ડૉ. ધીમંત પુરોહિત
ગુજરાતમાં લોકસભા ઇલેક્શનના મતદાન આડે હવે માંડ અઠવાડિયાનો સમય રહ્યો છે, ત્યારે અચાનક હવામાનમાં પલટો આવ્યો છે. મિડ-એપ્રિલની કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે કચ્છમાં વહેલી સવારે ઊડેલી ધૂળની ડમરીઓ સાથેના વાવાઝોડાએ મોસમનો મિજાજ બદલી નાખ્યો, જેની અસર કચ્છ-સૌરાષ્ટ્રથી છેક અમદાવાદ સુધી અનુભવાઈ. સૂરજની બાળી નાખતી ગરમીને બદલે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું.
આવા બદલાયેલા વાતાવરણમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણીપ્રચાર કરવા આવ્યા છે. અમિત શાહે સૌરાષ્ટ્રના કોડીનાર અને ઉત્તર ગુજરાતના ડીસા-બનાસકાંઠામાં રેલી કરી, તો રાહુલ ગાંધીએ રેલી માટે સૌરાષ્ટ્રના ભાવનગરનું મહુવા પસંદ કર્યું, જેનું ટાર્ગેટ ભાવનગર ઉપરાંત અમરેલી અને જૂનાગઢ પણ છે. ગુજરાતની બહાર દેશના રાજકીય માહોલમાં ત્રણ કારણે ગરમી છે. રાહુલ ગાંધીની 'ચોકીદાર ચોર છે' અંગેની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી માટે 22મી એપ્રિલે નોટિસ કાઢી છે. ઇલેક્શન કમિશને નેતાઓના બેફામ વાણીવિલાસ ઉપર બ્રેક મારવા યોગી આદિત્યનાથ પર 72 કલાક અને માયાવતી પર 48 કલાક માટે ચૂંટણીપ્રચાર કરવા અંગે રોક લગાવ્યો છે.
ગુજરાતના જંગમાં સૌરાષ્ટ્ર ખાતે રાહુલ ગાંધીની આ પહેલી રેલી છે. રાહુલ ગાંધીના ભાષણમાં મોદી જેવી ઉગ્રતા, નાટ્યાત્મકતા કે શબ્દરમત નથી જોવા મળતી. રાહુલના ભાષણમાં હવે આત્મવિશ્વાસ અને તર્કથી ભરેલી સરળતા છે. મોદી પોણો કલાકનો ક્લાસ લે છે તો રાહુલનું ભાષણ અડધા કલાકમાં પૂરું થઈ જાય છે. રાહુલનું ભાષણ નેતાઓનાં ભાષણો જેવું ઓછું અને સામાન્ય વાતચીત જેવું વધુ હોય છે.
મહુવાનું રાહુલનું ભાષણ સંપૂર્ણપણે મોદી કેન્દ્રિત રહ્યું. જોકે, સોનિયા ગાંધીના સમયથી કૉંગ્રેસનાં ચૂંટણીભાષણો મોદી કેન્દ્રિત જ રહ્યાં છે. સોનિયા ગાંધીનું 'મૌત કા સોદાગર' ભાષણ ઐતિહાસિક છે, જેણે મોદીને મહત્તમ ફાયદો કરાવ્યો હતો. જોકે, સોનિયા અને રાહુલમાં પાયાનો ફરક એ છે કે રાહુલ મોદીના મૉડલ પર માત્ર આરોપો જ નથી મૂકતા, સામે પોતાનું વૈકલ્પિક મૉડલ પણ આપે છે.
આ ઇલેક્શનમાં તો રાહુલ પાસે પોતાનાં ત્રણ-ત્રણ મૉડલ છે, જેની તેમણે સૌરાષ્ટ્રની એમની પહેલી રેલીમાં મજબૂતીથી રજૂઆત કરી. જે મોદીના રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા સામે રાહુલનો જવાબ છે. ત્રીજો, પણ સૌથી મહત્ત્વનો મુદ્દો કિસાન બજેટનો છે, જેને સૌથી વધુ પ્રતિસાદ મહુવાની રેલીમાં મળ્યો. રાહુલ વાયદો કરે છે કે જો કૉંગ્રેસની સરકાર બનશે તો બે બજેટ બનાવાશે. એક મુખ્ય બજેટ અને બીજું કિસાન બજેટ.
કિસાન બજેટ માત્ર અને માત્ર કિસાન અને કૃષિ કેન્દ્રિત હશે. જો આ શક્ય બને તો ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં આઝાદીના સાત દાયકા પછી પહેલું કૃષિલક્ષી ક્રાંતિકારી કદમ હશે. ગુજરાતમાં અને ભારતમાં પણ ભાજપ માટે આ ઇલેક્શનમાં ચિંતાનો મોટો મુદ્દો ખેડૂતો અને ગ્રામ્ય મતદારો છે. એવામાં રાહુલની આ કિસાનલક્ષી જાહેરાતનો ભાજપે જવાબ વિચારવો જ પડશે. બીજો મુદ્દો રોજગારીનો છે. મોદીના દર વર્ષે બે કરોડ રોજગારીના વચનને જુઠ્ઠાણું કહી કૉંગ્રેસની સરકાર બને તો એક વર્ષમાં 22 લાખ સરકારી નોકરી અને પંચાયતોમાં 10 લાખ નોકરીઓનો વાયદો રાહુલે કર્યો છે.
નવો ધંધો-વ્યવસાય શરૂ કરવા માગતા યુવાનોને પહેલાં ત્રણ વર્ષ સુધી કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરીઓમાંથી મુક્તિના મૅનિફેસ્ટોનો વાયદો ઉદ્યોગસાહસિક માટે જાણીતા ગુજરાતના યુવાનો માટે ખાસ ઑફર તરીકે રાહુલ રજૂ કરે છે. પહેલો અને મુખ્ય મુદ્દો તો કૉંગ્રેસની 'ન્યાય'યોજનાનો છે, જેમાં દેશના સૌથી ગરીબ પાંચ કરોડ પરિવારોની મહિલાઓનાં ખાતાંમાં વર્ષે 72,000 કરોડ જમા કરવાનો કૉંગ્રેસનો ચૂંટણીવાયદો છે. જેનો શ્રેય રાહુલ ગાંધી કટાક્ષમાં મોદીનાં દરેકનાં ખાતાંમાં 15 લાખ જમા કરવાના જુમલાને આપે છે.