Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Veer Pasali Vrat 2024 - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ

Veer Pasali Vrat 2024 - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ
, રવિવાર, 11 ઑગસ્ટ 2024 (07:30 IST)
Veer Pasli Vrat - વીર પસલી વ્રતની કથા  - શ્રાવણ માસના પહેલા રવિવારે આ વ્રતનો પ્રારંભ થાય અને બીજા રવિવારે પુરું થાય. આજે બહેન ભાઈને ત્યાં જમે, ભાઈ-બહેનને યથાશક્તિ ભેટ આપી રાજી કરે. 
 
વ્રત કેવી રીતે કરવાનું: આ વ્રતમાં દોરાની આઠ સેરો (આઠ વડો દોરો હોય તેમાં આઠ સેરો છે તેમ કહેવાય) લઈ તેની આઠ ગાંઠ વાળવાની અને આઠ દિવસ રોજ સવાર સાંજ ધૂપ દેવાનો. ધૂપ દીધા પછી જ જમી શકાય. ભાઈ ખોબો ભરીને જે અનાજ આપે તે રાંધીને ખાવાનું. આઠ દિવસ થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો. 

વીર પસલી વ્રતની કથા,
એક ખેડૂત હતો. એને સાત છોકરા અને એક છોકરી હતાં. છોકરી પરણાવેલી ખરી પણ સાસરિયામાં વિરોધ થયેલો. એટલે કોઈ તેડવા ન આવે.

નાનો ભાઈ ભલો અને દયાળુ હતો. જ્યારે મોટા છ ભાઈ કપટી હતા. તેણે નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો.

શીલા સાંસરિયામાં કંકાસથી કંટાળી નાના ભાઈ સાથે રહેતી હતી. સાતમો ભાઈ સૌથી નાનો. થાય તેટલો પરિશ્રમ કરે, ત્યારે પેટ પૂરતું મળે. ડોસો, ડોશી, બહેન અને તેની સ્ત્રી બધાં ભેગા રહે. ખાનારાં ઝાઝા અને કમાનાર એકલો, એટલે એ નિર્ધન જ રહ્યો.
 
બહેન નાના ભાઈને મદદ્ કરવા છયે ભાઈઓના પાસે કામ માગવા ગઈ. ત્યારે અભિમાનથી તેની ભાભીઓએ કહ્યું કે નણંદબા, તમારાથી થાય તો ઢોર ચરાવવાનું કામ કરો.  બહેનને તો કામ જોઈતું હતું. આથી તેણે હા પાડી. સાંજે ભાભીઓ જે કંઈ વધેલું ઘટેલું આપે તે ઘરે લઈ જઈને વહેંચીને ખાઈ લેતી હતી. 
 
એક વખતે ઢોર ચારી રહી હતી ત્યારે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈને તેણે પૂછ્યું કે :‘બહેનો ! તમે આ શું કરો છો ?’ છોકરીઓ બોલી : ‘આજે વીરસપલી છે. વીરપસલીના દોરા લઈએ છીએ. આ વ્રત કરવાથી બારે માસ ભાઈને સુખ મળે.’

એ દોરા અમે ભાઈના જમણા હાથમાં બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું.  

બહેને વિચાર કર્યો કે, મારે સાત ભાઈઓ છે, સાત ભાઈઓમાં છ ભાઈઓ તો બોલતા જ નથી. નાનો ભાઈ નિર્ધન છે. મારું વ્રત ઉજવશે કોણ ?
 
તો યે એ દોરો લેવા બેઠી. છોડિયોએ પોતાના લુગડામાંથી આઠ તાંતણા કાઢી, ગાંઠો વાળીને દોરો આપ્યો અને કહ્યું : ‘આઠ દિવસ સુધી નાહી ધોઈ દોરાને દેવતાથી ધૂપ દેજે. દોરાને ધૂપ દીધા પછી જમજે. આઠ દિવસે દોરો ઉજવીને પીપળાને બાંધજે.’
 
બહેન તો દોરો લઈને આવી અને માતાને કહેવા લાગી : મા મા ! આજે તો મેં વીરપસલીનો દોરો લીધો છે. ચૂલામાં દેવતા ઠારશો નહીં.
 
મા કહે : ‘સારું.’ આ વાત છ ભાભીઓ જાણી ગઈ. ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું હતું. એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ. દેવતા ઠરી ગયો !
 
બહેન તો નદીએથી નાહીને આવી. દોરાને ધૂપ દેવા દેવતા લેવા ગઈ. ત્યાં જુએ છે, તો ચૂલામાં પાણી જ પાણી ! એને થયું કે અવશ્ય આ ભાભીઓના જ કામ છે.
 
