સોમવારે સફેદ કે ગુલાબી વસ્ત્રો પહેરવાથી ચંદ્ર બળવાન બને છે, એમ કહેવાય તો કોઈ માને ખરું? જ્યોતિષશાસ્ત્રમાં આસ્થા ધરાવતાં લોકો માને છે કે આ વાત સાચી છે. વાર પ્રમાણે ચોક્કસ રંગનાં વસ્ત્રો પહેરવાથી તેની અસર કુંડળીમાંના ગ્રહો પર પડે છે. હિન્દુ ધર્મનાં શાસ્ત્રો મુજબ મનુષ્ય ઉપર ગ્રહોની અસર વર્તાય છે. જન્મ સમયની કુંડળીમાં જે ગ્રહ નબળો હોય તેને બળવાન બનાવવા શાસ્ત્રોમાં વિવિધ ઉપાયો જણાવાયા છે. પૂજા, હોમ-હવન, મંત્ર-જાપ, અન્નગ્રહણ, યંત્રપૂજા, નંગ પરિધાન વગેરે ઉપાયોની જેમ જ વાર મુજબ ચોક્કસ રંગનાં વસ્ત્રો પહેરવાં તે પણ એક ઉપાય છે.
જ્યોતિષશાસ્ત્રમાં સૂચવાયેલા મુખ્ય સાત ગ્રહોનો પૃથ્વી ઉપર અલગઅલગ દિવસે વત્તાઓછા ક્રમે પ્રભાવ જોવા મળે છે. જેના પરથી જ અઠવાડિયાંના સાત વારનાં નામ ઋષિ-મુનિઓ દ્વારા અપાયા છે. જેમ કે, સૂર્યના પ્રભાવવાળા દિવસને રવિવાર, ચંદ્રના પ્રભાવવાળા દિવસને સોમવાર, મંગળના પ્રભાવ વાળા દિવસને મંગળવારની જેમ અન્ય દિવસોનું પણ નામકરણ કરાયું છે.
મુખ્ય સાત ગ્રહનો પોતાનો એક રંગ છે, તે પ્રમાણે જે તે વારના સ્વામી કે અધિપતિ ગણાતા ગ્રહના રંગનાં વસ્ત્ર પરિધાન કરવાથી મનુષ્યના જીવનમાં તેની અસર જોવા મળે છે. આ માટે રવિવારે કેસરી, સોમવારે સફેદ અને ગુલાબી, મંગળવારે લાલ તથા મરૂન, બુધવારે લીલો અને પોપટી, ગુરુવારે પીળો, શુક્રવારે આસમાની, સફેદ અથવા ગ્રે અને શનિવારે કાળા કે વાદળી રંગનાં વસ્ત્રો પરિધાન કરવાનું જ્યોતિષશાસ્ત્રમાં સૂચવાયું છે. આ અંગે અમદાવાદના જ્યોતિષશાસ્ત્રી ચેતનભાઈ પટેલ કહે છે, “પ્રકૃતિ નિર્મિત દરેક ચીજવસ્તુમાં અલગઅલગ રંગો છવાયેલા છે. જેમ કે ઝાડ-પાન, ફળ-ફૂલ, જમીન, પર્વત, નદી, દરિયો અને આકાશ.
પૃથ્વી અને આકાશની વાત કરીએ તો વહેલી પરોઢથી રાત્રી દરમિયાન આકાશમાં પણ અલગઅલગ રંગો છવાયેલા હોય છે. જમીન પણ જુદાજુદા રંગની હોય છે. નદી અને દરિયાનું પાણી પણ અલગઅલગ રંગનું હોય છે. તે જ રીતે મનુષ્યના શરીરમાં પણ વિવિધ રંગો હોય છે. આમ, પ્રકૃતિ અને વિવિધ રંગોના આધારે જ્યોતિષશાસ્ત્ર કોઈ પણ વારે તેના સ્વામી ગ્રહો અને તેના કલર પ્રમાણે વસ્ત્રપરિધાન કરવાનું સૂચવે છે.”
