ગોધરાઃ પ્રધાનમંત્રી પદનાં ઉમેદવારો માટે બહુ મોટો ફાળો ભજવ્યો છે
, શનિવાર, 29 માર્ચ 2014 (16:43 IST)
પીએમ પદ સુદી પહોંચ્યા હોય અને જેનો જન્મ પણ ગુજરાતમાં થયો હોય એવા એક માત્ર ગુજરાતી એવા મોરારજી દેસાઈની રાજકીય સફરની ચર્ચા કરતા પહેલા પીએમના ઉમેદવાર ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કરવો પણ જરુરી છે. ગુજરાતના આ બે ટોચના નેતાઓના જીવનમાં એક નાનકડા ગામે બહુ મોટો ફાળો ભજવ્યો છે અને એ ગામ છે ગોધરા. નરેન્દ્ર મોદીની રાજકીય કરિયરના ટર્નિગ પોઈન્ટ એવા ગોધરા મોરારજી દેસાઈના જીવનની દશા અને દિશા બદલવા માટે મહત્વપુર્ણ સાબિત થયું હતું.નરેન્દ્ર મોદીના રાજકીય જીવનમાં ગોધરા મોટું પરિવર્તન લઈને આવ્યું હતું. ઓક્ટોબર ૨૦૦૧માં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન બનીને ગુજરાત આવ્યા ત્યારે રાજ્યમાં ભાજપની હાલત નાજુક હતી. થોડાક જ સમય પહેલા ભાજપ પેટાચૂંટણી હારીચુકી હતી અને રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ મજબુત થઈ રહી હતી. ૨૦૦૩માં રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ સામે આવી રહી હતી. આ સંજોગોમા હાઈકમાન્ડના આશીર્વાદથી દિલ્હીથી સીધા ગાંધીનગર પહોંચેલ નરેન્દ્ર મોદી માટે આ સમય ટેસ્ટમેચ નહીં પરંતુ વન-ડે મેચની જેમ રમવાનો હતો. આવા સંજોગોમા તેમને એક મોટો મોકો મળ્યો. આ દિવસોમાં ગોધરામાં ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને ગોધરા સ્ટેશનથી થોડેક દુર લઘુમતિ સમાજના કેટલાક લોકોએ ટ્રેનના ૬ ડબ્બાઓને આગ લગાવી દીધી અને ટ્રેનમા સવાર ૬૮ જેટલા લોકોના મોત થયા. આ મૃતકોમાં મોટાભાગના લોકો કારસેવકો હતા. આ ઘટનાના બીજા જ દિવસે અમદાવાદ સહિત રાજ્યભરમાં રમખાણો ભડકી ઉઠયા અને હજારો લોકોએ જાન ગુમાવી પડી હતી. આના કારણે રાજ્યમાં થયું સાંપ્રદાયીક ધ્રુવીકરણ અને તેનો સીધો જ ફાયદો મોદી તેમજ ભાજપને મળ્યો. આ સંજોગોમાં ડિસેમ્બર ૨૦૦૨માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૧૨૭ સીટો પણ મળી ગઈ. હિંદુ સમ્રાટનુ સ્થાન મેળવી ચુકેલ નરેન્દ્ર મોદીએ પછી તો ૨૦૦૭ અને ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં જીતીને હેટ્રીક લગાવી. હેટ્રીક લગાવ્યાના થોડાક જ દિવસોમાં મોદીને પ્રમોશન મળ્યુ અને તેમને પીએમ પદનાં ઉમેદવાર બનાવાયા. મોદી વડાપ્રધાન બનશે કે નહીં એ તો ભવિષ્ય જ સ્પષ્ટ કરશે.ગોધરાએ ગુજરાતના બીજા ટોચના નેતા મોરારજી દેસાઈના જીવનમાં પણ મહત્વન ફાળો આપ્યો હતો. એ જાણવુ ઘણું રસપ્રદ બનશે કે મેજિસ્ટ્રેટ એવા મોરારજીના જીવનમાં ગોધરાએ એવી હલચલ પેંદા થઈ કે તેઓ સરકારી નોકરી છોડી રાજકારણમાં આવ્યા અને પીએમની ખુરશી સુધી પહોંચી ગયા. જિલ્લા વિકાસ સદન નામથી ઓળખાતી ગોધરાની પંચમહાલ કલેક્ટર ઓફિસના કેમ્પસમા મોરારજી દેસાઈની પ્રતિમા આજે પણ લાગેલી છે. આ ઓફિસમા મોરારજી ભાઈ કલેક્ટરના ખાનગી સહાયક તરીકે કામ કરતા હતા. તેમની પાસે ગોધરા તાલુકાની