Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિરાટ કોહલી ભારતને આ વખતે વર્લ્ડ કપ અપાવી શકશે?

વિરાટ કોહલી ભારતને આ વખતે વર્લ્ડ કપ અપાવી શકશે?
, ગુરુવાર, 30 મે 2019 (15:48 IST)
ઑલિમ્પિક્સ, ફૂટબૉલ અને ક્રિકેટ વર્લ્ડ કપ. દર ચાર વર્ષે આવતા આ મહાકુંભોમાં ભારતમાં સૌથી મોટું આકર્ષણ હોય તો તે ક્રિકેટ છે. આ એવી રમત છે જેમાં ભારત પાસેથી આશા રાખી શકાય છે અને ભારત તેમાં બે વાર તો વર્લ્ડ ચૅમ્પિયન પણ બનેલું છે. ઇંગ્લૅન્ડમાં ગુરુવારથી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. ક્રિકેટના જન્મદાતાની ધરતી પર આ વર્લ્ડ કપ યોજાતો હોવાથી રમતપ્રેમીઓમાં પણ તે વધુ આકર્ષક બની રહેશે.
 
ગુરુવારે યજમાન ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મુકાબલો થશે તે સાથે આ મેગા ઇવેન્ટનો પ્રારંભ થશે. દરેક ટીમ માટે આ વખતનો વર્લ્ડ કપ અગાઉ કરતાં વધારે કપરો રહેવાનો છે કેમ કે કોઈ ટીમને ઓછી આંકવાની ભૂલ થઈ શકે તેમ નથી. એક તરફ વિરાટ કોહલીની ભારતીય ટીમ છે જેમાં ચાણક્ય જેવો ધોની છે તો ખતરનાક જસપ્રિત બુમરાહ છે. આક્રમક રોહિત શર્મા છે તો ભારત કરતાં અન્ય દેશોમાં વધારે ખીલે તેવો શિખર ધવન છે.
 
તમે આ વાંચ્યું કે નહીં?
 
કુલદીપ યાદવ અને ચહલ જેવા વેધક સ્પિનર છે તો હાર્દિક પંડ્યા જેવો ઓલરાઉન્ડર પણ છે જેની આક્રમકતા ક્રિસ ગેઇલ કે આન્દ્રે રસેલ કરતાં જરાય ઓછી નથી. રવીન્દ્ર જાડેજાની ચુસ્ત બૉલિંગ ગમે તેવા બૅટ્સમૅનને ભૂલ કરવા માટે પ્રેરે તેવી છે. આમ કિંગ કોહલી પાસે આ વખતે ઇંગ્લૅન્ડમાં વર્લ્ડ કપ જીતીને જાણે કોહિનૂર જીતવાનો હોય તેવો રોમાંચ રહેશે. ઇંગ્લૅન્ડની ટીમ તેના હોમગ્રાઉન્ડ પર રમવાની છે તેના કરતાં પણ હાલમાં તે જે રીતે ફૉર્મ દાખવી રહી છે તે હરીફો માટે ચિંતાજનક છે.
 
ઓઇન મોર્ગન ઇંગ્લૅન્ડના બહોળા ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવવા માટે થનગને છે કેમ કે સવા સો કરતાં વધુ વર્ષથી ક્રિકેટ રમતો દેશ 44 વર્ષના વર્લ્ડ કપના ઇતિહાસમાં ક્યારેય ચૅમ્પિયન બની શક્યો નથી.
તેઓ આ વખતે 'હવે નહીં તો ક્યારેય નહીં'ની માફક રમશે કેમ કે તેમની પાસે આ વખતે ટાઇટલ જીતવાની ઉત્તમ તક રહેલી છે. તાજેતરમાં પાકિસ્તાન સામેની વન-ડે શ્રેણીમાં ઇંગ્લૅન્ડે ત્રણ વાર 350થી વધુનો સ્કોર નોંધાવીને મૅચો જીતી હતી.
webdunia
કઈ ટીમમાં કેટલો છે દમ?
 