આપણા તહેવારો, રિવાજો, લાગણીઓ, માન્યતાઓ બધું કોઈ રંગ સાથે જોડાયેલું છે. દિવાળીમાં રંગબેરંગી રંગોળી કરીએ, હોળી તો તહેવાર જ રંગોનો છે. રક્ષાબંધનની રાખડી રંગીન હોય, કંકુ, હળદર, અબીલ, ગુલાલ અને મેંદીના રૂપમાં પાંચ રંગો પૂજામાં શામેલ છે. કાળો રંગ ભય અને અશુભનો સૂચક છે, શાંતિનો રંગ સફેદ છે. વૈરાગ્યનો રંગ ભગવો, મિત્રતાનો પીળો તો પ્રેમનો રંગ લાલ. ખુશીનો રંગ ગુલાબી તો કુદરતી તત્ત્વનો રંગ લીલો. રંગોની આવી જ દુનિયામાં આપણે રહીએ છીએ. સૂર્યનાં કિરણોમાં સાત રંગો હોય છે. જેને ઋગ્વેદમાં સાત રશ્મિ તરીકે ઓળખવામાં આવી છે. આપણે તેને ટૂંકમાં જાનીવાલીપીનારા તરીકે ઓળખીએ છીએ.
રંગોનો સીધો પ્રભાવ આપણા જીવન અને કાર્યશૈલી પર પડે છે. રંગોનું સંતુલન હોય તેવા કુદરતી વાતાવરણમાં શાંતિ અનુભવાય છે, તો રાત્રીના અંધકારમાં ડર અને એકલતા અનુભવાય છે. દરેક રંગનો પોતાનો પ્રભાવ હોય અને તે વ્યક્તિના મનોભાવ, વ્યક્તિત્વ, કાર્યક્ષમતા અને લાગણીઓ પર સીધી અસર કરે છે. આથી જ ફેશન ક્ષેત્રમાં પણ રંગોનું વિજ્ઞાન સૌ પ્રથમ સમજાવાય છે.
અમદાવાદનાં ફેશન ડિઝાઈનર પાર્વતી મોદી કહે છે, “કોઈ વ્યક્તિ સામે આવે ત્યારે તેણે પહેરેલાં કપડાં અને રંગ પરથી તેના વ્યક્તિત્વનો અંદાજ લગાવીને મૂલ્યાંકન કરીએ છીએ. પહેલાં રંગોની પસંદગી પરંપરાગત હતી, હવે નવી પેઢી જૂની પેઢી કરતાં જુદી પડે છે. સિનિયર સિટિઝન્સ કાળા રંગને અપશુકનિયાળ ગણે છે, સફેદ રંગને બેસણા સિવાય ધારણ ન કરાય તેમ માને છે. સામે નવી પેઢી બ્લેકને સૌથી ટ્રેન્ડી કલર ગણે છે.
વળી બે અલગઅલગ ધર્મના લોકો એક જ રંગનો જુદાજુદા પ્રસંગે ઉપયોગ કરે છે. જેમ કે, હિંદુ ધર્મમાં સફેદ કપડાં બેસણામાં કે શોકના પ્રસંગે પહેરાય છે, તેનાથી વિરુદ્ધ ખ્રિસ્તી ધર્મમાં લગ્નમાં દુલ્હન સફેદ રંગનાં કપડાં ધારણ કરે છે. અગાઉ આપણે ત્યાં લગ્ન માટે નવવધૂ લાલ રંગના પાનેતર જ ધારણ કરતી, હવે તેમાં પણ અનેક પરિવર્તનો આવ્યાં છે.” ફેશન ડિઝાઈનર સ્થાયી નિયમોને તોડે છે. તેઓ કપડાં ડિઝાઈન કરતી વખતે વ્યક્તિત્વ, સ્ટાઈલ, ઉંમર ધ્યાનમાં રાખીને રંગની પસંદગી કરે છે.
ઈન્ટીરિયર ડિઝાઈનર મિલોની ગાંધી કહે છે, “ફેશન અને ઈન્ટીરિયર ડિઝાઈનિંગમાં કલરની પસંદગી જુદી રીતે થાય છે. કપડાં ગમે ત્યારે બદલી શકાય પણ ઈન્ટીરિયર ડિઝાઈનિંગ નહીં. અહીં સ્ટાઈલ મહત્ત્વની છે. મટીરિયલ, ડિઝાઈન, શેપ, ફ્રેમ મળીને મૉડર્ન, વિન્ટેજ, કન્ટેમ્પરરી જેવી સ્ટાઈલ બને. વિન્ટેજમાં નેચરલ શેડ્સ જ્યારે મૉડર્નમાં બ્રાઈટ કલર્સ વધુ વપરાય છે. રંગને ગરમ અને ઠંડા પ્રકારમાં વહેંચી શકાય. લિવિંગ રૂમમાં ગોલ્ડન કે પીળો, બેડરૂમમાં ગુલાબી, પર્પલ કે લાઈટ પીળો, રસોડામાં લીલો, ચેરી કે લેમન તથા બાળકોના રૂમમાં ઓરેન્જ, રોયલ બ્લૂ, પીળો, લીલો રંગ સારો લાગે.