લ્યો બોલો પત્નીને દાઢી મુછ આવતી હોવાથી પતિએ છુટાછેડા માંગ્યા, કોર્ટે અરજી ફગાવી
, સોમવાર, 18 જૂન 2018 (13:02 IST)
પત્નીને દાઢી-મૂછ આવતી હોવાનો મુદ્દો ઉઠાવી પતિએ કરેલી છૂટાછેડાની અરજી ફેમિલી કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, પતિ અરજી કર્યાબાદ મુદતોમાં ગેરહાજર રહ્યો છે અને તેનો વકીલ પણ કોર્ટમાં આવ્યો નથી. ત્યારે આવી અરજી ગ્રાહ્ય રાખી શકાય નહીં. અરજીમાં પતિએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, પત્નીને લગ્ન પહેલાં રિવાજોના કારણે મળવા દીધી ન હતી અને લગ્ન બાદ તેને દાઢી-મૂછ આવતી હોવાનો ખ્યાલ આવ્યો હતો. જેની સામે પત્નીએ જવાબ રજૂ કર્યો હતો કે, પતિ તરફથી દહેજ માગવામાં આવ્યું હતું અને ન આપતા ખોટા-પાયા વિહોણા આક્ષેપ કરવામાં આવ્યા છે.
અમદાવાદ ખાતે રહેતા રોહિત તેના સગાની ઓળખાણથી રાજસ્થાન રેખા નામની યુવતીને જોવા ગયા હતા. જ્યાં રેખા વિવેકી સુંદર અને ભણવામાં હોંશિયાર હોવાનું જણાવ્યું હતું, પરંતુ રેખાને જ્યારે વિવેકે જોઇ ત્યારે તે દુપટ્ટો મોઢા પર હતો. જેથી રોહિત તેનો ચહેરો જોઇ શક્યો ન હતો. રોહિતે રેખાને એકલામાં મળવાની વાત કરતા સમાજમાં આવા રિવાજ નથી તેવું જણાવી તેને મળવા દીધો ન હતો અને વાતચીત પણ કરવા દીધી ન હતા. પછી અચાનક જ સગાઇ નક્કી કરી દીધી હતી. પછી લગ્ન નક્કી કરતા જાન લઇ રોહિત ત્યાં ગયો હતો અને લગ્ન વખતે પણ ઘૂંઘટો હોવાથી રેખાને જોઇ શક્યો ન હતો.
પહેલીવાર રેખાને જોઇ ત્યારે તે ક્લીન શેવ અને મેક અપમાં હતી. લગ્ન બાદ 7 દિવસ રોહિત રોકાયો હતો અને પછી બહારગામ નોકરી માટે જતો રહ્યો હતો. તે સમયે રેખાને દાઢી આવે છે તેવો કોઇ જ ખ્યાલ આવ્યો ન હતો. પરંતુ ત્યારબાદ 15 દિવસ સળંગ તેની સાથે રોકાતા રોહિતને જાણવા મળ્યું હતું કે, રેખાને ચહેરા પર દાઢી મૂછ આવે છે અને તે બોલે ત્યારે પણ પુરૂષ જેવો અનુભવ થાય છે. પછી રોહિત પાછો નોકરી જતો રહ્યો હતો.
આ દરમિયાન રોહિતની નોકરી કેન્દ્ર સાશિત પ્રદેશ ખાતે થતા તેઓ ત્યાં ગયા હતા. જ્યાં ટુકડે ટુકડે રેખા પણ એક વર્ષ સુધી રોકાઇ હતી. પરંતુ ત્યાં પણ રેખા મનમાની કરતી હતી અને રોહતિને ત્રાસ આપતી હતી પછી અચાનક જ રેખા પિયર પરત જતી રહી હતી. આ દરમિયાન દાઢી મુછ અને પુરુષ જેવું વર્તન થતા રોહિતે સાસરિયાને વાત કરી હતી પરંતુ તેમણે જણાવ્યું હતું કે, હવે લગ્ન થઇ ગયા છે અને તેની સાથે જ રહેવું પડશે. જેથી આ મામલે ઝધડો થયો હતો અને છેવટે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, પરંતુ સમજાવટ બાદ કંઇ થયું ન હતું. જેથી કંટાળી રોહિતે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી.જેમાં પત્નીને દાઢી-મુછ આવતી હોવાની તેનો સ્વભાવ તથા વર્તન પુરુષ જેવું હોવા સહિતના આક્ષેપ કરી છૂટાછેડાની દાદ માગતી અરજી કરી હતી
જેની સામે રેખાએ એવો જવાબ રજૂ કર્યો હતો કે, અમારી પાસે રોહિતના પરિવારે દહેજ માગ્યું હતું જે અમે આપ્યું છે, રોહિતે જે રજૂઆત કોર્ટમાં કરી છે તે ખોટી, સત્યથી વેગળી અને પાયા વિહોણી છે, રોહિતના પરિવારજનો અમને શારિરીક અને માનસિક ત્રાસ આપતા હતા. તેણે લગ્ન પહેલાં પણ મને જોઇ હતી અને લગ્ન પછી પણ તેથી રોહિત જે વાંધો ઉઠાવી રહ્યો છે તે ખોટો છે. ઉપરાંત રેખાના એડવોકટ શિવકુમાર ગુપ્તાએ કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, રોહિતે કોર્ટમાં છૂટાછેડાની અરજી કર્યાને એક વર્ષથી વધુનો સમય થઇ ગયો હતો.
આ કેસમાં વારંવાર કોર્ટે મુદત આપી હોવા છતાં અરજદાર હાજર રહ્યાં ન હતા. જેથી કોર્ટે આ અરજી રદ કરવી જોઇએ. પતિની છૂટાછેડાની અરજી બાદ પત્નીએ પણ ફેમિલી કોર્ટમાં ભરણ પોષણ મેળવવા માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, પતિના તમામ આક્ષેપ ખોટા છે અને પાયા વિહોણા છે, મારે તેમને છૂટાછેડા આપવા નથી પણ તેમની સાથે જ રહેવું છે. આ સાથે જ પતિ મહિને 50 હજાર રૂપિયા કમાઇ રહ્યો હોવાથી દર મહિને 20 હજાર ભરણ પોષણ અને 35 હજાર રૂપિયા વકીલની ફી ચુકવવા દાદ માગી હતી.
આગળનો લેખ