એ પછી તો એ હંમેશા સીમમાં દેવતા લઈને જવા લાગી. સીમમાં જઈને એ દોરાને ધૂપ દે અને ગાયમાતાને વાત સંભળાવે, એમ કરતાં કરતાં આઠ દિવસ પૂરા થયા.
 
આજે વીરપસલીનું ઉજવણું કરવું હતું, એટલે તેણે માને કહ્યું : ‘મા ! આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે. ભાઈ જે આપશે તે જ જમીશ.’
 
એ તો ભાઈઓને ત્યાં ગઈ અને પૂછ્યું :‘ભાભી ! ભાભી ! મારા ભાઈ ઘરે છે ને ?’
 
ભાભી છણકામાં બોલી : ‘તારા ભાઈને તું જાણે, હું શું જાણું !’ બહેન તો ત્યાંથી ચાલી નીકળી. બીજા ભાઈને ઘરે ગઈ. ત્રીજાભાઈને ઘરે ગઈ. એમ છ ભાઈઓના બારણે જઈને પાછી ફરી.
 
છેવટે એ નાનાભાઈને ત્યાં આવી ને ડૂસકું ભરતાં પૂછ્યું : ‘ભાભી ! મારા ભાઈ ક્યાં છે ?’ નાની ભાભીએ નણંદબાને બાથમાં લીધા.
 
માથે હાથ ફેરવીને કહ્યું : ‘બહેન ! હું જાણતી હતી કે મોટેરાં તો બોલશે પણ નહિ.’
 
એણે બહેનને કહ્યું : ‘તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે. માંડ પાદરે પહોંચ્યાં હશે. બહેન ત્યાંથી દોડવા લાગી. પાદરે જઈને જુએ તો ભાઈ તો ઘણાં છેટે દેખાય.
 
એણે સાદ દીધો : ‘ભાઈ ભાઈ !…. વીરપસલી !’ ભાઈ તો ખેતર પાસે પહોંચેલો, બહેનનો સાદ સાંભળીને ઊભો રહ્યો.
 
બહેનની વાત સાંભળીને ભાઈ બોલ્યો : ‘અરેરે ! બહેન, હું તો તને શું આપું ? મારી પાસે છે શું ?’ ‘ભાઈ ! તમે જે આપશો તે હું સવાલાખનું ગણીને લઈશ.’ બહેન બોલી.
 
ભાઈએ તો બહેનને બી માટે લીધેલા સવાશેર કોદરા આપ્યા. એક માટીનું ઢેફું આપ્યું અને પછેડીથી છોડીને એક પૈસો આપ્યો.
 
બહેને કોદરાને ઘઉં માનીને લીધા. ઢેફાને ગોળ માનીને લીધું.
 
પૈસાને સોનાનાણું માનીને લીધો !
 
એ તો રાજી થતી ઘર ભણી નીકળી, ઘરે આવીને જુએ તો એનો વર તેડવા આવેલો. કોઈ દા’ડે નહિ ને આજે તેડવાનું ક્યાંથી સૂઝ્યું ? એને તો વ્રત ફળ્યું.
 
જમાઈ બોલ્યો : ‘હું તો તેડવા આવ્યો છું. આજને આજ મોકલો. હું તેડીને જ જઈશ.’ સાસુ કહે : ‘એવી ઉતાવળ શી છે ? ઘણા દા’ડે આવ્યા છો તો આજનો દા’ડો રહી જાવ. કાલે જજો !’
 
જમાઈએ હઠ પકડી : ‘ના, હું તો આજે જ તેડીને જઈશ.’ સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી.
 
ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે ! છયે ભાભીઓને ટીંખળ કરવાનું મન થયું. એમણે ચીંથરા, સાવરણી, જુની ઈંઢોણી અને કપડાંના ડૂચાનું પોટલું વાળીને નણંદને માથે ચઢાવ્યું.
 
ડોશી દીકરીને જમાઈ સાથે વળાવી ઘરે આવી, ત્યારે ડોશીને થયું કે, દેવતા વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી દેશે ? દોરાને ધૂપ નહિ દેવાય તો દીકરી ભૂખી ને તરસી રહેશે.
 
એ તો હાથમાં દેવતા લઈને દોડતી ગયી અને સાદ દેવા લાગી : ‘દીકરી ! દીકરી !…. દેવતા લેતી જા !’
 
વર કહે : ‘તારાં મા કંઈ નહિ ને દેવતા આપવા કેમ આવ્યા ?’
 
વહુ કહે : ‘રૂડા પ્રતાપ એ દેવતાના કે, તમે નહોતા તેડતા તે મને તેડી. આજે મારા વ્રતનું ઊજવણું છે.’
 
