રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરોને હવે મિનિમમ ભાડું રૂ. ૩ વધુ ચુકવવું પડશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા રિક્ષાના ભાડમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ રિક્ષાનું મિનિમમ ભાડુ રૂ. ૧૨ હતું તેમાં રૂ. ૩નો વધારો કરી રૂ. ૧૫ મિનિમમ ભાડુ નક્કી કરાયું છે. ઉપરાંત ત્યાર પછીના પ્રતિ કિ.મી. દીઠ રૂ. ૮ ભાડુ વસુલવામાં આવતું હતું તેમાં પણ વધારો કરી રૂ. ૧૦ નક્કી કરાયું છે. આમ, હવે રિક્ષાના ભાડમાં વધારો થતાં અમદાવાદના મુસાફરોને ફટકો પડશે. રિક્ષાના ભાડા ૨૦૧૪માં બદલાયા હતા, ત્યાર બાદ ચાર વર્ષે ફરી તેમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઓટોરિક્ષાના ભાડાને લઈને છેલ્લા કેટલાક સમયથી એસો.ના પ્રમુખ રાજ શિરકે દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી. જોકે રજૂઆતો પછી પણ ભાડામાં કોઈ જ ફેરફાર ન થતાં તેમણે આત્મવિલોપનની ચિમકી આપી હતી અને ત્યાર બાદ વાહન વ્યવહાર વિભાગ દ્વારા તેમની સાથે મંત્રણા કરી ટૂંક સમયમાં ભાડામાં ફેરફાર કરવાની ખાતરી આપી હતી. જેના પગલે વાહનવ્યહાર વિભાગ દ્વારા ઓટોરિક્ષા ભાડામાં ફેરફાર કરતું જાહેરનામું બહાર પાડ્યું છે. રાજ્યમાં મ્યુનિ. કોર્પોરેશનની હદમાં ચાલતી રિક્ષા માટે અગાઉ ૧.૨ કિ.મી. માટે મિનિમમ ભાડુ રૂ. ૧૨ નક્કી કરાયું હતું. જેમાં હવે રૂ.૩નો વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે ૧.૨ કિ.મી. માટે મિનિમમ ભાડુ રૂ. ૧૫ રહેશે. ઉપરાંત પ્રથમ ૧.૨ કિ.મી. પછી દરેક કિ.મી. દીઠ રૂ. ૮ ભાડુ વસુલ કરવામાં આવતું હતું તેમાં ફેરફાર કરીને રૂ. ૧૦ નક્કી કરાયું છે. આમ, રિક્ષાના મિનિમમ ભાડા અને ત્યાર પછીના કિ.મી. દીઠ ભાડામાં વધારો કરવામાં આવતા મુસાફરોને ફટકો પડશે. છેલ્લા ચાર વર્ષથી રિક્ષાના ભાડામાં કોઈ જ ફેરફાર થયો ન હોઈ રિક્ષા ચાલકો અકળાયા હતા. એક બાજુ સીએનજીના ભાવો સતત વધી રહ્યા હોઈ તેની સામે ચાર વર્ષથી ભાડામાં વધારો કરાયો ન હોવાથી રિક્ષા ચાલકો નારાજ હતા અને તેઓ આ મુદ્દે છેલ્લા કેટલાય સમયથી સરકારને રજૂઆતો કરી રહ્યા હતા. પરંતુ તેનું નિરાકરણ આવ્યું ન હતું. જોકે, અંતે વાહન વ્યવહાર વિભાગે રિક્ષાના ભાડામાં ફેરફાર મંજુર કર્યો છે.