નુ કહીને બદનામ કર્યો. આરોપ લગાવ્યો કે મારી પાસે કરોડોની સંપત્તિ છે."
 
"હવે તેઓ કહે કે મેં ભાજપ પાસેથી પૈસા લીધા છે અને એટલે ચૂંટણી નથી લડવા માગતો કે મારે સાંસદ બનવું છે. કેટલાક લોકો કહેશે કે ડરના કારણે હું પીછેહઠ કરી રહ્યો છું."
 
"જ્યારે મહાત્મા ગાંધીએ બ્રિટિશ સરકાર સામે વિરોધ-પ્રદર્શન કર્યું ત્યારે તેમની પણ ટીકા થઈ હતી. એવી જ રીતે મારી પણ ટીકા થઈ રહી છે. શું એ લોકોએ પોતાની જીભ પર કાબૂ ન રાખવો જોઈએ?"
 
અય્યાકન્નુ કહે છે, "ભાજપે અમને વાતચીત માટે બોલાવ્યા. અમારે તેનું સન્માન કરવું જોઈએ."
 
પરંતુ ભાજપ માગ પૂરી કરવાનું વચન નહીં પાળે તો તેઓ શું કરશે?
 
તેઓ જવાબ આપે છે, "અમે દિલ્હીમાં 141 દિવસ સુધી પ્રદર્શન કર્યું હતું. જો ભાજપ માગ પૂરી નહીં કરે તો અમે ફરીથી આંદોલન કરીશું."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકસભા ચૂંટણી - PM મોદી વિરુદ્ધ વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રિયંકા