Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યુરોપના એવા દેશો, જ્યાં બાળકો પેદા કરવા માટે લાખો રૂપિયા આપવામાં આવે છે

યુરોપના એવા દેશો, જ્યાં બાળકો પેદા કરવા માટે લાખો રૂપિયા આપવામાં આવે છે

જેના વેહ્વિલાઈનેન

, બુધવાર, 30 ઑક્ટોબર 2019 (11:51 IST)

ફિનલૅન્ડની સૌથી નાની નગરપાલિકાઓ પૈકીની એક લેસ્ટિજારવીમાં 2013થી જન્મતું દરેક બાળક 10,000 યુરોના મૂલ્યનું છે.

લેસ્ટિજારવીના પ્રશાસકોએ ગામના ઘટતા જતા જન્મદર અને વસતીની સમસ્યાના નિરાકરણનો નિર્ણય કર્યો તેના એક વર્ષ પહેલાં ગામમાં માત્ર એક બાળકનો જન્મ થયો હતો.

નગરપાલિકાએ 'બેબી બોનસ' નામની એક પ્રોત્સાહન યોજના શરૂ કરી હતી. તેમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે બાળકને તેના જન્મના આગામી દસ વર્ષમાં 10,000 યુરો આપવામાં આવશે.

આ ઉપાય સફળ રહ્યો હતો. યોજના શરૂ થયા બાદ નગરપાલિકામાં અત્યાર સુધી 60 બાળકોનો જન્મ થઈ ચૂક્યો છે. એ પહેલાંનાં સાત વર્ષમાં માત્ર 38 બાળકોનો જન્મ થયો હતો.

લગભગ 800 લોકોની વસતીવાળા એ ગામમાં આટલાં બાળકોને જન્મથી ગામને ગૌરવ મળ્યું હતું.

બેબી બોનસ શું છે?


બેબી બોનસ મેળવનારા 50 વર્ષના જુક્કા-પેક્કા ટુઈક્કા અને તેમનાં 48 વર્ષનાં પત્ની જેનિકા કૃષિ ઉદ્યમી છે.

તેમની બીજી પુત્રી જેનેટનો જન્મ 2013માં થયો હતો. જેનેટને જન્મતાંની સાથે જ 'ટેન થાઉઝન્ડ યુરો ગર્લ' એવું ઉપનામ મળી ગયું હતું.

ટુઈક્કા કહે છે કે "અમારી ઉંમર વધી રહી હતી અને અમે બીજા બાળકની યોજના થોડા સમયથી બનાવી રહ્યા હતા. એટલે પૈસાએ અમારા નિર્ણયને વાસ્તવમાં કેટલો પ્રભાવિત કર્યો એ હું કહી શકું તેમ નથી."

તેમ છતાં ટુઈક્કા માને છે કે બાળકના જન્મ માટે પૈસા આપવાનો નિર્ણય મહત્ત્વનું પગલું છે. તેનાથી ખબર પડે છે કે સ્થાનિક નેતાઓ પરિવારો માટે મદદનો હાથ લંબાવવા કેટલા ઇચ્છુક છે.

ટુઈક્કાના પરિવારને અત્યાર સુધીમાં 6,000 યુરો મળ્યા છે, જે તેમણે બચાવી રાખ્યા છે. તેઓ આ પૈસાનો એવી રીતે ઉપયોગ કરવાના છે કે જેથી ભવિષ્યમાં બધાને ફાયદો થાય.

ફિનલૅન્ડની અન્ય કેટલીક નગરપાલિકાઓએ પણ 100થી 10,000 યુરો સુધીનું બેબી બોનસ આપવાનું શરૂ કર્યું છે.

આ પ્રકારની પ્રોત્સાહક યોજનાઓ છતાં ફિનલૅન્ડનો રાષ્ટ્રીય જન્મદર વધતો નથી. યુરોપના અનેક અન્ય દેશોની માફક પાછલા દાયકામાં તેમાં મોટો ઘટાડો થયો છે.

2018માં એ દર પ્રતિ મહિલા 1.4 સુઘી ઘટી ગયો હતો. દસ વર્ષ પહેલાં એ દર પ્રતિ મહિલા 1.85 હતો.

બાળક પેદા કરવાના પૈસા
 

webdunia


ફિનલૅન્ડમાં પરિવારોની મદદ માટે અનેક કાર્યક્રમો ચાલે છે. જે પરિવારોમાં બાળકનો જન્મ થવાનો હોય એ પરિવારોને બેબી બૉક્સ સ્ટાર્ટર કિટ આપવામાં આવે છે.

