દુનિયાના ધર્મમાં ઉપવાસ (રોઝા) પ્રચલિત છે. જેમ કે સનાતન ધર્મમાં નવરાત્રિના ઉપવાસ, જૈન ધર્મમાં પર્યુષણમાં ઉપવાસ, ખ્રિસ્તીઓનો ફાસ્ટિંગ ફેસ્ટીવલ જેને ફાસ્ટિંગ ડેઝ કાં તો હૉલી ફાસ્ટિંગ કહેવાય છે. તેવી જ રીતે ઈસ્લામ ધર્મમાં રોઝા (સુરજ નિકળે તે પહેલા અને સુર્ય અસ્થ થતા સુધી કંઈ પણ ખાવું પીવું નહિ એટલે કે નિર્જળ-નિરાહાર રહેવું) ખુબ જ મહત્વ ધરાવે છે.
ઈસ્લામ ધર્મમાં રોઝા, ધર્મનો સ્તંભ પણ છે અને આત્માની શાંતિ પણ. રોઝા રાખવા દરેક મુસલમાનનો ફર્જ છે. પવિત્ર કુરઆન (અલ બક્રરહ : 184) માં અલ્લાહનો ઈરશાદ (આદેશ) છે : ' વ અન તસુમુ ખયરૂલ્લકુમ ઈન કુંતુમ તઅલમૂન' એટલે કે, વધારે રોઝા તમારા માટે રાખવા સારા છે જો તમે જાણો. અલ્લાહના આ કૌલ (વાક્ય) માં જે વાત સ્પષ્ટ રીતે જણાઈ આવે છે તે છે રોઝા ભલાઈનો ટપાલી છે.
અરબી ભાષાનું સૌમ કે સ્યામ લફ્જ જ હકીકતમાં રોઝા છે. સૌમ કે સ્યામનો સંસ્કૃત અને હિન્દીમાં અર્થ થાય છે 'સંયમ'. આ રીતે રોઝાનો અર્થ થયો સૌમ કે સ્યામ એટલે 'સંયમ'. એટલે કે રોઝા સંયમ અને ધીરજ શીખવાડે છે. પહેલો રોઝો ઈમાનની પહેલ છે.
સવારે સહેરી કરીને દિવસ દરમિયાન કંઈ પણ ન ખાવું પીવું અને સુતા રહેવું અને સાંજે ઈફ્તાર કરવાનું નામ રોઝા નથી. એટલે કે રોઝા માત્ર ભુખ-તરસ પર સંયમનું નામ નથી. પરંતુ દરેક પ્રકારની બુરાઈ પર નિયંત્રણનું નામ છે. સેહરીથી રોજાની શરૂઆત થાય છે. નીયતથી પુખ્તા થાય છે. ઈફ્તારથી પુર્ણ (મુકમ્મલ) થાય છે.
રોઝા જાતે જ રાખવા પડે છે. જો આવુ ન થતું હોત તો અમીર અને ધનવાન લોકો ધન ખર્ચ કરીને કોઈ ગરીબ પાસે રોઝા રખાવી લેતાં. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી રોઝા સ્વાસ્થ્ય માટે સારા છે. મઝહબી નજરથી રોઝા રૂહની સફાઈ છે. રૂહાની નજરથી રોઝા ઈમાનની ઉંડાઈ છે. સામાજીક નજરથી રોજા માણસની અચ્છાઈ છે.