ગુજરાતમાં રાજયસભાની ચૂંટણીમાં ત્રણ સીટ જીત્યા બાદ હવે ભાજપ દ્વારા આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની પેટાચૂંટણીઓમાં જંગી જીત મેળવવા માટે કમર કસવાનું શરૂ કરી દીધું છે. ભાજપની સાથે સાથે કોંગ્રેસે પણ તૈયારીઓ આરંભી દીધી છે.
કમલમ્ ખાતે ભાજપની આઈટી સેલની એક મીટિંગ મળી હતી. જેમાં પેટા ચૂંટણી મુદ્દે સોશિયલ મીડિયામાં પ્રચાર સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજ્યમાં હાલમાં કોરોના વાયરસ બેકાબૂ બની રહ્યો છે ત્યારે પ્રચાર મુખ્યત્વે સોશિયલ મીડિયામાં થાય તેવી પહેલ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ દ્વારા આગામી ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા પર પ્રચાર અને વિપક્ષને ઘેરવાના મુદ્દા પર ગુરુવારે યોજાયેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.પ્રચાર અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વધુ લોકોને કનેક્ટ કરવા પર પણ આ બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો. કોરોના અને વરસાદના સમયમાં વધુ લોકો સોશિયલ મીડિયા સાથે પ્રચારમાં જોડાય તે માટે કેમ્પઈન શરૂ કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા. વળી મુખ્યમંત્રી ના મને ખબર નથી ના નિવેદન ટ્રેન્ડ થવા સામે આક્રમક રીતે જવાબ આપવા પણ સૂચના અપાઈ છે. ત્યારે આગામી પેટા ચૂંટણીમાં ભાજપને સોશિયલ મીડિયા કેટલું મદદરૂપ થશે તે જોવું રહ્યું.