Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PM મોદી તા.૨૯મીએ સુરત ખાતે વિજ્ઞાન, કળા અને નવીનીકરણને પ્રોત્સાહન આપતા ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્દઘાટન કરશે

modi
, સોમવાર, 26 સપ્ટેમ્બર 2022 (11:09 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રના વિકાસ પર ભાર મૂકી રહી છે. રાજ્યના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન ક્ષેત્રે રસ અને રૂચિ વધે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં એક ડગલું આગળ વધતાં સુરત ખાતે એક નવીન મ્યુઝિયમનું ઉદ્દઘાટન થવા જઈ રહ્યું. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તા.૨૯ સપ્ટે.ના રોજ સુરત ખાતે ‘ખોજ મ્યુઝિયમ’નું લોકાર્પણ કરશે અને જાહેર જનતાને વિજ્ઞાન ક્ષેત્રે આ નવું નજરાણું સમર્પિત કરશે. સુરત મહાનગરપાલિકાના નેતૃત્વ હેઠળ અને ગુજરાત સીએસઆર ઑથોરિટી (GCSRA)ના સંયુક્ત ઉપક્રમે તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ના CSR સમર્થનથી સુરતના સિટીલાઇટ રોડ સ્થિત સાયન્સ સેન્ટર સંકુલ ખાતે ‘ખોજ- વિજ્ઞાન+કળા+નવીનીકરણ મ્યુઝિયમ’ વિકસાવવામાં આવ્યું છે.
 
ખાસ કરીને બાળકો માટે બનાવવામાં આવેલું આ મ્યુઝિયમ ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે, વિવિધ અન્વેષણ આધારિત પ્રવૃત્તિઓ અને જિજ્ઞાસા આધારિત સંશોધનો દ્વારા વિજ્ઞાન, કળા અને નવીનતાને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મોટાભાગના મ્યુઝિયમમાં એવા બોર્ડ વાંચવા મળે છે કે, ‘મહેરબાની કરીને અડકશો નહીં’, પરંતુ તેનાથી વિરુદ્ધ આ મ્યુઝિયમમાં મુલાકાતીઓને વિવિધ પ્રદર્શનો અને કોન્સેપ્ટ્સમાં ભાગ લેવા, વાર્તાલાપ કરવા, રમવા અને સંશોધનો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
 
બે ગેલેરીઓ, કાર્યશાળા અને હોલ ઑફ ફેમ બનશે આકર્ષણના મુખ્ય કેન્દ્રો સુરતમાં વિકસિત આ ‘ખોજ મ્યુઝિયમ’માં મુખ્યત્વે બે ગેલેરીઓ, એક કાર્યશાળા અને એક ‘હોલ ઑફ ફેમ’ વિકસિત કરવામાં આવ્યા છે. મ્યુઝિયમના ભોંયતળિયે વાયરોસ્ફિયર ગેલેરી પ્રદર્શિત કરવામાં આવી છે. આ ગેલેરી વાયરસ એટલે કે વિષાણુઓ અને તેમના જીવનના વિવિધ પાસાઓનો અનુભવ આપે છે. 
 
જેમાં વિષાણુનો પરિચય, તેનો ઇતિહાસ, સૂક્ષ્મ જીવોનું વિશ્વ, વિષાણુનો ફેલાવો, કોરોના વાયરસ અને મહામારી દરમિયાન થયેલા સંશોધન-નવીનીકરણનો સમાવેશ થાય છે. મ્યુઝિયમના આ ભાગમાં વિદ્યાર્થીઓને વિષાણુના વિવિધ પાસાઓને સમજવા માટે કેટલીક પ્રવૃત્તિઓ, પ્રયોગો અને અન્વેષણો કરશે. આ તમામ પ્રવૃત્તિઓ માટે દ્રશ્ય-શ્રાવ્ય સાધનો અને માહિતીદર્શક પેનલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
 
મ્યુઝિયમના પ્રથમ માળ પર એક કાર્યશાળા ડેવલપ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને કલાકાર, વૈજ્ઞાનિક, તકનીકી પ્રેમી, કારીગર, સસ્ટેનેબલ વિકાસનો સૈનિક, સંગીતકાર વગેરે બનવા માટે પ્રેરણા આપવાનું કામ કરશે. આ ઉપરાંત, અહીંયા ‘હોલ ઑફ ફેમ’નો આઇડિયા પણ વિકસિત કરવામાં આવ્યો છે, જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને પ્રદર્શિત કરી મ્યુઝિયમને લોકોનું મ્યુઝિયમ બનાવવામાં આવશે. 
 
‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ’ થીમ આધારિત પ્રદર્શન
હાલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ વિશે નીતિવિષયક મંચ પર ચર્ચા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક બદલાવ ત્યારે જ આવી શકે છે, જ્યારે તેને શિક્ષણ પદ્ધતિમાં અને સમાજમાં વણી લેવામાં આવે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ મ્યુઝિયમમાં ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ’ થીમ પર આધારિત એક પ્રદર્શન ઉભું કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન મુખ્યત્વે પર્યાવરણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, વાતાવરણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પ્રદૂષણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તેમજ ઊર્જા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા મુખ્ય વિષયો પર આધારિત છે. ખોજ મ્યુઝિયમ ખાતે પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ અને સમાજને લાભદાયી બને તેવી પ્રવૃત્તિઓનું સતત આયોજન થતું રહે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કુલ્લુ રોડ અકસ્માતમાં 7ના મોત, 10 ઘાયલ: ટેમ્પો ટ્રાવેલર બેકાબૂ રીતે ખાડામાં પડી; IIT BHU ના ચાર વિદ્યાર્થીઓ રાઈડમાં સામેલ હતા