પ્રત્યેક બાળકને દર મહિને 100 યુરો સહાય પેટે આપવામાં આવે છે અને તેમનાં માતાપિતાને 70 ટકા પગાર સાથે સામૂહિક રીતે નવ મહિનાની રજા મળે છે.

ફિનલૅન્ડમાં પરિવાર કલ્યાણ માટે યુરોપિયન સંઘની સરેરાશથી વધુ ખર્ચ કરવામાં આવે છે.

તેમ છતાં ટૈંપેરે યુનિવર્સિટીનાં સામાજિક વિજ્ઞાનનાં પ્રોફેસર રિત્વા નૈટકિનને લાગે છે કે અન્ય નોર્ડિક દેશોની સરખામણીએ ફિનલૅન્ડમાં પારિવારિક નીતિ પાછળ ચાલી રહી છે.

દાખલા તરીકે, સ્વીડનમાં નવજાત બાળકનાં માતાપિતાને ફિનલૅન્ડની સરખામણીએ વધારે રજા આપવામાં આવે છે.

રિત્વા નૈટકિન ચાઇલ્ડ બૅનિફિટ અને હોમ કૅર ભથ્થાંનાં ઉદાહરણ આપે છે.

આ ભથ્થાં સમયની સાથે તેની ચમક ગૂમાવી ચૂક્યાં છે, કારણ કે તેમાં વધારો નથી થયો અથવા તો ઘટાડો કરવામાં આવ્યો છે.

રિત્વા નૈટકિન માને છે કે આર્થિક તથા જળવાયુની અનિશ્ચિતતા પણ જન્મદર ઘટવાનું એક મહત્ત્વનું કારણ છે.

નવજાત બાળકનાં માતાપિતાને પૈસા આપવાની લેસ્ટિરજારવીની નીતિ જન્મદર વધારવામાં સફળ સાબિત થઈ શકે?

નૈટકિન જણાવે છે કે પરિવારો માટે નાણાકીય પ્રોત્સાહન વધારવાથી જન્મદર વધારવામાં આંશિક મદદ મળી શકે છે, પરંતુ પૈસાની લાલચમાં સંખ્યાબંધ બાળકોનો જન્મ થવા લાગે એવું શક્ય નથી, કારણ કે બાળકો પ્રત્યેનો લોકોનો દૃષ્ટિકોણ બદલાઈ ચૂક્યો છે.

ટુઈક્કાને ખાતરી છે કે બાળકો વિશેના કેટલાક લોકોના નિર્ણય પર નાણાંકીય મદદની સકારાત્મક અસર થઈ છે, પણ માત્ર આ યોજનાથી લોકો બાળકોનો જન્મ આપવા તૈયાર થઈ જશે એવું નથી.
 

ફિનલૅન્ડની ખાડીની બીજી તરફ તસવીર થોડી અલગ છે. એ તરફ બાલ્ટિક દેશ એસ્ટોનિયાએ છેલ્લા દોઢ દાયકામાં જન્મદર વધારવામાં સફળતા મેળવી છે.

આ વધારાનું થોડું શ્રેય સરકારની પરિવાર કલ્યાણ સંબંધી નીતિઓમાં કરાયેલા રોકાણને ફાળે જાય છે.

તેમાં ખાસ કરીને મોટા પરિવારો માટે નાણાકીય મદદમાં વધારો કરવામાં આવ્યો છે.

2004માં પારિવારિક રજાઓનું પ્રમાણ વધારવામાં આવ્યું હતું. તેમાં દોઢ વર્ષ સુધી પૂરા પગાર સાથે રજા આપવામાં આવે છે.

એસ્ટોનિયાએ 2017માં બાળકો માટે માસિક લાભ યોજના શરૂ કરી હતી. તેમાં પહેલાં બાળક માટે મહિને 60 યુરો, બીજા બાળક માટે મહિને 60 યુરો અને ત્રીજા બાળક માટે મહિને 100 યુરો આપવામાં આવે છે.

ત્રણથી વધારે બાળકો ધરાવતા પરિવારોને સરકાર ખાસ ઇનામ આપે છે. એવા પરિવારોને દર મહિને 300 યુરો બોનસ તરીકે ચૂકવવામાં આવે છે.

એવી જ રીતે એસ્ટોનિયાના ત્રણ બાળકોવાળા પરિવારને દર મહિને કુલ 520 યુરોનો કુલ લાભ મળે છે.

એસ્ટોનિયામાં પારિવારિક આજીવિકા ખર્ચ અને સરેરાશ આવક, યુરોપના અન્ય દેશોની સરખામણીએ ઓછાં છે.

તેને ધ્યાનમાં લેતાં આ પારિવારિક ફાયદો નિશ્ચિત રીતે ઉદાર નાણાકીય મદદ ગણાય.

