ગુજરાતમાં કોરોનાના ભય વચ્ચે મોટાભાગના પ્રવાસ સ્થળો અને ધામિર્ક સ્થળો બંધ કરી દેવામાં આવ્યાં છે ત્યારે અમદાવાદમાં આવેલા સાબરમતી ગાંધી આશ્રમને પણ ૨૯મી માર્ચ સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી બાજુ ચાલુ વર્ષે ચૈત્રી નવરાત્રીમાં યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રાખવાનો ટ્રસ્ટીઓએ નિર્ણય કર્યો હતો. જેના પગલે માઈભક્તોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. જોકે દર્શનાર્થીઓનું સ્ક્રિનિંગ કર્યાં બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. જોકે, વડોદરા જિલ્લાના કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર ૨૦થી ૩૧ માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો અને ભક્તો વેબસાઇટના માધ્યમથી કુબેર ભંડારીના લાઇવ દર્શન કરી શકશે.
રાજ્યમાં કોરોના વાઈરસની મહામારીને કારણે દેશના પ્રખ્યાત મંદિરે સાવચેતીના પગલાં લઇને મંદિરો બંધ કર્યાં હતા. ત્યારે પાવાગઢમાં ૨૫ માર્ચથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીમાં મહાકાળી માતાજીના દર્શન મંદિરમાં લાખો ભક્તો ઊમટી પડે છે, તેમ છતાં પાવાગઢ મંદિર ખુલ્લું રાખવાનો ટ્રસ્ટે નિર્ણય લીધો હતો. જોકે આ વખતે મંદિરના દર્શન કરવા આવતા દર્શાનાર્થીઓ લાઇનમાં એક મીટરનું અંતર રાખીને ઊભા રહે તેની તકેદારી રખાશે. જ્યારે વડોદરા જિલ્લામાં કોરોના વાઈરસના પગલે કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. કુબેર પરિસરમાં ચાલતુ અન્નક્ષેત્ર અને યાત્રિકો માટેની રૂમો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના માટે જિલ્લા પ્રસાસને લોકોને સહકાર આપવા માટે વિનંતી કરી હતી