અમદાવાદની ટ્રાફિક સમસ્યા અને પોલીસ દાદાઓના હપ્તા, આનાથી કોણ અજાણ હશે ? પરંતુ સૌ કોઇને ક્યાંકને ક્યાંક પહોંચવાની ઉતાવળ છે ? નિયમભંગ માટે કોઇ દાદા રોકે તો ચા-પાણી આપી મોટા ભાગના ચાલતી પકડે છે. જોકે એક અમદાવાદી એવો પણ છે કે જેનામાં બાપુના આદર્શ આજે પણ જીવી રહ્યા છે. શહેર સહિત સમગ્ર રાજ્યમાં પેદા થયેલી ટ્રાફિક સમસ્યા સામે તે અનોખી ગાંધીગીરી કાંતી રહ્યા છે. ગાંધી આશ્રમની નજીક ઠંડા પીણાની દુકાન ધરાવતા અને દેખાવમાં સામાન્ય લાગતા હેમંતભાઇ ચૌહાણના આદર્શો ઘણા ઉંચા છે. તેમના રોમે રોમમાં તથા કાર્યોમાં આજે પણ બાપુ ઝળકી રહ્યા છે. શહેરમાં ઠેર ઠેર જોવા મળતી ટ્રાફિક સમસ્યાથી તેમનું હ્દ્રય દ્રવી ઉઠતાં આમ જનતાના હિતાર્થે તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી અહિંસક લડત ચલાવી અનોખી ગાંધીગીરી કરી રહ્યા છે. ટ્રાફિક મામલે પોલીસ દાદાઓ દ્વારા કરાતી કનડગત બંધ કરવા તથા નિયમો સરળ કરવા તેમજ સમાન નિયમો માટે તેઓ વારે તહેવારે જાહેર સ્થળોએ બેસી રેટીયા ઉપર ગાંધીગીરી કરી ટ્રાફિકને કાંતી રહ્યા છે. ટ્રાફિક મામલે તેમણે હાઇકોર્ટમાં સુઓમોટો રીટ પણ દાખલ કરાવી હતી. આ અંગે વિગતો આપતાં તેઓ જણાવે છે કે,આપણી ટ્રાફિક પ્રણાલીમાં કેટલાય છીંડા છે. જેમાં બિચારા નિર્દોષ વાહન ચાલકો વારંવાર ડંડાય છે. ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને કનડગત કરવામાં આવે છે. આ સમસ્યાઓના ઉકેલ માટે આ પ્રયાસ કર્યો છે અને ન્યાય માટે ઘા નાંખી છે.
હેમંતભાઇના વેધક સવાલો....
# હાઇકોર્ટમાં ચાલતી સુઓ મોટો રીટમાં ટ્રાફિક સત્તાવાળાઓ આઠ માસ થવા છતાં જવાબ શા માટે રજુ કરતા નથી?
# ટ્રાફિક પોલીસની કનડગત દુર કરો.
# હેલ્મેટના કાયદાનો અમલ કરાવવાની નૈતિકતા ટ્રાફિક પોલીસે ગુમાવી દીધી છે.
# સુરક્ષા સાથે ચેડા કરતી આને હેલ્મેટ કહેવી કે શાકભાજીની ટોપલી?
# આઇ.એસ.આઇ માર્કાની હેલ્મેટનો જ ઉપયોગ કરાવવો
# સમગ્ર રાજ્યમાં હેલ્મેટનો કાયદો અમલી છે ખરો?
# શહેર ટ્રાફિક વિભાગ પાસે ખાનગી ક્રેઇનો કોની છે ? 50 ટકાની ભાગીદારીનો આ ધંધો બંધ કરો.
# શટલ જીપો, મોટા ગ્રુપોની ઓટો રીક્ષાના હપ્તા કોણ ઉઘરાવે છે?
# પાથરણાવાળા, લારીઓ, લીંબુ સોડાની ઓટો રીક્ષાઓ સહિતના હપ્તા કોણ ઉઘરાવે છે?