ભાજપને હારનો ડર બતાવી શકે એવો એક જ ચહેરો ગુજરાતમા છે અને એ પણ હાર્દિક પટેલ. હવે ભાજપ દ્વારા હાર્દિકને એકલો પાડીને ચૂંટણી જીતવા માટે નવા દાવપેચ અજમાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. હાર્દિકના પાસના નજીકના સાથીઓને કોઈપણ બહાને ભાજપમાં ભેળવીને હાર્દિકને એકલો પાડવા અને પાસમાં ફાંટા પાડવા માટે ભાજપ કોઈપણ હદે જઈ શકે છે. રાજકીય પક્ષોના સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની એક એક ચાલ આ માટે સફળ સાબિત થઈ રહી છે.
કેતન પટેલ, ચિરાગ પટેલ, અમરિશ પટેલ, વરૂણ પટેલ, રેશમા પટેલ જેવા પાટીદાર આંદોલનના નેતાઓ હવે સંપૂર્ણ ભાજપ મય થઈ ગયાં છે. જે લોકો પહેલાં ભાજપને ગાળો ભાંડતા હતાં તે લોકો હવે હાર્દિકને ગાળો ભાંડી રહ્યાં છે. હાર્દિકની કથિત સેક્સ સીડી બહાર આવ્યા બાદ પાસમાં પણ ફટકો પડવા માંડ્યો છે. રાજકીય સુત્રો દ્વારા એવું ચર્ચાઈ રહ્યું છે કે કોંગ્રેસની પહેલી યાદી જાહેર થયા બાદ અમદાવાદ અને સુરત સહિત કેટલાક વિસ્તારમાં પાસ દ્વારા થયેલી તોડફોડ અમિત શાહ એન્ડ કંપની દ્વારા પુર્વયોજીત હતી. હાર્દિક પટેલ વતી કોંગ્રેસ સાથે વાટાઘાટો કરતા પાસના અત્યંત મહત્વપુર્ણ નેતાઓ સાથે અમિત શાહ છેલ્લા પંદર દિવસથી સંપર્કમાં હતા, આ વાતથી ખુદ હાર્દિક પટેલ પણ અજાણ હતો. પાસના આ નેતાઓ કોંગ્રેસ સાથે વાટાઘાટોમાં એવી સ્થિતિ નિર્માણ કરી રહ્યા હતા કે, જેના કારણે કોંગ્રેસ ભીંસમાં આવી જાય. તેઓ છેલ્લાં એક સપ્તાહથી કોંગ્રેસ સાથે ભંગાણ થઈ રહ્યું છે તેવો માહોલ પણ ઊભો કરી રહ્યા હતા. સુત્રોના જાણકારી ઉપર આધાર રાખીએ તો અગામી ચોવીસ કલાકમાં જ હાર્દિકના જમણા અને ડાબા હાથ સમાન સાથીઓ તેનો હાથ છોડી ભાજપનો ખેસ પહેરી લે તેવી સંભાવના છે.
સુત્રોના કહેવા પ્રમાણે દિલ્હીમાં જે પ્રકારે પાસના નેતાઓ કોંગ્રેસ વિરૂધ્ધ નિવેદન કર્યા અને ભરતસિંહ સોંલકીના બંગલે તે પ્રકારે દેખાવ પાસ દ્વારા થયા તે બધુ જ અમિત શાહની સ્ક્રીપ્ટ પ્રમાણે જ થયુ હતું, હવે આ નેતાઓ હાર્દિકને સાથ છોડી ભાજપની પંગતમાં બેસી જશે, પણ આશ્ચર્યજનક બાબત એવી છે કે ભાજપમાં જોડાનાર આ નેતાઓને ભાજપ ટિકિટ આપશે નહીં, પણ પાસના આ નેતાઓ એનસીપીમાંથી ચૂંટણી લડશે. કારણ એનસીપી ફરી એક વખત ભાજપની બી ટીમ તરીકે મેદાનમાં આવી છે અને પાસના નેતાઓ એનસીપીમાંથી ચૂંટણી લડે તો જ કોંગ્રેસને નુકશાન થાય. જો કે આપ્રકારની સ્થિતિને હાર્દિક પહોંચી વળવા માટે તૈયાર છે. તેમ હાર્દિકના નજીકના સુત્રોનું કહેવુ છે.