વડાપ્રધાન મોદી તેમની માતા હીરાબાના 100મા જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરના રાયસણ સ્થિત ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. સવારે 6.30 વાગ્યે PM મોદી માતા હીરાબાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે અડધો કલાકથી વધારે સમય પોતાની માતા સાથે ગાળ્યો હતો. PM મોદી પોતાની માતા માટે ખાસ ભેટ લઈને પહોંચ્યા હતા. તેમણે માતા હીરાબાને લાડુ ખવડાવી જન્મદિવસની શુભકામના પાઠવી હતી.
આ ઉપરાંત પોતાની માતાનાં ચરણ ધોઈને આશીર્વાદ લીધા હતા. મોદી પોતાની માતા માટે ખાસ ભેટ તરીકે શાલ લઈને પહોંચ્યા હતા, જે તેમને અર્પણ કરી હતી. માતા હીરાબાનાં ચરણ ધોઈ પીએમ મોદીએ એ પાણીને પોતાના માથે ચડાવ્યું હતું. માતાને ગુલાબનો હાર પણ પહેરાવ્યો હતો.વડાપ્રધાનના આગમનને લઈને ગાંધીનગરમાં રાયસણ ખાતે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત રાયસણ ગામ તરફ નિવાસસ્થાનના રૂટ પર પણ પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આ માટે જગન્નાથ મંદિરમાં આજે સવારથી ભંડારાની તૈયારીઓ કરવામાં આવશે. મંદિરમાં મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતો અને હીરાબાનાં પરિવારજનો માટે ભંડારો યોજવામાં આવશે, જેમાં દાળ, ભાત, પૂરી, માલપુઆવા પીરસવામાં આવશે.મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે PM મોદીનાં માતા હીરાબા શતાયુ વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. પરિવારને ભગવાન જગન્નાથ પ્રત્યે આસ્થા તેમજ શ્રદ્ધા જોડાયેલી છે, જેથી તેમના ઉપલક્ષમાં પૂજા, અર્ચન, દર્શન અને પ્રસાદનું આયોજન છે, જેમાં તેમનાં પરિવારજનો અને તેમના આમંત્રિતો પધારશે.
modi with mothere heeraba