Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઇલેક્ટોરલ બૉન્ડ : ભાજપને મળ્યા 60 અબજ, કઈ પાર્ટીને કેટલો ફાળો મળ્યો?

electoral bond
, શુક્રવાર, 15 માર્ચ 2024 (18:17 IST)
ચૂંટણીપંચે એસબીઆઈ પાસેથી મળેલી ઇલેક્ટોરલ બૉન્ડની માહિતી પોતાની વેબસાઈટ પર જાહેર કરી દીધી છે.
 
આ ડેટાનું વિશ્લેષણ થઈ રહ્યું છે. પણ અત્યાર સુધીમાં મળેલી માહિતી મુજબ, ભાજપ સૌથી વધુ ફાળો મેળવનાર પાર્ટી બની છે.
 
એસબીઆઈ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી માહિતીને ચૂંટણીપંચે બે ભાગમાં જાહેર કરી છે.
 
પહેલા ભાગમાં 336 પાનાંમાં એ કંપનીઓનાં નામ છે જેણે ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા અને તે રકમની માહિતી આપવામાં આવી છે.
 
જ્યારે બીજા ભાગમાં 426 પાનાંમાં રાજકીય દળો અને તેમને ક્યારે કેટલી રકમના ઇલેક્ટોરલ બૉન્ડને કૅશ કરાવી તે વિશે વિસ્તારથી માહિતી આપી છે.
 
એસબીઆઈએ ચાર માર્ચે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી અને 30 જૂન સુધીનો સમય માગ્યો હતો. જોકે, અદાલતે આ અરજી ફગાવી દીઘી.
 
સુપ્રીમ કોર્ટે એસબીઆઈને 12 માર્ચ સુધી ઇલેક્ટોરલ બૉન્ડની ખરીદીને લગતી માહિતી ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો હતો.
 
આ માહિતી 12 એપ્રિલ 2019થી 11 જાન્યુઆરી 2024 સુધીના સમયગાળાની છે.
 
આ માહિતી અનુસાર, ભાજપે આ સમયગાળા દરમિયાન કુલ 60 અબજથી વધુ રૂપિયાના ઇલેક્ટોરલ બૉન્ડ વટાવ્યા છે. તો આ મામલે બીજા નંબરે તૃણમૂલ કૉંગ્રેસે છે, જેણે 16 અબજ રૂપિયાથી વધુ ઇલેક્ટોરલ બૉન્ડને ઇનકૅશ કર્યા છે.
 
તો સૌથી વધુ ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદનાર કંપની ફ્યૂચર ગેમિંગ ઍન્ડ હોટલ સર્વિસિઝ છે. આ કંપનીએ કુલ 1368 બૉન્ડ ખરીદ્યા છે, જેની કિંમત 13.6 અબજ રૂપિયાથી વધુ છે.  
 
ભારતીય જનતા પાર્ટી- 60,605,111,000.00
ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસ- 16,095,314,000.00
અધ્યક્ષ, અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ- 14,218,655,000.00
ભારત રાષ્ટ્ર સમિતિ- 12,147,099,000.00
આમ આદમી પાર્ટી- 654,500,000.00
ચૂંટણીપંચ તરફથી જાહેર ચૂંટણી બૉન્ડ ઇનકૅશ કરનારના લિસ્ટમાં ભાજપ પહેલા અને ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસ બીજા નંબરે છે.
 
આ મામલે ત્રીજા નંબરે અધ્યક્ષ, અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ છે, જેણે 14 અબજ રૂપિયાથી વધુના ઇલેક્ટોરલ બૉન્ડ ઇનકૅશ કર્યા છે. બાદમાં ભારત રાષ્ટ્ર સમિતિએ 12 અબજ રૂપિયા અને બીજુ જનતાદળે સાત અબજ રૂપિયાથી વધુ બૉન્ડ ઇનકૅશ કર્યા છે.
 
આ મામલે પાંચમા અને છઠા નંબરે દક્ષિણ ભારતની પાર્ટીઓ ડીએમકે અને વાયએસઆર કૉંગ્રેસ (યુવાસેના) રહી છે.
 
સૂચિમાં આ પાર્ટીઓ બાદ તેલુગુ દેશમ પાર્ટી, શિવસેના (પૉલિટિકલ પાર્ટી), રાષ્ટ્રીય જનતા દળ, આમ આદમી પાર્ટી, જનતા દળ (સેક્યુલર), સિક્કિમ ક્રાંતિકારી મોરચો, નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી, જનસેના પાર્ટી, અધ્યક્ષ સમાજવાદી પાર્ટી, બિહાર પ્રદેશ જનતા દળ (યુનાઇટેડ), ઝારખંડ મુક્તિ મોરચો, શિરોમણિ અકાલી દળ, ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝગમ, શિવસેના, મહારાષ્ટ્રવાદી ગોમન્તક પાર્ટી, જમ્મુ અને કાશ્મીર નેશનલ કૉંગ્રેસ પાર્ટી છે.
 
