પાસના કન્વીનર હાર્દિક પટેલ ભાજપને મદદ કરશે એવી ચર્ચાઓ બાદ હવે એક નવા વિવાદે જન્મ લીધો છે. હાર્દિકે જ્યારે ચર્ચાઓ શરુ થઈ ત્યારે કહ્યું હતું કે હું મારુ મકાન બદલી શકું છું પણ કોઈ પાર્ટીમાં જોડાવાની મારી કોઈ ઈચ્છા નથી. ત્યારે હવે મકાન ભાડે આપવા બાબતે હાર્દિકે ફરીવાર ભાજપ સામે આંગળી કરી છે.
ભાજપ સરકારના દબાણને કારણે ગુજરાતમાં તેને કોઈ મકાન ભાડે આપવા તૈયાર ન થતું હોવાનો હાર્દિક પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. એક મીડિયા ગૃપ સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે, હું ચેનથી રહી ન શકું, હું ગાંડો થઈ જાઉં એવા ભાજપ સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યાં છે.
ખેડૂતો અને પાટીદારો તરફથી મને મળી રહેલાં જનસમર્થનથી ડરી ગયેલી ભાજપ સરકાર ચૂંટણીના ડરથી મને અજ્ઞાતવાસમાં રાખવાનો કારસો ઘડી રહી છે. હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, હું હાલ અમદાવાદના ગ્રીનવૂડ સ્થિત જે મકાનમાં રહું છું એ મકાનનો ભાડા કરાર 20 જાન્યુઆરી, 2019ના રોજ પૂરો થવા જઈ રહ્યો છે, જો કે એ પહેલાં જ વહેલી તકે મકાન ખાલી કરાવવા મકાન માલિક પર ભાજપ દ્વારા ઉપરથી દબાણ કરાવવામાં આવી રહ્યું છે. મને મકાન ભાડે આપનાર મકાન માલિક પર પણ ભાજપ સરકારે ખોટા કેસ કરીને તેને જેલમાં ધકેલી દીધો છે. તેથી હવે ભાજપ સરકારના ભયથી મને કોઈ મકાન ભાડે આપવા તૈયાર થતું નથી.
અમદાવાદના નિકોલ, શીલજ, રાંચરડા અને ગાંધીનગર સહિત જુદી-જુદી કુલ પાંચ જગ્યાએ મેં ભાડે મકાન જોયા હતા. તમામ જગ્યાએ મકાન માલિકે મકાન ભાડે આપવાનું નક્કી કર્યું ને બધું ફાઈનલ થયા પછી કોઈકને કોઈક રીતે ભાજપ દ્વારા તેમની ઉપર દબાણ કરવાથી કે ધમકી આપવાથી તમામ જગ્યાએથી મને મકાન ભાડે આપવાની ના પાડી દેવામાં આવી છે.