મુંબઈના જુસ્સાને બોલીવુડની સલામ
, મંગળવાર, 24 નવેમ્બર 2009 (15:46 IST)
મુંબઈ પર થયેલ 26/11ના આતંકી હુમલાથી બોલીવુડ પણ હેબતાઈ ગયુ છે. લોકોના દુ:ખને બોલીવુડના લોકોએ નજીકથી અનુભવ્યુ અને હંમેશા તે લોકોની મદદ માટે તત્પર જોવા મળ્યા. હુમલાને એક વર્ષ પુરૂ થવા આવી રહ્યુ છે અને મુંબઈના લોકો દ્વારા બતાવવામાં આવેલ જોશને સલામ કરવા માટે એક ગીત તૈયાર કરવામાં આવ્યુ છે. આ ગીતમાં ઘણા ગાયકોની સાથે અમિતાભ બચ્ચને પોતાનો અવાજ આપ્યો છે. સાથે જ ગીત દ્વારા હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. બિગ બી ને જ્યારે ગાવાનો પ્રસ્તાવ મળ્યો ત્યારે તેઓ તરત જ તૈયાર થઈ ગયા. બિગ બી મુંબઈને ખૂબ જ પ્રેમ કરે છે અને તેઓનુ માનવુ છે કે જ્યારે કે સંકટ આવે છે ત્યારે મુંબઈના લોકો એક થઈને તેનો સામનો કરે છે. '
સાઉંડ ઓફ પીસ' નામના આ આલબમનુ સંગીત આદેશ શ્રીવાસ્તવે તૈયાર કર્યુ છે. આદેશના મુજબ ગીત દ્વારા વૈશ્વિક આતંકવાદ પર ટિપ્પણી કરવામાં આવે છે. અમિતાભ ઉપરાંત સોનૂ નિગમ, હરિહર, કૈલાશ ખેર, સુરેશ વાડકર, જગજીત સિંહ, સુનિધિ ચૌહાણ, શંકર મહાદેવન, રશીદ ખાન, અલકા યાજ્ઞનિક, સહિત કેટલાય ગાયકોએ પોતાનો અવાજ આપ્યો છે. આ ગીતનો એક વીડિયો બનાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે, જેમા મુંબઈમાં 26/11નો હુમલો, અમેરિકામાં 9/11નો હુમલો અને લંડનમાં થયેલ વિસ્ફોટની ક્લિપિંગ્સ બતાવવામાં આવશે.