એસ્ટોનિયાની યોજના સફળ જણાઈ રહી છે. 2000ના દાયકાની શરૂઆતમાં ત્યાં જન્મદર 1.32 હતો, જે 2018માં 1.67 ટકા સુધી પહોંચી ગયો હતો. જોકે, 2010ના દાયકાની શરૂઆતમાં તેમાં થોડો ઘટાડો જરૂર થયો હતો.

ટૈલિન યુનિવર્સિટીમાં વસતીવિજ્ઞાનના પ્રોફેસર એલન પુર માને છે કે નાણાકીય પ્રોત્સાહનની હકારાત્મક અસર થઈ છે.

તેઓ 2017ના પ્રોત્સાહનનો ઉલ્લેખ કરે છે. તેને કારણે નાના સ્તરે ત્રીજી 'બેબી બૂમ' શરૂ થઈ છે, પણ વાત ત્યાં અટકતી નથી.

સસ્તી સાર્વજનિક ડે-કેર સુવિધાનો બહેતર વિસ્તાર અને એસ્ટોનિયાનું સ્થિર અર્થતંત્ર પણ જન્મદર વધારવામાં મદદગાર થયાં છે.

એલન પુર કહે છે કે "આર્થિક તક સારી હોય તો જન્મદર વધવાની શક્યતા હોય છે. જ્યારે પરિસ્થિતી સારી ન હોય તો તેનાથી ઊંધું થતું હોય છે."

બીજા શબ્દોમાં કહીએ તો નાણાકીય પ્રોત્સાહનથી જન્મદર વધેલો રાખવાનો આધાર મળે છે, પણ સામાન્ય આર્થિક બાબતો પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય છે.

પરિવાર પ્રત્યેનો દૃષ્ટિકોણ
 

webdunia

ફ્રેન્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમૉગ્રાફિક સ્ટડીઝમાં વરિષ્ઠ શોધકર્તા તરીકે કાર્યરત લોરેંટ ટોલમેન માને છે કે પરિવાર પ્રત્યેના દૃષ્ટિકોણથી પણ ફરક પડે છે.

ફ્રાન્સમાં સામાન્ય નાગરિકોને ખબર છે કે દેશ તેમના પરિવારોને પ્રેમ કરે છે અને તેમને ખાતરી હોય છે કે સરકાર તેમને નાણાકીય મદદ કરશે.

ફ્રાન્સમાં પાછલાં ચાર વર્ષમાં જન્મદરમાં મામૂલી ઘટાડો થયો છે. તેમ છતાં યુરોપિયન સંઘના દેશોમાં તેનો જન્મદર સૌથી ઊંચો છે.

બાળકોની હિતની સ્થાયી નીતિઓ અને પરિવારો પર અન્ય ઓઈસીડી દેશોની સરખામણીએ વધારે સરકારી ખર્ચ કરવા માટે ફ્રાન્સ જાણીતું છે.

ફ્રાન્સ અનેક પ્રકારની મદદ અને ભથ્થાં આપે છે, જેમાં લગભગ 950 યુરોનું જન્મ અનુદાન, માસિક સહાયતા અને અનેક પારિવારિક ભથ્થાંઓનો સમાવેશ થાય છે.

ઘણાં ભથ્થાં બાળકોની સંખ્યામાં વધારા સાથે વધી જાય છે. ફ્રાન્સના નાગરિકોના પરિવારોને આવકવેરામાં પણ છૂટછાટ મળે છે અને ડે-કૅર સેન્ટરને સરકારી સબ્સિડી આપવામાં આવે છે.

તેમ છતાં લોરેન્ટ ટોલમેન એ સ્વીકારવા તૈયાર નથી કે ફ્રાન્સમાં ઊંચા જન્મદરમાં નાણાકીય પ્રોત્સાહનનો હાથ છે.

તેઓ કહે છે કે કેટલાંક અન્ય કારણોની પણ તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોઈ શકે છે.

જેમ કે ફ્રાન્સમાં પરિવાર શરૂ કરવાની તરફેણમાં અને સંતાનહીનતા કે એક જ બાળકવાળા પરિવાર વિરુદ્ધ એક મજબૂત, હકારાત્મક ભાવના પ્રવર્તે છે.

પૈસા કેટલા ઉપયોગી?


પૈસા મદદગાર સાબિત થઈ શકે છે, પણ જન્મદરમાં સાર્થકવૃદ્ધિ, સામાજિક દૃષ્ટિકોણ, પરિવાર સમર્થક નીતિઓ અને નાણાકીય સહાયતા એક જટીલ સંયોજનનો મામલો છે.

