rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સત્તાધીશોની આંખ ઉઘાડવા લોકોએ રસ્‍તાની અંતિમયાત્રા કાઢી

વડોદરાના ન્યુ સમા રોડ
વડોદરાના ન્‍યુ સમા રોડ પર આવેલી આઠ સોસાયટીના લોકોએ ગઈ કાલે મહાવીર જયંતીની રજાના દિવસે વિરોધ પ્રદર્શિત કરવા એક સ્‍મશાનયાત્રા કાઢી હતી. આ સ્‍મશાનયાત્રા કોઈ માણસની નહીં પણ રસ્‍તાની હતી. કોઈ રોડની સ્‍મશાનયાત્રા નીકળી હોય એવું દેશમાં કદાચ પહેલી વખત બન્‍યું હતું.

બન્‍યું એવું કે ન્‍યુ સમા રોડની હાલત એટલી ખરાબ છે કે રસ્‍તા પર ડામરનું નામોનિશાન નથી દેખાતું. માત્ર ધૂળ અને માટીને કારણે આ રસ્‍તો કોઈ ગામડાની સડક જેવો લાગે છે. આ રસ્‍તાને કારણે અહીં આવેલી આઠેઆઠ સોસાયટીના લોકોને અસ્‍થમા, એલર્જી જેવી બીમારી પણ લાગુ પડી ગઈ છે. રસ્‍તાનું સમારકામ કરવા માટે સોસાયટીના લોકોએ અનેક વખત રજૂઆત કરી, પણ કોર્પોરેશને રસ્‍તા રિપેરિંગનું કોઈ કામ કર્યું નહીં. ન્‍યુ સમા રોડની તમામ સોસાયટીના લોકોએ મરી ગયેલા રસ્‍તાની ગઈ કાલે અંતિમયાત્રા કાઢી. ઢોલ-નગારાં અને બેનર સાથે નીકળેલી આ અંતિમયાત્રામાં સતત રામધૂન બોલાતી હતી.

રાહદારીઓ દ્વારા કાઢવામાં આવેલી અંતિમયાત્રાને છેક મ્‍યુનિસિપલ કોર્પોરેશન સુધી લઈ જવામાં આવી અને એ પછી કોર્પોરેશનના કેમ્‍પસમાં રસ્‍તાના અંતિમ સંસ્‍કાર પણ કરવામાં આવ્‍યા. સોસાયટીના લોકોએ અધિકારીઓને ધમકી પણ આપી છે કે જો આવતા એક વીકમાં રસ્‍તાનું કામ શરૂ નહીં થાય તો હવે તે લોકો રસ્‍તા પરની ધૂળ અને માટી ભરીને આટલી જ ધામધૂમ સાથે અધિકારીઓના ઘરમાં ઠાલવી જશે.

Share this Story:

Follow Webdunia gujarati