આગામી સાડા છ સપ્તાહમાં દસ ટીમો એક બીજા સામે ટકરાશે. આ વખતે રાઉન્ડ રોબિન ધોરણે મૅચો રમાવાની છે એટલે દરેક ટીમ પોતાના તમામ હરીફ સામે રમવાનું છે. જેમાં જાયન્ટ ઑસ્ટ્રેલિયા પણ આવી જાય અને અફઘાનિસ્તાન પણ આવી જાય.
 
ફૉર્મવિહોણું પણ લડાયક મિજાજ ધરાવતું શ્રીલંકા પણ આવી જાય અને એક સમયે ક્રિકેટની શાન ગણાતું પરંતુ પોતાનું કૌવત ગુમાવી ચૂકેલું વેસ્ટ ઇન્ડિઝ પણ આવી જાય. સાઉથ આફ્રિકા પાસેથી દર વખતે અપેક્ષા રખાય છે પરંતુ અણીના સમયે આ ટીમ પડી ભાંગે છે. અગાઉ તેઓ સેમિફાઇનલમાં આવ્યા બાદ હારી ગયા હતા. તેમની પાસેથી જ્યારે ચૅમ્પિયનશિપની આશા રખાતી હોય ત્યારે આપણે ગુજરાતીમાં કહીએ છીએ તેમ છેલ્લી ઘડીએ પાણીમાં બેસી જાય છે.
 
જોકે, ફાફ ડુ પ્લેસિસની ટીમ વધારે પ્રતિભાશાળી છે અને છેલ્લાં ચાર વર્ષમાં તે કમસે કમ ઘરઆંગણે તો શાનદાર દેખાવ કરતી આવી છે. ઑસ્ટ્રેલિયન ટીમ પાસેથી વધુ અપેક્ષા રખાય તે સ્વાભાવિક છે કેમ કે તે સૌથી વધુ ટાઇટલ જીતેલી છે અને 2015ની તે ચૅમ્પિયન છે. આમ તે ટાઇટલના રક્ષણ માટે રમવાની છે. એરોન ફિંચની ટીમ બૉલિંગમાં તો મજબૂત છે જ પરંતુ બૅટિંગમાં સ્મિથ અને વોર્નરના આગમન બાદ તે વધુ મજબૂત બની છે. ડેવિડ વોર્નરે તાજેતરમાં આઇપીએલમાં પોતાના ફૉર્મનો પરચો આપી દીધો હતો. તે આ સિઝનમાં આઇપીએલમાં સૌથી વધુ રન નોંધાવનારો બૅટ્સમૅન બન્યો હતો.
webdunia
વિરાટ કોહલી ગુસ્સે શા માટે થાય છે?
 
તાજેતરમાં વર્લ્ડ કપની વોર્મ અપ મેચમાં સ્મિથે સદી ફટકારીને સંકેત આપી દીધા છે કે તેના બૅટની ધાર હજુ પણ એવી જ તેજ છે. અન્ય ટીમોમાં અફઘાનિસ્તાન કે વેસ્ટ ઇન્ડિઝને હળવાશથી લઈ શકાય તેમ નથી. અફઘાનિસ્તાન પાસે રશીદ ખાન જેવો ઉમદા બૉલર છે. આ સ્પિનર અત્યારે વિશ્વનો સૌથી ખતરનાક સ્પિનર છે. તે ક્રમાંકમાં પણ આગળ પડતો છે. આ ઉપરાંત મોહમ્મદ નબી જેવો બૉલર છે જે તાજેતરમાં આઇપીએલમાં સારો દેખાવ કરી ચૂક્યો છે.
 
વેસ્ટ ઇન્ડિઝ પાસે ક્રિસ ગેઇલ અને આન્દ્રે રસેલ જેવા સૌથી આક્રમક બૅટ્સમૅન છે. આ બંને બૅટ્સમૅન કેરેબિયન ટીમનો સ્કોર 350થી 400 સુધી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે અને આ સ્કોર ઇંગ્લૅન્ડના વિવિધ મેદાનની પ્રવર્તમાન વિકેટો પર શક્ય પણ છે. 
 