જવાબદારી પણ હતી. ગોધરામાં મેજિસ્ટ્રેટની ભૂમિકાના ચાર વર્ષ દરમિયાન તેમનું જીવન જ બદલાઈ ગયુ હતું. સપ્ટેમ્બર ૧૯૨૭માં ગણેશ ચતુર્થી વખતે ગોધરામાં નીકળેલું જુલુસ જ્યારે મુસ્લિમ વિસ્તારોમાંથી પસાર થયુ, ત્યારે તો કાંઈ ન થયુ પરંતુ જુલુસ પુર્ણ થયા બાદ અચાનક હિંદુઓ પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં કોંગ્રેસનાં પ્રમુખ પુરુષોત્તમ શાહનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ તત્કાલીન અંગ્રેજ કલેક્ટર ટયૂડર ઓવને આ ઘટનાની તપાસ માટે મોરારજી દેસાઈને આદેશ આપ્યા. તત્કાલીન ડીએસપી જિયાઉદ્દિન અહેમદ આ રમખાણ માટે કેટલાક હિંદુઓ વિરુદ્ધ કેસ કરવા માગતા હતા પરંતુ મોરારજી દેસાઈએ પોતાની કોર્ટમાં સુનાવણી બાદ હિંદુઓ સામે કોઈ પુરાવા ન હોવાના કારણે તેમને જામીન પર છોડી મુક્યા હતા. આ નિર્ણયને કારણે કલેક્ટર અને ડીએસપી સાથેના મોરારજીના મતભેદો વધી ગયા અને મોરારજી પર હિંદુઓનો પક્ષ લેવાના આરોપ હેઠળ તેમના વિરુદ્ધ તપાસના આદેશ અપાયા. ગુસ્સે ભરાયેલા મોરારજીએ વર્ષ ૧૯૩૦માં ડેપ્યુટી કલેક્ટર પોતાની નોકરીમાંથી રાજીનામુ આપી દીધું.જોકે, મહત્વપૂર્ણ વાત એ રહી કે, તપાસ બાદ મોરારજી દેસાઈ નિર્દોષ સાબિત થયા પરંતુ ત્યાર સુધી તો, તેઓ દેશનાં સ્વાતંત્ર સંગ્રામમાં કુદી ચુક્યા હતા અને ગાંધીજીના આગ્રહ છતા પણ તેઓ સરકારી સેવામા પાછા જવા માટે તૈયાર થયા નહીં. ગાંધી અને સરદારને પ્રેરણા સ્ત્રોત માનીને મોરારજીભાઈએ બારડોલી સત્યાગ્રહમા ઝંપલાવ્યુ. પરિણામે તેઓને પહેલીવાર સાબરમતી જેલમાં ચાર મહિનાનો જેલવાસ પણ કરવો પડયો હતો. જેલમાંથી છુટયા બાદ, તેમણે ખેડા, સુરત, અને પંચમહાલના કેટલાક વિસ્તારમાં આંદોલન કર્યાં હતા. ત્યાર બાદ ૧૯૩૨માં ફરી એક વાર બે વર્ષ માટે તેઓ જેલમાં ગયા. આ વચ્ચે ૧૯૩૧મા મોરારજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બની ચુક્યા હતા. જ્યારે બાળા સાહેબ ખેરના નેતૃત્ત્વમા પહેલીવાર ૧૯૩૭મા કોંગ્રેસની સરકાર બની, ત્યારે મોરારજીને મહેસૂલ મંત્રી બનાવવામા આવ્યા હતા. મોરારજીનો મંત્રી તરીકેનો કાર્યકાળ ૪ નવેમ્બર ૧૯૩૯ સુધી ચાલ્યો. સ્વતંત્રતા સંઘર્ષ અને જેલવાસનો સીલસીલો ફરી એક વાર શરુ થયો. આખરે ૧૯૪૬મા જ્યારે મુંબઈ પ્રાંતમા ફરી એક વાર કોંગ્રેસની સરકાર બની તો, મોરારજી વહીવટી કાર્યમા ફરી પાછા આવી ગયા. આ વખતે બાલા સાહેબ ખેરના મંત્રી મંડળમાં તેમને ક્લાસ ટુ ની જગ્યા મળી હતી. ગૃહમંત્રીની ભૂમિકામાં ૧૯૪૮માં એક વાર ફરીથી મોરારજીનું ગોધરા આવવાનુ થયુ. અહીં પણ કોમી રમખાણો થયા હતા. જે શહેરમા થયેલા રમખાણો મામલે જ મોરારજી દેસાઈએ સરકારી નોકરી માંથી રાજીનામુ આપી દીધુ હતુ. તે જ શહેરમાં મોરારજી દેસાઈ મંત્રીની ભૂમિકામાં આવ્યા હતા. તે સમયના દૃશ્યોના કેટલાક ફોટા હજી પણ ગોધરાના દસ્તાવેજોમાં કેદ થયેલા છે. તે સમયે તોફાનમાં બળેલા અને ભાંગેલા મકાનોની વચ્ચે ફરતા મોરારજી દેસાઈના ફોટાઓ ભગવાન દાસ ખરાડીએ પાડયા હતા.