ઇટલીમાં હાથ ધરાયેલો એક દિલચસ્પ કેસ સ્ટડી દર્શાવે છે કે આ બધાથી ફરક પડી શકે છે.

ઇટલીમાં પાછલા કેટલાય દાયકાઓથી જન્મદર નીચો છે અને તેમાં ઘટાડો થઈ રહ્યો છે.

2018માં એ પહેલીવાર ઘટીને છેક 1.3ના સ્તરે પહોંચી ગયો હતો, પરંતુ ઇટલીના જ એક પ્રાંત બોલજાનોએ આ ટ્રેન્ડને ઊલટાવી દીધો હતો.

બોલજાનો સ્વિત્ઝર્લૅન્ડ અને ઑસ્ટ્રિયાની સીમા પર આવેલું છે. ત્યાં જન્મદર 1.67 છે, જે યુરોપિયન સંઘની 1.60ની સરેરાશથી વધારે છે.

આ પ્રાંતને દક્ષિણ ટાયરોલ નામે પણ ઓળખવામાં આવે છે. બોલજાનો એક સ્વાયત પ્રાંત છે અને તેને પોતાની નીતિ બનાવવાની વધારે સ્વતંત્રતા મળી છે.

બોલજાનોની પારિવારિક નીતિઓ ઇટલી કે કોઈ અન્ય દેશની સરખામણીએ વધારે ઉદાર છે અને તેના પરિવારોને વધારે નાણાકીય સહાય મળે છે.

પ્રોત્સાહન અને સબસિડી

webdunia

બોલજાનોમાં દર મહિને લગભગ 200 યુરો પ્રોત્સાહન પેટે આપવામાં આવે છે, જે રાષ્ટ્રીય સરેરાશના બે ગણાથી પણ વધારે છે. એ ઉપરાંત ઓછી આવકવાળા લોકોને વિશેષ સબસિડી આપવામાં આવે છે.

બોલજાનો મુક્ય વિશ્વવિદ્યાલયમાં આર્થિક નીતિના પ્રોફેસર મિર્કો ટોનિન કહે છે કે પરિવારોને અનુકૂળ ચાઇલ્ડ કૅર જેવી સેવાઓના મામલામાં બોલજાનો ઇટલીના અન્ય શહેરોને ક્યાંય પાછળ છોડી દે છે.

ઇટલીમાં બીજે ક્યાંય પણ નાનાં બાળકોની દેખભાળની જવાબદારી દાદા-દાદીની હોય છે, પણ બોલજાનોમાં સ્થાનિક ચાઇલ્ડ કૅર સેન્ટર આસાનીથી શોધી શકાય છે.

મિર્કો ટોનિન કહે છે કે પરિવારોને નાણાકીય સહાય આપવાથી મદદ મળે છે, પણ બોલજાનોના ઊંચા જન્મદરનું મુખ્ય કારણ શ્રમમાં મહિલાઓની ભાગીદારી છે.
 

બોલજાનોમાં 20થી 64 વર્ષની 73 ટકા મહિલાઓ કામકાજી છે એટલે કે નોકરી કે બિઝનેસ કરે છે.

આ સંબંધે રાષ્ટ્રીય સરેરાશ 53 ટકાની છે. દેશના દક્ષિણ વિસ્તારોમાં મહિલાઓ પ્રત્યે રૂઢિવાદી વલણ આજે પણ જોવા મળે છે.

બોલજાનોમાં સરકારી ક્ષેત્ર સહિતના નોકરીદાતાઓ કામકાજના કલાકો, પાર્ટટાઇમ અને ઘરે બેઠાં કામ કરવાની સુવિધા આપતા હોય છે.

તેને કારણે મહિલાઓ માટે બાળકોનું લાલનપાલન કરવાની સાથે કામ કરવાનું આસાન બની જાય છે.

યુરોપની વસતીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, પણ અનેક ગામ અને શહેર જન્મદર વધારવાના પોતાની યોજનાઓ ચલાવી રહ્યાં છે.

આ મામલો માત્ર પૈસાનો નથી. નિષ્ણાતો અને નાગરિકો બન્નેના આંકડા દર્શાવે છે કે નાગરિકો પાસેથી બાળકો પેદા કરાવવાં એ એક જટિલ બાબત છે અને તેનું નિરાકરણ માત્ર એક ચેક આપવાથી થતું નથી.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શિરડી સાઈબાબા ફાઉન્ડેશન દ્વારા ગીતા ત્રણ ભાષાઓમાં એક સાથે ગીતા સાર ડિજિટલ મીડિયા પર રિલીઝ