વર્લ્ડ કપમાં આ વખતે નવું ફૉર્મેટ
 
વર્લ્ડ કપમાં આ વખતે ફૉર્મેટ બદલાયું છે. રાઉન્ડ રોબિન ધોરણે રમવાનું હોવાથી તમામ પ્રકારના હરીફો સામે રમવાની તક મળશે. કોઈ ગ્રૂપમાં એકાદ બે ટીમ નબળી આવી જાય અને આસાનીથી ક્વૉલિફાઈ થઈ જવાય તેવું આ વખતે બનવાનું નથી. સેમિફાઇનલમાં પ્રવેશવા માટે ટીમે ઓછામાં ઓછી પાંચ મૅચ તો જીતવી જ પડશે. ભારત, ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા મોખરાની ટીમો મનાય છે તો ન્યૂઝીલૅન્ડની ટીમ શિસ્તબદ્ધ છે. પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ પણ ક્ષમતા ધરાવે છે.
 
બૉલિંગમાં જસપ્રિત બુમરાહ તમામ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ઑસ્ટ્રેલિયાના પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક કે નાથાન લાયન પણ તેમની ટીમને મજબૂત બનાવી શકે છે. 
 
ઇંગ્લૅન્ડ કેમ ફેવરિટ મનાય છે?
 
ઇંગ્લૅન્ડને આ વખતે ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. 1975માં વર્લ્ડ કપનો પ્રારંભ થયો ત્યારે પ્રથમ ત્રણ વર્લ્ડ કપ 60-60ની ઓવર ધરાવતી મૅચોના હતા. ત્યારથી ઇંગ્લૅન્ડ ક્યારેય જીતી શક્યું નથી. આ વખતે ઇંગ્લૅન્ડ પાસે મૂળ આઇરિશ એવા ઓઇન મોર્ગન જેવો સુકાની છે તો તેની સાથે જોઝ બટલર, જોની બેરસ્ટો અને જો રૂટ જેવા ખ્યાતનામ બૅટ્સમૅન છે. જોફરા આર્ચર, માર્ક વૂડ અને આદિલ રશીદ જેવા બૉલરની સાથે બેન સ્ટોક્સ અને મોઇન અલી જેવા ઓલરાઉન્ડર પણ છે.
 
પાકિસ્તાની ટીમ સતત પરાજય બાદ આ વર્લ્ડ કપમાં રમી રહી છે. ટીમમાં મોહમ્મદ આમિર અને વહાબ રિયાઝને છેલ્લે છેલ્લે સમાવવામાં આવ્યા છે. બંને પાસે સારો અનુભવ છે. ફખર ઝમાને બે વર્ષ અગાઉ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત સામે સદી ફટકારીને ટીમને ટ્રોફી અપાવી હતી. ઇમામ ઉલ હક, મોહમ્મદ હફીઝ, બાબર આઝમ અને હેરિસ સોહૈલ ટીમની બૅટિંગને મજબૂત કરે છે.
 
કેન વિલિયમ્સની ન્યૂઝીલૅન્ડની ટીમ પાસે પણ પ્રતિભાની કમી નથી. ટીમમાં માર્ટિન ગપટિલ, કોલીન મુનરો અને રોઝ ટેલર જેવા અનુભવી બૅટ્સમૅન છે તો સૌથી જોખમી એવો ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ ઇનિંગ્સના પ્રારંભે જ ટીમને સફળતા અપવવા માટે પંકાયેલો છે. કોલીન ગ્રેન્ડહોમ અને જીમી નિશમ જેવા ઓલરાઉન્ડરની હાજરીથી કિવિ ટીમ વધારે મજબૂત બની જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બીબીસીની એશિયાઈ સર્વિસ પર જુઓ ક્રિકેટ વિશ્વ કપ 2019નુ વિશેષ કવરેજ