અબડાસામાં શનિવારે સવા સાત ઈંચ બાદ આખી રાત મુશળધાર વરસાદથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ સહિત 24 કલાકમાં 13 ઈંચ પાણી વરસી જતાં સર્વત્ર જળબંબાકાર થઈ ગયો હતો. આ પંથકના ત્રણ ગામમંથી 200 લોકોનું અન્યત્ર સ્થળાંતર કરાયું હતું. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓેને ઘમરોળ્યા બાદ મેઘરાજાએ આજે દિવસ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં વિરામ લીધો હતો. રાજ્યના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાંથી ૨૦૦૪ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જ્યારે ઊારે વરસાદથી કુલ ૯ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. આ અંગે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર છેલ્લા ૭૨ કલાક દરમિયાન દહેગામ તાલુકાના પાલુન્દ્રા, દાંતિવાડાના ગુંદરી, મેઘરજના સિસોદરા, લોધિકાના જેતાકૂવા, સાયલાના ધમરાસણ, ઉનાના કોલવાણ, ખંભાળિયાના લાપડરા, જામનગરના કોજા અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક-એક વ્યક્તિએ ભારે વરસાદને કારણે જીવ ગુમાવ્યા છે. એનડીઆરએફ ટીમ અને આર્મી સંકટમોચક બનતાં આ મૃતાંક વધતા અટક્યો છે. તેમના દ્વારા ૧૪ જુલાઇના ૧૫૭૦ અને ૧૫ જુલાઇના ૫૩૪ એમ કુલ ૨૦૦૪ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ૪૦૫ વ્યક્તિઓને રેસ્ક્યુ ઓપરેશન દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.
રવિવારે જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ૨૦ વ્યક્તિઓને રેસ્ક્યુ ઓપરેશન ઓપરેશન કરીને બચાવી લેવામાં આવી હતી. આ ૪૦૫ વ્યક્તિઓમાં સુરેન્દ્રનગર જિલ્લાની ૯ વ્યક્તિઓને એનડીઆરએફ દ્વારા એર લિફ્ટથી બચાવી લેવામાં આવેલી તે વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પાણી પુરવઠા મંત્રી બાબુભાઇ બોખરીયાએ રવિવારે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાઇ લઇને રાજ્યના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, ૧૯૮૭થી ૨૦૧૬ એમ ૩૦ વર્ષ દરમિયાન રાજ્યમાં ચોમાસા દરમિયાન વરસાદની સરેરાશ ૩૧.૮૮ ઈંચ છે અને જ્યારે આ વર્ષે ૧૬ જુલાઇ સુધી ૧૧.૯૨ ઈંચ વરસાદ પડયો છે. ગત વર્ષે ૧૬ જુલાઇ સુધીમાં માત્ર ૨૧.૨૦ ટકા વરસાદ નોંધાયો હતો.