એમ કહી વરને વાવને ટોડલે બેસાડી, વહુ નહાવા ઉતરી. નાહીને ભીને કપડે બહાર આવી અને વરને કહ્યું : ‘પેલા પોટલામાંથી લુગડું નાખો ને ?’
 
વરે પોટલું છોડ્યું અને કહ્યું : ‘કયું ચીર આપું ?’
 
વહુને થયું : ‘કેવા મારી ઠેકડી કરે છે !’
 
એ બોલી : ‘અમારે નિર્ધનને હીર ને ચીર ક્યાંથી હોય ? વરે લુગડું નાખ્યું. વહુ લુગડું જુએ છે. તો કસબી કોરનુ રૂપાળું અમ્બર ! ખરેખર ! પોટલામાં જાતજાતની મોંઘા મૂલની સાડીઓ થઈ ગઈ ?
 
એણે તો બહાર આવી હરખમાં ને હરખમાં દોરાને ધૂપ દીધો. એના મનમાં થયું કે, પૈસો આપું તો એ પાસેના ગામમાંથી સીધું લઈ આવે.
 
છેડેથી પૈસો છોડીને જુએ છે, તો સોનાનું નાણું !
 
ઢેફું જુએ છે તો ગોળ થઈ ગયો !
 
કોદરા જુએ છે તો ઘઉં થઈ ગયા ! એના આશ્ચર્યનો પાર રહ્યો નહિ.
 
એણે સોનાનાણું આપી પોતાના સ્વામીને સીધું લેવા મોકલ્યો. ત્યાં તો વાવની પાસે મોટી હવેલી થઈ ગઈ ! સીધું લઈને વર આવ્યો.
 
વહુને સાતમા માળના ઝરૂખામાં બેઠેલી જોઈ તેને નવાઈ લાગી. વર તો ધીમે ધીમે મેડીએ ચડ્યો.
 
બંને જણે પેટ ભરીને વાતો કરી. વહુએ રસોઈ કરવા માંડી પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું !
 
તેણે ધરતીમાતાને પ્રાર્થના કરી : હે ધરતીમાતા ! એકલા સોનાને હું શું કરું ? થોડી ભોંય ઉઘાડી આપો !’
 
ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘાડી થઈ ગઈ ! વહુએ રસોઈ કરી, બંને જણા જમવા બેઠાં, જમી પરવારીને વાતે વળ્યાં અને ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો.
 
એમને તો ખેતીવાડી, વણજ વેપાર ચાલવા માંડ્યાં. થોડા વર્ષો વીતાવ્યા ને વહુના પિયરમાં દુકાળ પડ્યો. છયે ભાઈ ભિખારી થઈ ગયા !
 
ડોસો, ડોશી સાત દીકરા અને સાત વહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળ્યાં !
 
બધાં ચાલતાં ચાલતાં દીકરીની હવેલીએ આવ્યાં. મોટી હવેલી જોઈને કામનું પૂછવા લાગ્યાં. સાતમે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા-બાપને ઓળખ્યાં અને તેમને પોતાને ત્યાં રાખ્યા.
 
છ ભાઈઓ અને છ ભાભીઓને વૈતરાનું કામ સોંપ્યું. તગારાં, કોદાળી ને ઈંઢોણી આપ્યાં. નાના ભાઈને અને નાની ભાભીને કશું કામ કરવાનું નહિ અને બે વાર જમવાનું.
 
ડોસો-ડોશી છોકરાં રાખે ને પ્રભુ ભજન કરે. એક દિવસ બધાં સાથે જમવા બેઠાં. બહેને છયે ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા, છયે ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા અને નાનાભાઈને લાપશી પીરસી !
 
છયે ભાઈઓ અને ભાભીઓ જુએ છે. તો બહેનને દીઠાં અને તેમની આંખો ઉઘડી ગઈ. પોતાની બહેનને દુઃખ દેવા માટે બધાં પસ્તાવો કરવા લાગ્યાં.
 
એમની આંખોમાં પાણી વહેવા લાગ્યું. બહેનને દયા આવી, બધા ભાઈઓને એક એક ઘર આપ્યું અને ભાભીઓને પણ જે જોઈએ તે આપ્યું. બધાં આનંદમાં રહેવા લાગ્યાં.
 
‘જેવું બહેનને વીરપસલીનું વ્રત ફળ્યું’ એવું અમને ફળજો.

Edited By- Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Independence Day Slogans: 10 દેશભક્તિના નારા જેણે આપણા દિલમાં આઝાદીની આગ લગાવી