તો સૌથી વધુ કિંમતના ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદનારી કંપનીઓમાં ફ્યુચર ગેમિંગ ઍન્ડ હોટલ સર્વિસિઝ બાદ મેઘા એન્જિનિયરિંગ ઍૅન્ડ ઇન્ફ્રાસ્ટ્રચર્સ લિમિટેડ બીજા નંબરે છે.
 
ફ્યુચર ગેમિંગે કુલ 1368 બૉન્ડ ખરીદ્યા છે, જેની કિંમત 1368 કરોડ રૂપિયા હતી. તો મેઘા એન્જિનિયરિંગે 966 કરોડ રૂપિયાના કુલ 966 બૉન્ડ ખરીદ્યા છે.
 
ત્યાર બાદ જે કંપનીઓએ સૌથી વધુ બૉન્ડ ખરીદ્યા છે તેમાં ક્વિકસપ્લાયર્સ ચેન પ્રાઇવેટ લિમિટેડ, હલ્દિયા ઍનર્જી લિમિટેડ, વેદાંતા લિમિટેડ, અસેલ માઇનિંગ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વેસ્ટર્ન યુપી પાવર ટ્રાન્સમિશન કંપની લિમિટેડ, કેવેન્ટર ફૂડપાર્ક ઇન્ફ્રા લિમિટેડ, મદનલાલ લિમિટેડ, ભારતી એરટેલ લિમિટેડ, યશોદા સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ, ઉત્કલ એલ્યુમિના ઇન્ટરનેશનલ લિમિટેડ, ડીએલએફ કૉમર્શિયલ ડેવલપર્સ લિમિટેડ, જિંદલ સ્ટીલ, આઈએફબી ઍગ્રો લિમિટેડ, ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝ વગેરે સામેલ છે.
 
ગુજરાતની કઈ કંપનીઓએ ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા?
ચૂંટણીપંચે જાહેર કરેલા લિસ્ટમાં જે કંપનીઓનાં નામ સામે આવ્યાં છે, તેમાં ગુજરાતની કંપનીઓ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
 
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદનાર કંપનીઓમાં વેપસ્પન ગ્રૂપ, વડોદરાસ્થિત સન ફાર્મા, ટોરેન્ટ ગ્રૂપ પણ છે.
 
જાહેર કરેલા ડેટા અનુસાર, ગુજરાતના ટોરેન્ટ ગ્રૂપે સૌથી વધુ 185 કરોડના બૉન્ડ ખરીદ્યા હતા.
 
તેમજ ગુજરાતની નિરમા કંપનીનો પણ ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદવામાં સમાવેશ થાય છે.
 
ચૂંટણીપંચે માહિતી આપ્યા બાદ વરિષ્ઠ ઍડવૉકેટ પ્રશાંત ભૂષણે ચૂંટણી બૉન્ડ ખરીદનાર બીજા નંબરની કંપની મેધા એન્જિનિયરિંગ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને લઈને પ્રશ્નો કર્યા છે.
 
પ્રશાંત ભૂષણે લખ્યું છે કે, "11 એપ્રિલ 2023એ મેઘા એન્જિનિયરિંગે 100 કરોડના ઇલેક્ટોરલ બૉન્ડ કોને આપ્યા? પરંતુ એક મહિનાની અંદર જ તેમણે ભાજપની મહારાષ્ટ્ર સરકારે 14,400 કરોડ રૂપિયાનો કૉન્ટ્રાક્ટ મળી જાય છે. જોકે, એસબીઆઈએ આ માહિતીમાં બૉન્ડના નંબર છુપાવી લીધા છે પરંતુ તો પણ કેટલાક દાતા અને પાર્ટીઓને મિલાવવા પર એક અનુમાન લગાવી શકાય છે. મોટા ભાગે ડોનેશન ‘એક હાથ લે, એક હાથ દે’ જેવું લાગી રહ્યું છે."
 
મેઘા એન્જિનિયરિંગને લઈને અન્ય સોશિયલ મીડિયા યૂઝર્સે પણ સવાલ ઉઠાવ્યા છે. એક ઍક્સ યૂઝરે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીના સંસદમાં આપેલું એક નિવેદન શેર કર્યું છે. તેમાં તેઓ મેઘા એન્જિનિયરિંગનાં વખાણ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે મેઘા એન્જિનિયરિંગ હૈદરાબાદની કંપની છે.
 
એક અન્ય યૂઝરે લખ્યું છે કે, "11 એપ્રિલ મેઘા એન્જિનિયરિંગે કૉર્પોરેટ્સ બૉન્ડ્સ મારફતે ભાજપને કરોડોનું દાન આપ્યું, 12 મેના મેઘા એન્જિનિયરિંગને 14,400 કરોડનો કૉન્ટ્રાક્ટ મળ્યો હતો."
 
 
 
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હોળી પર ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર